AHEMDABAD : ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નેતાજી સુભાસચંદ્ર બોઝ (SUBHASHCHANDRA BOSH) ની ૧૨૫ મી જન્મ જયંતિના રોજ અધ્યાપકો માટે “કર્તવ્ય બોધ દિવસ” કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટી (GUJRAT UNIVERSITY) સહીત રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાંથી પણ મોટી સંખ્યામાં અધ્યાપકો-આચાર્યોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અધ્યાપકોની વ્યવસાયિક ફરજોની સાથે સાથે સમાજના એક અંગ તરીકે રાષ્ટ્ર નિર્માણમાં તથા વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણના શિલ્પી તરીકે અધ્યાપકની શું ભૂમિકા હોઈ શકે તે બાબતે વક્તવ્યો રજૂ થયા હતાં.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા યોજાયેલા આ “કર્તવ્ય બોધ દિવસ” કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે આર. એચ. પટેલ કોલેજ, વાડજના પ્રિન્સિપલ અને ગુજરાત રાજ્ય કોલેજ પ્રિન્સિપલ એસોસિએશનના મહામંત્રી પ્રિન્સીપાલ ડૉ. એસ. એન. ઐયરે જણાવ્યું હતું કે શિક્ષક વિનાના સમાજની કલ્પના કરવી અશક્ય છે, કારણ કે, તેવો સમાજ કાળક્રમે અરાજકતાની ગર્તામાં ધકેલાઈ જાય છે. વિદ્યાર્થી વિકાસ, રાષ્ટ્ર જાગરણ અને રાષ્ટ્ર નિર્માણમાં સમાજના અભિન્ન અંગ તરીકે શિક્ષકના કર્તવ્ય વિષે તેઓએ પોતાના વિચારો વ્યક્ત કાર્ય હતા. સિનીયર પ્રોફેસર અને ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘના અધ્યક્ષ ડૉ. ઉત્પલભાઈ જોષીએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્ર કે લીયે શિક્ષા, શિક્ષા કે લીયે શિક્ષક અને શિક્ષક કે લીયે સમાજ’ ના ધેયસૂત્ર સાથે કામ કરનારું આ એક આગવું સંગઠન છે, કે જે અધ્યાપકોના હકો માટે સંઘર્ષ કરવાની સાથે સાથે શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રહિતની પણ ચિંતા કરે છે. શિક્ષક એ વિદ્યાર્થી માટે રોલ મોડેલ સમાન હોવાથી એક શિક્ષક તરીકે દરેક અધ્યાપકનું જીવન અને કર્તૃત્વ પણ આદર્શ હોવું જરૂરી છે.