Dakshin Gujarat

ડાંગ બાદ ઓલપાડમાં વરસાદ પડ્યો, વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી

સુરત: ડાંગ બાદ આજે ગુરુવારે તા. 16મીની સવારથી સુરતના ઓલપાડ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી છૂટકારો મેળવી લોકોએ રાહત અનુભવી હતી. જોકે, પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

હવામાન વિભાગ દ્વારા તા. 12થી 16 મે દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. છેલ્લાં બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે સવારે ઓલપાડમાં વાદળો છવાયા હતા અને અલગ અલગ ગામોમાં વરસાદ પડ્યો હતો.

ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે ડાંગરનો પાક થાય છે. તાલુકાની અંદર ચોમાસામાં વરસતો હોય તેવો વરસાદ આજે વરસતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ડાંગર સહિતના બાગાયતી પાકોને નુકસાન થયું છે.

ડાંગ જિલ્લામાં ચાર દિવસથી વરસાદી વાતાવરણ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચાર દિવસથી વરસાદી વાતાવરણ છે. ગઈકાલે બુધવારે સતત ચોથા દિવસે પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ડાંગી જનજીવનમાં ભાગદોડ મચી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં આહવા,બોરખલ,ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, માલેગામ, માંળુગા, ચીખલી, સુબિર, સાકરપાતળ, વઘઇ, નડગખાદી, પીંપરી સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું વર્તાતા જાહેર માર્ગો પર પાણી પાણી ફરી વળ્યું હતું.

ડાંગ જિલ્લાનાં પીંપરી વિસ્તારમાં બરફનાં કરા સાથે કમોસમી માવઠું પડ્યું હતું. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું હતું. ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ કમોસમી માવઠું વર્તાતા જોવાલાયક સ્થળો આહ્લાદક બની જવા પામ્યા હતા.

Most Popular

To Top