Charchapatra

રખડતાં ઢોરની વ્યવસ્થા વિચારવી જરૂરી છે

તા. 23મીના અખબારમાં રાજકાજ ગુજરાત કોલમમાં રખડતાં પશુઓ વિશે વિગતવાર છણાવટ કરવામાં આવી છે. રખડતાં ઢોરને નિયંત્રિત કરવા માટે નીતિ બનાવીને આવાં ઢોરની નોંધણી કરવાના નિયમો બનાવવાનું સૂચન સ્તુત્ય છે. ઢોરના માલિકની ઓળખ ટેગ પશુના કાનમાં ભરાવીને એસએમસીએ માલિકનું નામ, સરનામું અને ઢોર પરની ટેગના નંબરની નોંધ કરવી જોઈએ અને જ્યારે રખડતું ઢોર પકડાય ત્યારે માલિકને દંડ કરવો જોઈએ. બીજી એક બાબત નિવૃત્ત પશુઓ અંગેની છે. ખેડૂતો તેનાં નિવૃત્ત પશુઓને મરણ સુધી સાચવે છે. તેમને ઘાસચારાની કોઈ સમસ્યા હોતી નથી. જ્યારે માલધારીઓને ઘાસચારાની મુશ્કેલી રેખાથી નિવૃત્ત પશુઓને મરણ સુધી સાચવી ન શકતાં હોવાથી તેઓ પાંજરાપોળમાં મૂકી આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ત્રીજી બાબત રખડતાં કૂતરાંઓની છે. શહેરની શેરીઓમાં આવાં કૂતરાં જ્યાં ત્યાં ગંદકી કરવા ઉપરાંત ઘણી વાર અરધી રાત્રે બે ત્રણ કૂતરાં એક સાથે ભસતાં હોવાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે. આ ઉપદ્રવ અટકાવવા માટે જીવદયાવાળાઓએ કૂતરાં કેન્દ્રો ખોલીને તેના ખોરાક અને સારવારની વ્યવસ્થા કરવી જોઈએ અને આ માટે એસએમસીએ તેને જરૂરી જમીન આપવી જોઈએ. જો કોઈ જીવદયાવાળા તે માટે આગળ ન આવે તો આવાં કેન્દ્રો ખોલવાની જવાબદારી કોર્પોરેશને અદા કરવી જોઈએ.
સુરત-    વી.કે.માદલિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પાકિસ્તાનના પીડિત હિન્દુઓને ભારતમાં કાયમી વસવાટ આપવો જોઇએ
પાકિસ્તાનમાં હિન્દુઓની થતી દુર્દશાની અસરકારક વાત, રાજુ રાવલે એમના ચર્ચાપત્રમાં કરી છે. પાકિસ્તાનમાં હિન્દુ પ્રજા હવે, ત્યાંના શાસકો અને લોકોથી ત્રાસી ગઈ છે અને ધીમે ધીમે હિન્દુઓ ઓછાં થતાં જાય છે. આઝાદી કાળે, પાકિસ્તાનમાં હિન્દુઓની વસતી નવ ટકા જેટલી હતી. આજે ત્યાં હિન્દુઓની વસતી દોઢ ટકા જેટલી થઇ ગઇ છે. કેટલાંય હિન્દુઓને ત્યાં બળજબરીથી લટકાવવામાં આવી રહ્યાં છે. કેટલીયે હિન્દુ યુવતિઓને બળજબરીપૂર્વક, શાદી કરવાની ફરજ પડે છે અને ત્યાર બાદ આગળ જીવવું હોય તો ધર્મ પરિવર્તન કરવાની આકરી ફરજ પાડવામાં આવે છે. કેટલાંક હિન્દુઓ તક મળતાં પાકિસ્તાન છોડીને અન્ય દેશોમાં સ્થળાંતરિત કરી ગયા છે. ભારતમાં પણ કેટલાંક હિન્દુઓ આવે છે અને એમનો વિઝા પૂરો થવા છતાં પાકિસ્તાન પાછાં જવા માંગતાં નથી. તેઓ ભારતમાં જ હવે પછી રહેવા માગે છે. તેઓ કહે છે કે, પાકિસ્તાનમાં અમારું કોઇ ભવિષ્ય નથી. નર્કાગારથી પણ વધારે દોખજભર્યું જીવન પાકિસ્તાનમાં અમારે જીવવું પડે છે. અમારી બહેન-બેટીઓને, પાકિસ્તાનમાં બધી રીતે પરેશાન કરવામાં આવે છે. નથી ત્યાંનાં લોકો અમને મદદ કરતાં કે નથી ત્યાંની સરકાર અમારી રખેવાળી કરવા આગળ આવતી. બકરી ઇદના તહેવારોમાં તો અમારાથી અઠવાડિયા સુધી ઘરની બહાર પગ મૂકવાની હિંમત પણ થતી નથી. એટલે અમને ભારતમાં જ આશ્રય આપો. આવી લાચારીભરી અને દયનીય સ્થિતિએ રહેતાં પાક હિન્દુઓ માટે, ભારત સરકારે, એમના કાયમી ‘ભારત વસવાટ’ માટે ગંભીરતાપૂર્વક વિચારવું જોઇએ. હમણાં ટી.વી. પર જેાવામાં આવ્યું છે કે પાક.ના હિન્દુઓને, મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર કરવાની પણ મનાઇ કરવામાં આવેલ છે. હિન્દુઓને, ફરજિયાત દફનાવવાની ફરજ પડાવવામાં આવે છે. આવી યાતનાઓ વેઠી રહેલા તદ્દન અલ્પસંખ્યક પાકિસ્તાનમાંના હિન્દુઓને, કાયમી માટે ભારતમાં વસાવવાની અતિ ભગીરથ કામગીરી ભારત સરકારે કરવી રહી. લાખો બાંગલાદેશીઓ અને મ્યાનમારના પીડિત રોહિગીયા લોકો જો બિનકાયદેસર, ભારતમાં ઘુસી આવતા હોય તો, પાકિસ્તાનનાં પીડિત હિન્દુઓને, ભારતમાં સહાયને માટે આશરો આપવામાં ભારત સરકારે ઝાઝો વિલંબ કરવાનો ન હોય. આપણા સિવાય એમનો ‘બેલી’ બીજું કોણ થશે?!
સુરત     – બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top