આઝાદ ભારત પહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ રાષ્ટ્રના મોક્ષ માટે તપસ્યા અને બલિદાન આપ્યા હતા. અને ગુલામીની ઝંઝીરમાંથી મુકત કરાવી દેશને સ્વતંત્ર કરાવ્યો હતો.ત્યારબાદ ઉચ્ચ ગણાતી લોકશાહીનું બિરૂદ્દ મળ્યું હતું. જેને પરિણામે પુખ્ત ઉંમરના દરેક નાગરિકે પવિત્ર અને મહામૂલુ મતાધિકાર મેળવ્યો હતો. આ મતાધિકાર કોઇક સામાન્ય છમકલા બાદ હાલ પર્યંત સુધી શાંતિપૂર્ણ રીતે થયો હતો. જે કોંગ્રેસ પક્ષના આભારી હતો. તેઓ સેવાના કાર્યો માટે સાચા ભેખધારી હતા. જયારે આજે સંસદો અને સભ્યો સ્વતંત્ર ભારતમાં મેવા મેળવીને ટૂંક સમયમાં અઢળક નાણાં પ્રાપ્ત કરતા હોય છે.
જે આજે લોકશાહીમાં દુ:ખદ બિના કહેવાય. આજે કોંગ્રેસ અને સબળ ભાજપ વચ્ચે હાલમાં કટ્ટર વિરોધ થઇ રહ્યો છે. જાણે કોંગ્રેસ પક્ષને ઘરભેગા કરવાનો વિચારતા હોય એમ લાગી રહ્યું છે. પરંતુ રાજકારણના અગ્રણીઓએ વિચારવું જોઈએ કે સાચી અને સત્ય લોકશાહીમાં જેટલી જરૂર સબળ પક્ષની છે તેની સાથે સબળ વિરોધ પક્ષની પણ છે. તેના વિનાની સંસદ એટલે સરમુખત્યારશાહીની પ્રથા. ઐતિહાસિક સુરતમાં કોંગ્રેસની સીટ માટે ફોર્મ ભરવામાં આવ્યું જેમાં તેમની અને ટેકેદારોની પણ સાચી સફી નહોતી એવી તપાસણી બાદ માલમ પડતા કોંગ્રેસનું ફોર્મ રદ કરવામાં આવ્યું.
ત્યારબાદ અગાઉથી નક્કી કર્યું હોય તેમ અન્ય પક્ષે પણ ટપોટપ ફોર્મ ખેંચી લીધા હતા. તેના પરિણામ-સ્વરૂપ માત્ર ભાજપના સભ્યનું ફોર્મ બાકી રહેતા તેઓશ્રીનું પાસ કરવામાં આવ્યું. કોંગ્રેસ પક્ષના સભ્યએ તેમજ ટેકેદારનું ડમી સહીને લીધે તેનું પરિણામ શું આવ્યું તે સર્વને વિદિત છે. કહેવાય છે કે ઘર ફૂટે ઘર જાય આને કારણે સુરતના પુખ્ત ઊંમરના નાગરીકોએ હાલની ચૂંટણીમાં પવિત્ર મતાધિકારનો હક ગુમાવવો પડયો. આવી નખરાણી લોકશાહીમાં દેશનું શું થશેએ વિચારણા માંગી લે છે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વધુ ચૂંટણી સુધારાની જરૂર
બોગસ મતદાન અને મતદાર યાદીમાં બે જગ્યાએ નામ જેવા દૂષણને જો દૂર કરવા હોય તો વોટર આઇડી કાર્ડને આધારકાડ સાથે જોડવાની જરૂર છે. વોટર આઇડી કાર્ડને આધારકાર્ડ સાથે જોડેલી મતદાર યાદી સમગ્ર દેશમાં એક જ હશે જેનો ઉપયોગ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓથી માંડીને પંચાયત અને સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીમા થઈ શકશે. ચૂંટણી ખર્ચ સંદર્ભમાં પણ ચૂંટણી સુધારાની જરૂર છે. હાલમાં જે ચૂંટણીઓ યોજાય છે તેમાં ચૂંટણીમાં ખર્ચ કરવાની જે મર્યાદા છે તેના કરતા અનેકગણો વધુ ખર્ચ રાજકીયપક્ષો કરતા હોય છે. આનુ પણ નિરાકરણ એટલું જ જરૂરી છે. સરકાર આ બાબતોને લક્ષમાં લેશે ??
સુરત – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે