Sports

ટી-20 વર્લ્ડકપ માટેની ટીમ ઇન્ડિયાની પસંદગીની કેટલીક મહત્વની ખામીઓ સમજવી જરૂરી

ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડકપ 2022 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે એટલું સમજાયું હતું કે પસંદગીકારો દ્વારા ભારતીય ટીમમાં કોઈ ચોંકાવનારા ફેરફાર કરાયા નથી, જો કે તેમ છતાં 15 સભ્યોની મુખ્ય ટીમ અને ચાર સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં કેટલીક રસપ્રદ બાબતો છે જે ચોંકાવનારી તો છે જ. ટીમ ઈન્ડિયા માટે સૌથી સારા સમાચાર એ છે કે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ટીમમાં પાછા ફર્યા છે. ઈજાના કારણે બંને એશિયા કપ 2022માં ભાગ લઈ શક્યા ન હતા.

બંનેએ ફિટનેસ પાછી મેળવી લીધી છે અને ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમીને પોતાનું અભિયાન આરંભશે.
પીઠની ઇજાને કારણે બુમરાહ અને પડખાંના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે હર્ષલ ટીમમાંથી આઉટ હતા અને બંનેએ બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે આકરું રિહેબિલિટેશન કરીને ફરી ફિટ થઇ ગયા હોવાથી ટીમમાં તેમનો સમાવેશ કરાયો છે.

15 સભ્યોની ટીમમાં હર્ષલ પટેલની સાથે જ દીપક હુડા, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને તક આપવામાં આવી છે, જેઓ પોતાનો પહેલો ટી-20 વર્લ્ડકપ રમશે. ટીમ ઇન્ડિયા વતી 2007માં રમાયેલા પહેલા ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેનાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને 15 વર્ષ પછી ફરી એકવાર ટી-20 વર્લ્ડકપ રમવાની તક મળી છે. બુમરાહની વાપસીને કારણે અવેશ ખાનની બાદબાકી થઇ છે. જ્યારે સીનિયર ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિનને કારણે યુવા લેગ સ્પીનર રવિ બિશ્નોઇને બહાર મૂકવામાં આવ્યો છે, જો કે તે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે ટીમમાં સામેલ રહેશે.

બીજી તરફ, સંજુ સેમસન ન તો મુખ્ય ટીમમાં છે કે ન તો સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં છે કે ન તો તેનો ઘરઆંગણે રમાનારી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરિઝ માટેની ટીમમાં સમાવેશ કરાયો છે. આવું જ મહંમદ સિરાજનું પણ છે. સિરાજ ઓસ્ટ્રેલિયાની પીચો પર ધાતક બોલર સાબિત થઇ શકે તેમ છે અને ભૂતકાળમાં તે સાબિત પણ થઇ ચુક્યું છે, તેમ છતાં તેને પહેલાથી જ ટી-20 ટીમમાંથી બહાર રાખીને તેનું પત્તુ કાપી નખાયું હતુ.

એશિયા કપ માટેની ટીમ જ્યારે જાહેર થઇ ત્યારે સિરાજને સ્થાને એ ટીમમાં અવેશ ખાનને પ્રાધાન્ય અપાયું હતું અને તેની પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં ઘોલાઇ થઇ હતી. વિરાટ કોહલી જ્યારે ટીમનો કેપ્ટન હતો ત્યારે સિરાજને જે તકો મળતી હતી તે હવે એટલી મળતી નથી અને તેની પાછળનું કારણ ગ્રુપીઝમ હોવાની સંભાવના છે. સિરાજને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે રમાનારી સીરિઝ માટેની ટીમમાં પણ પસંદ કરાયો નથી તે પણ નવાઇની વાત છે.
એકતરફ બુમરાહ અને હર્ષલ ટીમમાં પાછા ફર્યા છે ત્યારે બીજી તરફ મહંમદ શમીના નામની પણ ઘણી ચર્ચા થઈ રહી છે..

