સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતીનો સોશિયલ મીડિયા મારફતે એક યુવક પીછો કરતો હતો. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં તેને મેસેજ કરી હેરાન પરેશાન કરતો હતો. જેથી બાદમાં તેને જાણ થઇ હતી કે તેનો કૌટુંબિક ભાઈ જ તેને મેસેજ કરી હેરાન પરેશાન કરી રહ્યો છે. પરંતુ તે ગૂગલમાં ફોટા અપલોડ કરી દેવાની ધમકી આપતો હોવાના કારણે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતીએ ગતરોજ કતારગામ પોલીસ મથકમાં તેના કૌટુંબિક ભાઈ હિરેન દીનેશભાઇ ઘાસકટા (રહે. ફ્લેટ નં-૩૦૧, સી/૨, વ્હાઇટ પેલેસ, છાપરાભાઠા) સામે છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ ૭/૦૨ ૨૦૨૩થી હિરેન યુવતીનો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે પીછો કરતો હતો. હિરેન કઝીન બહેનનો પીછો કરવા માટે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમા જયેશના નામનું ફેક આઇ.ડી.બનાવ્યું હતું.
આ ઉપરાંત એક મોબાઈલ નંબર ઉપરથી પણ યુવતીને મેસેજો કરતો હતો. જેમા યુવતી જ્યાં જાય કે, જે કામ કરે તેની માહિતિ વાળા મેસેજો કરી સોસીયલ મીડીયામાં યુવતીનો પીછો કરી તેણીના ફોટા ક્યાંકથી મેળવી ફોટા ગુગલમા અપલોડ કરવાની ધમકી આપતો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે કતારગામ પોલીસને જાણ કરી હતી. કતારગામ પોલીસે યુવતીની ફરિયાદ લઇ હિરેન સામે છેડતીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાતિવાચક અપમાનજનક શબ્દ બોલનાર સામે એટ્રોસિટી દાખલ કરાઇ
સુરત : રાજહંસ એપાર્ટમેન્ટ, પાલ તળાવ પાસે છઠ્ઠામાળેથી પસાર થવા માટે કોમન પેસેજ વાપરનાર પડોશીને જાતિવિષયક ગાળો ભાંડતા એટ્રોસિટીની ફરિયાદ અડાજણ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી હતી.
પોલીસ કર્મી મનીષભાઇ ભાણજીભાઇ બૈરાયા, ઉ.વર્ષ 49, દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યુંહતું કે,ગઇ તા. 7 સપ્ટેમ્બર, 2022ના રોજ બી વીંગમાં તેઓ છઠ્ઠા માળેથી ઉતરી રહ્યા હતા. ત્યારે તેમના પડોશી સોનલબેને તેમને બોલાવ્યા હતા. તે સમયે સોનલબેનની બાજુમાંજ છઠ્ઠા માળે રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્ર ઉર્ફે રાજુભાઇ ધરણીધર શાહ તથા તેમનો દિકરો પાર્થ રાજુભાઇ શાહ દ્વારા તમે અહીયાથી કેમ પસાર થાવ છો તમારે આ પેસેજમાંથી નીકળવાનુ નહી. ત્યારબાદ રાજુભાઇ રસ્તા પર ઉભા રહીને તેઓને આંતર્યા હતા. રાજુભાઇ અને તેમના દિકરા પાર્થ દ્વારા તેઓને અપમાનિત જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા. આ ઉપરાંત તેઓને છક્કા જેવા શબ્દ પ્રયોજન કરીને અપમાનિત કર્યા હતા, તેઓએ પ્રતિકાર કરતા તેઓને જોઇ લેવાની ધમકી આપી હતી.