Business

કુદરતને એક સાથે નીચોવી લેવી એમાં ડહાપણ નથી

ભારતે યોગ કે આયુર્વેદની જ વિશ્વને ભેટ નથી આપી પરંતુ ઉત્તમ જીવન જીવવાની શૈલી આપી તે મોટું પ્રદાન ગણાય. માણસ જેમ જેમ વિકસિત થતો ગયો તેમ તેમ તે વિવિધ સાધનોથી શકિતવાળો પણ બનતો ગયો. માણસ જાતે પાછળથી પોતાની શકિતનો દુરુપયોગ પણ કર્યો. આજે પણ તે અટકયો તો નથી જ. આ બધું જોતાં પૃથ્વીરૂપી ગ્રહ આવતી કાલે મનુષ્ય સહિત તમામ જીવિતો માટે રહેવા જેવો ન પણ રહે. કુદરતે જે આપ્યું છે તેનું એકી વખતે દહન કરી દેવું તે જ કંઇ પ્રગતિ નથી.

પૃથ્વીરૂપી ગ્રહ પર જીવિત પશુ, પંખી અને મનુષ્યો રહી શકે છે. કુદરતને બધી રીતે નીચોવી લેવી એ જ માત્ર માર્ગ પ્રગતિમાં દેખાય છે. જે વિચારમાં કોઇ કુદરતી રીતે વહેતી નદીઓના પાભાણી ખેતીથી માંડી પીવા સુધી ઉપયોગમાં લેવાય છે. તે પાણીને જ પી ન શકાય તેટલી હદે ગંદું કરી મૂકયું છે. હવા વિના કોઇ જીવી ન શકે અને કુદરતે જયાં જયાં નાક ત્યાં ત્યાં હવાની વ્યવસ્થા કરી દીધી છે. તે હવા જ દૂષિત કરીને આપણે પ્રગતિ કરી રહયા છીએ એવા વહેમમાં માણસ જાત આજે જીવી રહી છે. અદ્યતન મચ્છીમારીથી દુનિયાના સાગરો ધીમે ધીમે જળચરો વિનાના થઇ ગયા. પહેલાં માણસ આખા દિવસમાં જેટલી માછલી જોઇએ તેટલી મહેનતથી મેળવતો હશે પરંતુ હવે વિશાળ જાળમાં હજારો માછલી પકડી લેવાય છે.

કુદરતે રૂડી જમીન આપી છે તેમાં વિવિધ પ્રકારના પાકો મનુષ્ય લઇ શકે છે, ઉત્તમ ફળો મેળવી શકે છે. મનુષ્યે વિશિષ્ટ પ્રકારના કેમિકલવાળા આહારો બનાવી વિપુલ માત્રામાં ફળો અને અનાજ મેળવવા માંડયાં પરંતુ તેનાથી પૃથ્વીને મોટી ઇજા પણ થઇ અને વિપુલ માત્રામાં પાક આપતી જમીન રસહીન બનવા લાગી છે. હવે જમીનનું શું થશે? આજે બહુ મોટી માત્રામાં પશુપંખીઓની હત્યા થવા લાગી છે એ જોતાં કેટલાંય પશુઓ અને પંખીઓ પૃથ્વી પરથી આખરી વિદાય લઇ રહ્યાં છે. આ બધું પ્રગતિને નામે નોંધાતું ગયું. હજુ પણ મોડું થઇ ગયું નથી.

પૂર્વ પશ્ચિમના કેટલાય વિચારકોએ રૂક જાવની વાત કરી તો છે જ પરંતુ તે તાર સ્વરે વહેતી થાય તેની જરૂર છે. મોડું તો થઇ ગયું છે જ પરંતુ મનુષ્ય જાતે તાર સ્વરે રૂક જાવ કહેવાની જરૂર છે. ખંડિત પૃથ્વીને બચાવવાની જરૂર છે. પૃથ્વી શ્વાસ લેવાને લાયક રહે તો મનુષ્ય, પશુપક્ષી સૌ જીવી જશે ને? કુદરતને એક સાથે નીચોવી લેવી એમાં ડહાપણ નથી તેથી એકી સાથે અધિક મેળવી લેવું તે પ્રગતિ છે તેના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જો આ ન થશે તો તમામ જીવિતો સામે જીવન હારી રહ્યા છે તેવી સ્થિતિ ઊભી થઇ શકે છે.

Most Popular

To Top