Comments

મોદીની આબરુ બચાવવાની જવાબદારી રાહુલ ગાંધીની નથી

શાસક જો સરમુખત્યાર હોય તો તેમના સાથીઓ અમીદૃષ્ટિ મેળવવા થોડા વધારે પડતા બોલકા થવાની ચેષ્ટા કરતા હોય છે. આવું ઇન્દિરા ગાંધીના સમયમાં પણ જોવા મળ્યું હતું. ઇન્દિરા ગાંધી એટલે દુર્ગા. ઇન્દિરા ગાંધી એટલે ઈશ્વરનો અવતાર. ઇન્દિરા ગાંધી એટલે ભારત અને ભારત એટલે ઇન્દિરા ગાંધી. એ બે વચ્ચે અવિનાભાવી સંબંધ છે. ઇન્દિરા ગાંધીની જે લોકો ટીકા કરે છે એ દેશદ્રોહી છે. ઇન્દિરા ગાંધીની ટીકા કરીને ભારતને બદનામ કરવાનું કાવતરું છે વગેરે વગેરે. ઇન્દિરા ગાંધીનાં કેટલાંક સાથીઓ તારસ્વરે આમ કહેતાં હતાં કે જેથી તેમના પર મેડમની નજર જાય અને લાભ વરસતા રહે અને હવે આજે પણ એ જ બની રહ્યું છે.

આમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા વારંવાર કરવામાં આવતી સાહેબની ખિદમત હાસ્યાસ્પદ છે, આશ્ચર્યજનક છે અને આઘાતજનક છે. પહેલી વાત તો એ કે તેઓ ભારતીય વિદેશ સેવાના માણસ છે. તેઓ ભારતના વિદેશ સચિવ હતા અને એ પહેલાં ચીન અને અમેરિકા ખાતેના ભારતના એલચી રહી ચૂક્યા છે. તેઓ જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી છે અને એ સમયના જ્યારે જેએનયુ વાંચતા – લખનારા અને વિચારનારા બુદ્ધિશાળી લોકો દ્વારા સંચાલિત હતી. અને સૌથી મહત્ત્વની વાત એ કે તેઓ કે. સુબ્રમણ્યમના પુત્ર છે જેઓ સંરક્ષણનીતિની બાબતે છેલ્લો શબ્દ ગણાતા હતા.

તેમણે ભારત સરકાર (અટલબિહારી વાજપેયી અને ડૉ મનમોહનસિંહ એમ બન્ને) ની ટીકા કરવામાં શબ્દ ચોર્યો નહોતો. એસ. જયશંકરના નાના ભાઈ સંજય સુબ્રમણ્યમ વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર છે. આપણે એટલી અપેક્ષા રાખી શકીએ કે જયશંકરે તેમના નાના ભાઈનું ‘ઈઝ ‘ઇન્ડિયન સિવિલાઈઝેશન’અ મીથ? ફિક્શન એન્ડ હિસ્ટરીઝ’તો વાંચ્યું જ હશે. શીર્ષકમાં જ ‘ઇન્ડિયન સિવિલાઈઝેશન’ સિંગલ ઇન્વટૅડમાં છે એ સૂચક છે. ટૂંકમાં એસ. જયશંકર પ્રગલ્ભ પરિવારમાંથી આવે છે, પણ આજે તેમને સાહેબના દરવાજે પગલૂછણિયાની સેવા આપવી પડે છે કે પદ જાળવવા હરખે હરખે આપી રહ્યા છે એ જોઇને દયા આવે છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું કે વિદેશમાં દેશની આબરૂ જાળવવી એ સહિયારી જવાબદારી છે. આની શરૂઆત રાહુલ ગાંધીએ કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ? તરત જ કોંગ્રેસના પ્રવક્તાએ નવ ક્લિપ્સ ધરી દીધી, જેમાં નરેન્દ્ર મોદી વિદેશમાં જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, ગાંધીપરિવાર અને કોંગ્રેસની જ નહીં એ યુગના ભારતની ટીકા કરતાં નજરે પડે છે. ૨૦૧૫માં ચીનમાં શાંઘાઈમાં તેમણે કહ્યું હતું કે “પહેલાં ભારતીયો ભારતમાં જન્મ પામવા માટે શરમ અનુભવતા હતા જે હવે ગર્વ અનુભવે છે.”આવી એકથી એક ચડિયાતી નવ ક્લિપ્સ જોવા મળશે.

