Columns

વરસાદી મોસમમાં થયો સૂરોનો વરસાદ

કલા જગતના ધ્રુવ તારા સમાન “રાષ્ટ્રીય કલા કેન્દ્ર”હરહંમેશ વિવિધ કાર્યક્રમો આપતી રહી છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત અને સ્વર સંગીત અકાદમી દ્વારા ગત તા.૧૭-૦૭-૨૦૨૨ રવિવારના રોજ વજુભાઈ ટાંક હોલ, શાહપોર ખાતે સુરતીઓની સાંજને ગુજરાતી ગીત સંગીતથી સુરીલી બનાવવાના હેતુ સાથે સુનીલ રેવર અને સ્વરવૃન્દ દ્વારા “વરસાદ ભીંજવે”કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી રૂપીન પચ્ચીગરે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે સુરતની ખ્યાતનામ કલા સંસ્થા રાષ્ટ્રીય કલા કેન્દ્ર ચિત્રકલા, નાટ્યકલા, નૃત્યકલા અને સાહિત્ય જેવી વિવિધ વિધાઓમાં કાર્યરત છે.

વિવિધ કલાઓને પ્રોત્સાહિત કરવા સમયાંતરે કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. અને કલાકારોને તખ્તો આપવાનું કામ કરે છે. તેમજ વિવિધ કલાઓના કલાકારોને પારિતોષિક આપી પ્રોત્સાહિત પણ કરે છે. હાલમાં “કોરોનાકાળની સત્યકથાઓ”નામક એક દળદાર પુસ્તકનું પ્રકાશન પણ રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી થયું છે. જે કોરોના ના વિપરીત સમયની વાસ્તાવિકતાનો દસ્તાવેજ છે. પણ આજે આપણે “વરસાદ ભીંજવે”સુગમ સંગીત કાર્યક્રમમાં સુરથી ભીંજવાનું નક્કી કર્યુ છે. સંસ્થાના ઉપપ્રમુખ આશિષ શાસ્ત્રી દ્વારા આભારવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

સ્વર સંગીત અકાદમીમાં વિર્દ્યાથીઓને સંગીત શીખવી, ગુજરાતી સુગમ સંગીતને જીવંત રાખવામાં આ સંસ્થાનો અને સુનીલ રેવર- સતીષ રેવરનો નોંધપાત્ર ફાળો રહ્યો છે અને જેથી આ સંસ્થા થકી ગુજરાતી સુગમ સંગીતને ઉત્તમ કલાકારો મળ્યા છે. ત્યારે રવિવારની વરસાદી સાંજના માહોલના સંગાથે ગુજરાતી ભાષાના પ્રખ્યાત વરસાદી ગીતોની પ્રસ્તુતિ કરી સુરતીઓને રસતરબોળ કરવા સુરતના ખ્યાતનામ ગાયકો કેયુર વાઘેલા, અભિષેક ગઢવી, યોગેશ ગોહિલ, મનીષ સોજીત્રા, જીનેશ શાહ, દ્રષ્ટિ ચીમના, નિધિ અધ્વર્યુ, અંજલી ભુગરી, મેઘા જોશી અને બરખા દેસાઈ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

ત્યારે સુરોને વધુ અસરકારક બનાવવા વાધ વૃંદમાં તબલા પર સતીષ રેવર, ઓક્ટોપેડ પર મિહિર માળવી, ગીટાર પર કેયુર વાઘેલા, કી બોર્ડ પર પ્રશાંત પટેલ અને વાયોલીન પર મહેન્દ્ર પટેલે સૂર સાથે સૂર મેળવ્યા હતા. તો આવા રંગીન વરસાદી માહોલમાં વરસાદી ગીતો સાંભળવા મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉમટી પડ્યા હતા અને હોલની બહાર પણ ઉભા રહીને ગીતોનો આનંદ તો માણ્યો જ હતો સાથે જ અંતમાં મન મોર બની થનગાટ પર ગરબા રમી કાર્યક્રમની મઝાને બમણી કરી હતી.

કાર્યક્રમમાં ગુજરાતી ગીત સંગીતના જાણીતા ગીતો જેવા કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, પહેલાં વરસાદનો છાંટો મુને વાગ્યો, પાન લીલું જોયુંને તમે યાદ આવ્યા, આવી શકે તો આવ વરસાદી સાંજ છે, મારી આંખોમાં બેઠું ચોમાસું, તું પૂછતી નહિ કેટલો પાગલ, ધૂમ વરસાદે અમે કોરા રહ્યા કોઈએ છત્રી ધરી, પલળી ગયા. એક વરસાદી સાંજે જેવા અદ્ભુત ગીતો રજુ થયા. કાર્યક્રમમાં રમેશ પારેખ, તુષાર શુક્લ, કિશન સોસા, એષા દાદાવાલા, મુકેશ જોશી, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, સુનીલ રેવર જેવા ખ્યાતનામ કવિઓની રચના રજુ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રોતાગણને જકડી રાખવા માટે સફળ સંચાલન જાણીતા કવિ પ્રશાંત સોમાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top