Charchapatra

ઘણું મોડું થઇ જશે

છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ શાસન કરતી સરકાર જો હવે પણ આંખ નહિ ખોલે તો ઘણું મોડું થઇ જશે.હાલમાં જ પૂર્ણ થયેલ ચૂંટણીમાં સમગ્ર રાજ્યની પ્રજાએ ફરી વાર સરકારને સત્તા પર આરૂઢ થવાનો ઉત્તમ અવસર આપ્યો છે.

આ જીત ખૂબ જ મોટી અને ઐતિહાસિક જીત છે.પરંતુ આ જીતની પાછળની પ્રજામાનસની લાગણી અને ભાવનાને સરકાર અને પક્ષે સમજી લેવાની જરૂર છે.જીત એ વાતની સાબિતી નથી હોતી કે પ્રજાને સમસ્યા નથી, પરંતુ આ જીત એ પ્રજાએ વધુ એક વખત પોતાનો વિશ્વાસ તમારામાં મૂક્યો છે તેનું પ્રમાણ છે.કોઈએ પણ જીતથી સહેજ ફૂલી જવાની જરૂર નથી.

વાત સૌ એવી પણ નથી કે સરકાર પ્રજાના કાર્ય કરવામાં નિષ્ફ્ળ છે કે પ્રજાના પ્રશ્નો સાંભળતી નથી,વાત એવી પણ નથી કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ નથી કરતા.હકીકત તો એ છે કે આ સરકાર અને પક્ષના કાર્યકર્તા રાત-દિવસ પ્રજાના કાર્ય કરીને જ આ વિશ્વાસ જીતી શક્યા છે અને છેલ્લાં 25 વર્ષથી સત્તામાં હોવા છતાં એંટીઈંકમબન્સીને રોકવામાં સફળ પણ થયા છે.

મૂળ વાત છે મોંઘવારી,ભ્રષ્ટાચાર અને બેરોજગારી જો હવે આ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં નહિ આવે તો મારા મત મુજબ આવનારા સમયમાં સત્તાધારી પક્ષ પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગમગવાની શરૂઆત થઇ જશે.ભવિષ્યમાં આ વિશ્વાસ એ અવિશ્વાસમાં પરિણમશે જેની નોંધ અત્યારથી જ પક્ષના મોવડીમંડળે લેવી જોઈએ.જો આ ત્રણ મુદ્દા પરથી સરકાર પ્રજાનું ધ્યાન ભટકાવાનો પ્રયત્ન કરશે તો હવે પ્રજા એની વાતમાં આવશે નહિ.

આ સિવાયનો એક અગત્યનો મુદ્દો છે કાયદાની કથળતી સ્થિતિ.છેલ્લા કેટલાય સમયથી અને એમાં પણ કોરોનાકાળ પછી તો સવિશેષ જોવા મળી રહ્યું છે કે તમામ પ્રકારના કાયદા ફક્ત અને ફક્ત સામાન્ય માણસને જ લાગુ પડી રહ્યા છે.વીઆઈપી લોકો કે તેમના ચાપલૂસોને નથી તો કાનૂનનો ડર કે નથી તેમના માટે કોઈ દંડ.રોડની વચ્ચેથી એક બાઈક ચાલકને પકડીને દંડ થઇ શકે,દુકાનમાં કે ઓફિસમાં બેઠેલા લોકોના માસ્ક વગરના ફોટો પાડીને પણ દંડ થઇ શકે જયારે વગદારોને કોઈ કંઈ કહી જ ન શકે.

આવી પરિસ્થિતિ આખી દુનિયામાં ફક્ત આપણે ત્યાં જ જોવા મળે.જેટલી ચપળતા વાહનચાલકોને દંડવા માટે દેખાય છે એટલી ક્રિમિનલ કે બુટલેગરોને પકડવામાં દેખાતી નથી.પ્રજાને કમજોર સમજવાની ભૂલ જ વર્ષો જૂના પક્ષને ભરી પડી છે એ વાત સત્તાધારી પક્ષે ભૂલવી ન જોઈએ.લોકશાહીમાં પ્રજા જ સર્વોપરી હતી,પ્રજા જ સર્વોપરી છે અને પ્રજા જ સર્વોપરી રહેશે.

 સુરત    – કિશોર પટેલ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top