વાત એમ છે કે ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓને એમ લાગ્યું હતું કે કોંગ્રેસનો યુગ પૂરો થઈ ગયો છે. રાહુલ ગાંધી નિસ્તેજ છે અને જો તેમને ખરાબ રીતે બદનામ કરવામાં આવે અને ઉપરથી ઠેકડી ઉડાડવામાં આવે તો એ તૂટી જશે. એક ધક્કા ઔર દોના ભાગરૂપે દેશમાં વિદેશમાં, ચારે કોર અને દરેક રીતે કોંગ્રેસ, ગાંધીપરિવાર અને રાહુલ ગાંધીની ટીકા કરવાનું શરૂ કરવામાં આવ્યું. ગાંધી પરિવારને ફિલીપીન્સના માર્કોસ પરિવારની જેમ કૂટવાનું શરૂ કર્યું.

પણ તેમના દુર્ભાગ્યે રાહુલ ગાંધીનું મનોબળ તેમ જ ધૈર્ય અકલ્પનીય નીવડ્યાં અને કોંગ્રેસનાં મૂળિયાં પણ ઘણાં ઊંડા નીકળ્યાં. પણ હવે? હવે બદનામ કરવાથી જો નિર્મૂલન ન થતું હોય તો પ્રત્યક્ષ કચડી નાખીને નિર્મૂલન કરો. ૨૦૧૯ પછી લોકસભામાં પ્રચંડ બહુમતીના પરિણામે મળેલી તાકાતનો દુરુપયોગ કરીને વિરોધીઓને કચડી નાખવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. ગોદી મિડિયા અને ઈડી જેવી દરેક એજન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ? નીકળ્યા હતા રાહુલ ગાંધીને બદનામ કરવા અને જગતના ચૌટે વડા પ્રધાનની અને ભારત સરકારની બદનામી થઈ રહી છે. આને માટે રાહુલ ગાંધી જવાબદાર છે? ટ્વીટરના સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ જૅક ડોર્સેએ બે દિવસ પહેલાં કહ્યું કે ભારતમાં જ્યારે ખેડૂતોનું આંદોલન ચાલતું હતું ત્યારે ભારત સરકારે અમારી ઉપર દબાણ કર્યું હતું કે સરકારનો વિરોધ કરનારાઓનાં ટ્વીટર એકાઉન્ટ બ્લૉક કરવામાં આવે અને જો બ્લૉક નહીં કરો તો અમને ધમકી આપવામાં આવી હતી કે ભારતમાં ટ્વીટર પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને ટ્વીટરના અધિકારીઓના ઘરે દરોડા પાડવામાં આવશે. ડોર્સેએ આ નિવેદન રાહુલ ગાંધીને પૂછીને કર્યું હતું? અથવા રાહુલ ગાંધીએ તેમને આમ બોલવાની સલાહ આપી હતી?

સોમવારે સમાચાર આવ્યા કે જેમાં ભારત સરકાર ભાગીદાર છે અને ભારતનાં શાસકો પૂરતા પ્રમાણમાં ટ્રાયલ રન પણ કર્યા વિના કોઈ અકળ કારણસર કોવીડ પ્રતિરોધક રસી બનાવવાની અને બજારમાં મૂકવાની ઉતાવળ ધરાવતા હતા એ કોવીન રસી લેનારાઓના ડેટા લીક થઈ ગયા છે. ત્યારે જ કોવીનમાં શાસકોનો કોઈક ન સમજાય એવો રહસ્યમય રસ જોઇને લોકો અને આયુર્વિજ્ઞાનીઓ શંકા કરવા લાગ્યા હતા અને હવે ડેટા ચોરાઈ ગયા છે. ભારતનાં નાગરિકોના ડેટા વેચાઈ રહ્યા છે અને જગતમાં ભારતની આબરૂ ખરડાઈ રહી છે તો એ માટે રાહુલ ગાંધી જવાબદાર છે?

ઇઝરાયેલ પાસેથી પેગાસસ નામનું ઉપકરણ ખરીદીને ભારતમાં રાહુલ ગાંધી સહિતના રાજકીય વિરોધીઓ ઉપર જાસૂસી કરવામાં આવતી હતી (અને કદાચ આજે પણ કરવામાં આવતી હશે) એ પ્રકરણ રાહુલ ગાંધીએ બહાર પાડ્યું હતું? અને જાસૂસી રાહુલ ગાંધીને અને બીજા નેતાઓને પૂછીને તો નહીં જ કરવામાં આવી હોય! અદાણી જૂથનો રહસ્યમય ગ્રોથ અને નરેન્દ્ર મોદી સાથેના સંબંધો વિશેનો હિડનબર્ગનો રીપોર્ટ રાહુલ ગાંધીએ બહાર પાડ્યો કે પડાવ્યો હતો? પહેલવાન કન્યાઓ ઉપર પોલીસે અત્યાચારો કર્યા એની જગતમાં ટીકા થઈ રહી છે એમાં રાહુલ ગાંધીનો હાથ છે?

