Comments

ભાષા જેવા અગત્યના મુદ્દાને સાવ જડતાપૂર્વક હલ કરવા જેવો નથી

કોઈ પણ સામાજિક નિસ્બતવાળા અને સમજણપૂર્વક વિચાર-વિમર્શ કરવો પડે તેવા મુદ્દાને ગુચવી નાખવો તે આપની જાણે રાષ્ટ્રીય રમત થઇ ગઈ છે. નવા યુગના પ્રસાર માધ્યમો આમાં વધારો કરે છે અને સત્તા પક્ષ તરીકે ભાજપ પાસે હવે આવા મુદ્દાને કુનેહપૂર્વક, પ્રજા સમક્ષ મુકે તેવા નેતાઓ નથી. દિવસે દિવસે એ વાત સ્પષ્ટ થતી જાય છે કે ભાજપ પાસે કોઈ પણ ચૂંટણી જીતવાની જડબેસલાક વ્યૂહરચના છે. મુત્સદ્દીગીરી છે પણ સામાજિક સંસ્કૃતિક મુદ્દા પર સ્પષ્ટ માર્ગદર્શન આપનારા વિચારશીલ નેતાઓ નથી અને વિચારસરણી પણ નથી. માટે જ લગ્નના કાયદા, સમલૈંગિક અધિકાર, શિક્ષણ નીતિ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તફાવત, પરંપરાઓની જાળવણી અને ધર્મના ધંધા વચ્ચેનો તફાવત જેવા મુદ્દામાં તે બઘવાઈ જાય છે. આવા સમયે મૂળ ભાજપના નેતાઓ બાજુમાં રહે છે અને બીજી-ત્રીજી કેડરના લોકો મોરચો સંભાળી લે છે. વહીવટને કાબૂમાં રાખતા સરકારી બાબુઓં આવા વખતે સલામત દૂર ખસી જાય છે અને માટે છાપા, ચેનલો કે વિદ્વત જનોમાં ક્યાય મુદાસ્રરની વાત થતી નથી.

દુનિયા આખીમાં શિક્ષણ ક્ષેત્રે “દ્વિ-ભાષા” પદ્ધતી સ્વીકારાઈ છે. આ કોલમમાં અગાઉ લખું હતું કે “મધર ટંગ અને અધરટંગ”- એમ બે ભાષાનું મોડેલ જ શિક્ષણ માટે અગત્યનું છે અને માતૃભાષા સિવાય કઈ ભાષા બાળક, વિદ્યાર્થી ભણવા માંગે છે તે તેને જ નકી કારવા દો. ભારતનો વર્તમાન સમય એવો છે કે માતા-પિતા અને બાળક અંગેજી જ ભણવા માગે છે. માતૃભાષા એ આપમેળે શીખ્યો હોય છે એટલે તેનું શિક્ષણ લેવામાં પણ તેને વાંધો નથી માટે દરેક રાજ્ય કે એની ભાષાના આધારે જ રચના થઇ છે ત્યાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં શરૂ થાય અને ધીમે ધીમે અન્ય ભાષા તરીકે વિશ્વ ભાષા અંગ્રેજી ભણવામાં આવે તે સૌ સ્વીકારે છે. વ્યક્તિને વધુ ભાષા આવડે તે ઉત્તમ વાત છે અને જે ત્રણ ચાર ભાષા જાણતો હોય છે તે ઘણી જગ્યાએ સફળ થાય તેવું પણ બને પણ સવાલ છે સરકારે ફરજીયાત પણે કેટલી ભાષા શીખવાડવી જોઈએ? તો જવાબ છે બે.