એવું લાગતું હતું કે તે મુખ્ય ટીમનો ભાગ હશે, પરંતુ પસંદગીકારોએ તેને હાલમાં સ્ટેન્ડબાય ખેલાડીઓમા સામેલ કર્યો છે. શમીનો અનુભવ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે. જો તે ટીમનો ભાગ ન હોય તો પણ તેની હાજરી યુવા ઝડપી બોલરોને મદદ કરી શકે છે. આ ઉપરાંત ઋષભ પંતનો તાજેતરના ભૂતકાળમાં T20 ઇન્ટરનેશનલમાં સારો રેકોર્ડ રહ્યો નથી, તેથી તેના પર તલવાર લટકી રહી હતી, પરંતુ હાલમાં તેને પણ ટીમમાં જાળવી રખાયો છે. પંતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ દરમિયાન ફરીથી ફોર્મ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એવા અહેવાલો છે કે પસંદગી સમિતિની બેઠકમાં પંત અથવા દિનેશ કાર્તિકમાંથી એકને લેવાની વાત થઈ હતી, કારણ કે કેએલ રાહુલ પણ વિકેટકીપિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં બે વિકેટકીપર બેટ્સમેનોને સામેલ કરવા થોડું મુશ્કેલ લાગી રહ્યું હતું. હાલમાં પંત અને ડીકે બંને વર્લ્ડ કપની ટીમનો ભાગ છે.

જો બીજી એક મહત્વની વાત જોઇએ તો રવિચંદ્રન અશ્વિનને મુખ્ય ટીમમાં સ્થાન મળ્યું છે અને રવિ બિશ્નોઈ પાછળ રહી ગયો હતો. જોકે, બિશ્નોઈ સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ થયો છે. જ્યારે બિશ્નોઈને તક મળી ત્યારે તેણે પોતાની જાતને સાબિત કરી બતાવી, તેમ છતાં તેને જે રીતે બહાર રખાયો તે તેના જેવા યુવા ખેલાડી માટે હતોત્સાહ થવા જેવી વાત છે. અર્શદીપ સિંહની બોલિંગથી પસંદગીકારો પ્રભાવિત છે, IPL હોય કે ઇન્ટરનેશનલ ક્રિકેટ. અર્શદીપને તેની મહેનતનું વળતર મળ્યું છે અને તે T20 વર્લ્ડ કપની પુરુષ ટીમનો ભાગ છે.

શોર્ટ બોલ પર શ્રેયસ અય્યરનો સંઘર્ષ તેના માટે મોંઘો પડ્યો હોવા છતાં તે સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં છે, જ્યારે સંજુ સેમસનનું નામ ક્યાંય દેખાયું નથી. હવે સૌથી મહત્વની વાત જોઇએ તો ભારતીય ટીમમાં જો પંતનો સમાવેશ કરવામાં આવે તો ભારતીય ટીમનો બેટીંગ ક્રમ કંઇક આવો રહેશે. ટોપ ફોરમાં રોહિત, રાહુલ, કોહલી અને સૂર્યકુમાર જ્યારે પંત પાંચમા, તો હાર્દિક છઠ્ઠા ક્રમે તે પછી ઓલરાઉન્ડર તરીકે અક્ષર અથવા અશ્વિન અને તે પછી ભુવનેશ્વર, બુમરાહ, અર્શદીપ અથવા હર્ષલ અને તે પછી યુઝવેન્દ્ર ચહલ.

હવે ટીમમાં જો પંતના સ્થાને ડીકેને સામેલ કરવામાં આવે તો બેટીંગ ક્રમમાં મોટી ગરબડ થઇ શકે છે. જેમાં ટોપ ફોર તો યથાવત રહે છે પણ પંત ન હોવાથી પાંચમા ક્રમે હાર્દિક અને છઠ્ઠા ક્રમે ડીકે અથવા તો ઓલરાઉન્ડર તરીકે જેનો સમાવેશ કરાયો હોય તે અશ્વિન અથવા તો અક્ષરમાંથી કોઇ એકને મોકલવાનો નિર્ણય લઇ શકાય. અને તે પછીના ક્રમે બાકીના બોલરોનો ક્રમ આવી શકે. આમ માત્ર એક ફેરફારથી ભારતીય બેટીંગ લાઇનઅપ ખોરવાઇ શકે છે અને આ એક જ બાબત ટીમ માટે મોટી નબળાઇ પુરવાર થઇ શકે છે. જો દીપક હુડાને રમાડવામાં આવે તો એક બોલર ઓછો થઇ શકે છે, કારણકે હુડાને રોહિત બોલર ગણતો નથી.

Most Popular

To Top