SURAT

સુરતના જાણીતા જ્વેલર્સ સહિત ત્રણ જૂથ પર ઈન્કમટેક્સના દરોડા

સુરત: લાંબા સમય બાદ સુરત આવકવેરા (Surat Income Tax) વિભાગે સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધર્યું છે. શહેરના જાણીતા કે.કાંતિલાલ જ્વેલર્સ (K.KantilalJewelers) ગ્રુપ સહિત ત્રણ જૂથ પર વહેલી સવારથી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના 40થી વધુ અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી છે. સુરત ઉપરાંત મુંબઈ અને અમદાવાદમાં પણ સાગમટે તપાસ ચાલી રહી છે. સોનાની બિસ્કીટની મોટા પાયે લેવડદેવડ આ ત્રણેય જૂથને ભારે પડી હોવાની ચર્ચા છે. ખરી હકીકત તપાસ બાદ બહાર આવશે.

  • મુંબઈ અમદાવાદ અને સુરત મળી કુલ 40 જેટલી ટીમો દ્વારા સર્ચની કામગીરી હાથ ધરાઈ હોવાની વાત

સુરતમાં તહેવારની શરૂઆત થતા જ આઈટી વિભાગ સક્રિય થયું છે. સુરતના જ્વેલર્સ અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. જેને લઈ અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. હાલ IT ના અધિકારીઓ નામાંકિત જવેલર્સના રહેણાંક અને કામકાજના સ્થળો સહિતની ઓફિસમાં સર્ચ કરી બેનામી આવક શોધવામાં વ્યસ્ત થઈ જતા મોટી સંખ્યામાં બેનંબરના વ્યવહારો બહાર આવે તેવી શક્યતા દેખાય રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના નામાંકિત જવેલર કે. કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સ, પાર્થ અને અક્ષર ગ્રુપ પર આઇટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્વેલર્સ અને બુલિયન ડિલર્સને ત્યાં મુંબઈ-અમદાવાદ સહિતની 100થી વધુ અધિકારીઓ અને 40થી વધુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પાર્લે પોઈન્ટ સ્થિત કે. કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સ. પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપને ત્યાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વહેલી સવારથી આ કામગીરી વિવિધ ટીમો દ્વારા કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરની ટીમોની સાથે મુંબઈની ટીમો પણ આ સર્ચ કામગીરીમાં જોડાઈ છે. જેથી મોટી બેનામી આવક સામે આવે તેવી શક્યતા દેખાય રહી છે. સાથે સાથે આર્થિક નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર તપાસ પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી છે.

પાર્થ અને અક્ષર ગ્રુપ બુલિયન ડીલર્સ હોવાની ચર્ચા
સુરત આઈટીનું મુખ્ય ટાર્ગેટ કે. કાંતિલાલ જ્વેલર્સ છે. પાર્થ અને અક્ષર ગ્રુપ બુલિયન ડિલર્સ છે. થોડા સમય પહેલાં આ ત્રણેય ગ્રુપ વચ્ચે સોનાની બિસ્કીટની મોટી લેવડદેવડ થઈ હોવાની ચર્ચા છે, જેના પગલે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયાની ચર્ચા છે. હાલ ત્રણેય જૂથ પર તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top