બીબીસીએ નરેન્દ્ર મોદી ઉપર ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવી તો એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, એટલું જ નહીં બીબીસીની ભારતમાંની ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા એ ઘટના તો યાદ હશે. એના પડઘા બ્રિટીશ સંસદમાં પડ્યા. સંસદસભ્યોએ ભારતનાં શાસકોને લોકશાહી વિરોધી ગણાવ્યા. તાજેતરમાં નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા ગયા તો ત્યાં ચાહી કરીને ઓસ્ટ્રેલિયાની સંસદમાં સંસદસભ્યો માટે બીબીસીની નરેન્દ્ર મોદી પરની એ ફિલ્મનું પ્રાઈવેટ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું એમાં રાહુલ ગાંધીનો હાથ હતો? ચાહી કરીને, અવસર સાધીને આમ કરવામાં આવ્યું હતું, એમ બતાવવા કે તમે કેવા શાસક છો એ અમે જાણીએ છીએ.

લોકતંત્રની ગુણવત્તા, સ્વતંત્ર ન્યાયતંત્ર, સ્વતંત્ર મીડિયા, નાગરિક સ્વાતંત્ર્ય વગેરે બાબતો ઉપર નજર રાખનારી એજન્સીઓ ભારતને તુર્કી સાથે સરખાવે છે અને તુર્કીની પંક્તિમાં બેસાડે છે તો એમાં રાહુલ ગાંધીનો હાથ છે? રાહુલ ગાંધી આ બધું કરાવે છે? જો રાહુલ ગાંધી જાગતિક સ્તરે આવું બધું કરાવી શકતા હોય તો કબૂલ કરવું રહ્યું કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે શક્તિશાળી નેતા છે. વિદેશ પ્રધાન જયશંકરને એટલી તો સમજ હશે જ કે ઘટના બને તો ઘટના વિષે વાત કરવામાં આવે, વાત કરવાથી ઘટના નથી બનતી. બીજું જે ઘટનાઓ ભારતમાં બની રહી છે એના વિષે જગત આખામાં વાતો થઈ રહી છે, કોઈ રાહુલ ગાંધી બોલે છે અને જગત ઝીલે છે એવું નથી.

રાહુલ ગાંધી તો અસંખ્ય બોલનારાઓમાં એક છે. રહી વાત વિદેશની ભૂમિમાં જઇને ભારતના શાસકોની ટીકા કરવાની તો તેમાં ખોટું શું છે? ઇન્દિરા ગાંધીએ દેશ ઉપર ઈમરજન્સી લાદી ત્યારે ઘણાં ભારતીય નેતાઓએ વિદેશમાં ઇન્દિરા ગાંધીની તાનાશાહી વિષે વક્તવ્યો આપ્યાં હતાં. આપવાં જ જોઈએ, તેમની તે ફરજ હતી. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજી વખતના પ્રમુખપદ માટે નરેન્દ્ર મોદીએ પ્રચાર કર્યો ત્યારે યાદ નહોતું આવ્યું કે અમેરિકા એક પરાયો દેશ છે અને તેના રાજકારણમાં દરમ્યાનગીરી કરવાની ન હોય?

વિશ્વમાં નરેન્દ્ર મોદીની આબરૂ બચાવવાની જવાબદારી રાહુલ ગાંધીની નથી. એ જવાબદારી મુખ્યત્વે વડા પ્રધાનની પોતાની છે. જેવો અવાજ એવા પડઘા. જો પડઘા પસંદ ન હોય તો અવાજ બદલવો જોઈએ. વિદેશ પ્રધાન જયશંકરને ૨૦૦૨માં પડેલા પડઘાની યાદ અપાવું? તેમના પિતાશ્રી કે. સુબ્રમણ્યમે ૨૦૦૨ના ગુજરાતનાં હુલ્લડો માટે નરેન્દ્ર મોદીને અસુર તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું, “ધર્મ વોઝ કિલ્ડ ઇન ગુજરાત.”
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top