ગુજરાત સરકારે (Gujarat Government) કોરોના (Covid-19) પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે કેટલાંક નિર્ણયો લીધો છે. ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકે તેવો ભય હોય વહીવટી તંત્ર ગફલતમાં રહેવા માંગતું નથી. તેથી જ તંત્ર દ્વારા રાજ્યભરમાં વેક્સીનેશનની (Vaccination) કામગીરી ખૂબ જોશભેર કરવામાં આવી રહી છે. હવે એક કદમ આગળ વધતા સરકાર દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવાયો છે. રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં (Private And Government Hospitals) કોઈ દર્દીને સારવાર અર્થે દાખલ થવું હોય તો તેણે કોરોનાની રસી વિશે માહિતી આપવી પડશે.
- રાજ્ય સરકાર દ્વારા તમામ હોસ્પિટલોને સૂચના આપવામાં આવી છે, જેમાં દર્દીને સારવાર આપતા પહેલાં રસીકરણની માહિતી મેળવવાની રહેશે.
રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આ બાબતે તમામ જિલ્લા કલેક્ટર અને DDOને સૂચના પત્ર મોકલી આપ્યા છે. આ પત્રમાં આદેશ કરવામાં આવ્યો છે કે, રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે આવતા દર્દીના કેસપેપર ઉપર રસીકરણના ડોઝની વિગતો આપવાની રહેશે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોના સંચાલકોને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે દરેક દર્દીના કેસ ઉપર ઉપર તેણે કેટલાં ડોઝ લીધા છે તેની માહિતી લખવાની રહેશે.
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર 16 ઓક્ટોબર સુધીમાં ગુજરાત રાજ્યમાં 4.38 કરોડ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે જ્યારે 2.24 કરોડ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર ત્રાટકી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. બીજી લહેર પહેલાં તબીબો અને નર્સિંગ સ્ટાફમાં મોટા ભાગના લોકોએ રસી લઈ લીધી હોય તેઓ બચી ગયા હતા. બીજી લહેરમાં મોતનો તાંડવ જોયા બાદ રાજ્યમાં વેક્સીનેશનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનાવી દેવામાં આવી હતી. છેલ્લાં ચાર મહિનાથી રાજ્યમાં સતત રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.