શિક્ષણમાં ત્રણ ચાર ભાષા ફરજીયાત ભણાવવાથી બાળકનું મગજ વિજ્ઞાન, ગણિત પર્યાવરણ જેવા વિષયમાં પુરતું ધ્યાન આપી શકશે નહીં અને ગણિત વિજ્ઞાનમાં ધ્યાન આપનારા ભાષાને માત્ર પાસ થવાની જરૂરીયાત માનવા લાગે છે. માટે જ શિક્ષણમાં ભાષાનો મુદ્દો સંવેદનશીલતાથી ઉકેલવો જો માત્ર હિન્દીની વાત છે તો ગુજરાત સહિતના બિનહિન્દી રાજ્યો જે હિન્દી ભાષી રાજ્યની નજીક આવેલા છે તે પ્રેમપૂર્વક હિન્દી સાંભળે છે બોલે છે બોલવા દે છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગ હિન્દીના પ્રચાર-પ્રસારનું કામ બહુ પ્રેમપૂર્વક કરી રહ્યો છે. ત્યારે આવા રાજ્યોમાં હિન્દીથી નફરત કોઈને નથી અહીં વાત માત્ર ફરજીયાત ન ભણાવવાની છે, ફરજ ન પાડવાની છે જે મુંબઈમાં હાલ વિવાદ થયો છે ત્યાં તો હિન્દી ફિલ્મ ઉદ્યોગ વિકસ્યો છે એટલે હિન્દીથી કોઈને વાંધો નથી. ફરજીયાત હિન્દીથી છે.

હવે બીજી વાત વેપારીએ જે રાજ્યમાં ધંધો કરતો હોય ત્યાંની ભાષા શીખવી જોઈએ કે નહીં તો સ્પષ્ટ વાત છે અંગ્રેજો ભારત આવ્યા અને અહીં વેપાર કરવા હિન્દી શીખ્યા, આગળ જતા ભલે એમણે જ આપણને અંગ્રેજીના ગુલામ બનાવ્યા પણ, વેપારી તરીકે તે આપની ભાષા જ શીખ્યા. ખાનગી ચેનલો શરૂ થઇ પછી સ્ટાર ટીવી માત્ર અંગ્રેજી ચેનલ હતી તેણે ધંધાનો વ્યાપ વધારવા સ્ટાર હિન્દી શરૂ કરી અને સૌ આજે સિરીયલોના રવાડે ચડ્યા છે તે મૂળ અંગ્રેજી માલિકનો હિન્દીમાં ધંધો છે.

યુરોપમાં કોઇ પણ દેશમાં પ્રજા સાથે સીધા સંવાદમાં આવવું પડે તેવા તમામ વ્યવસાયોમાં ત્યાંની સ્થાનિક ભાષા ફરજીયાત છે. જે વેપારી મહારાષ્ટ્રમાં દુકાન ખોલીને હું મારાથી નહીં બોલું તેમ બોલે છે તે અમેરિકામાં અંગ્રેજી વગર, ફ્રાન્સમાં ફ્રેંચ વગર, નેધર્લેન્ડમાં ડચ વગર ધંધો કરી બતાવે. વાત સ્પષ્ટ છે જે પ્રજા પાસેથી તમારે કમાણી કરવી છે તે પ્રજાની ભાષા તમારે શીખવી જોઈએ. બેંકમાં, સ્કૂલમાં, મોલમાં જ્યાં જ્યાં સામાન્ય પ્રજા સાથે વ્યવહાર કરવાનો હોય ત્યાં રાજ્ય ભાષા બોલતા આવડવું જ જોઈએ. ગુજરાતની એ કામ નસીબી છે અને નેતૃત્વની ઉણપ છે કે ગુજરાતના ગામડામાં એસ.બી.આઈ.ની શાખામાં ગામડાના ગરીબ ઓછું ભણેલા મજૂરોને હિન્દી ભાષી કર્મચારીઓ તતડાવે છે અને કોઈ બોલતું નથી.

આપણે હિંસાની તરફદારી કરી શકીએ નહીં, વળી આ મુદ્દો સત્તાવાળાએ ઉકેલવાનો હોય આપણે પ્રજાએ અંદરો અંદર ઝગડવાનું ન હોય. તો વાત મૂળ આટલી જ છે કે શિક્ષણમાં ત્રણ ભાષા હોવી જોઈએ ફરજીયાત? અને બે, જે રાજ્યમાં ધંધો કરો ત્યાંના ગ્રાહકને સમજાય તે ભાષા વેપારીએ બોલવી જોઈએ કે નહીં? વાત આડા પાટે ના ચડાવો. ભાષાવાદ અને રાષ્ટ્રીય એકતા અને એવા મુદ્દાઓની ખોખલી ચર્ચામાં અંગ્રેજીનું પ્રભુત્ત્વ જ વધતું જાય છે તે ભૂલવું નહીં.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top