તંત્રી લેખમાં કહેવાયું છે કે વિશ્વમાં ઘટી રહેલી મોંઘવારીને કારણે ભારતમાં પણ મોંઘવારી ઘટશે, એવી આશા વ્યકત કરવામાં આવી છે. તંત્રીની આવી આશા સાચી પુરવાર થાય એવું અમે નાગરિકો પણ ઇચ્છીએ છીએ કે હવે ભારતમાં ઘર આંગણે મોંઘવારી ઘટતી જાય. પણ અમને પૂરી શંકા છે કે ભલે અમેરિકા સહિત દુનિયાના અન્ય દેશોમાં કદાચ મોંઘવારી ઘટે, પણ ભારતમાં મોંઘવારી ઘટે એવું બનવું ખૂબ અઘરું છે. અરે, આજે જે મોંઘવારી છે તેમાં આવતી કાલે વધારો ના થાય એટલું બને તો પણ ભયો ભયો. અમે જોતા આવ્યા છીએ કે મોંઘવારી વધતી જ જાય છે.
કયારેય એમાં ઘટાડો થયો જાણ્યો નથી. કેટલીક વસ્તુઓનું તો આપણે ત્યાં એટલું બધું ઉત્પાદન થાય છે કે ના પૂછો વાત. પણ એમના ભાવમાં જરા પણ ઘટાડો થયો હોય એવું અમે જાણ્યું નથી. આપણે ત્યાં વર્ષમાં બે બજેટ રજૂ થાય છે. એક કેન્દ્ર સરકારનું અને બીજું રાજય સરકારનું. એ બજેટોમાં ઘણી વખત કેટલીક વસ્તુઓ સસ્તી કરવામાં આવે છે. પણ જયારે આપણે બજારમાં એ વસ્તુઓ લેવા જઇએ છીએ ત્યારે આપણને એક પાઇ જેટલી પણ રાહત ખરીદીમાં મળતી નથી. પહેલાં જે ભાવે મળતી હતી એ જ ભાવે અને કયારેક તો તે ભાવ કરતાં પણ વસ્તુઓ મોંઘી મળવા લાગે છે.
આપણા ભારતના ઉત્પાદકો અને પછી આપણા વેપારીઓ આપણને સસ્તી થયેલી વસ્તુઓ કયારેય સસ્તી આપવા માંગતા નથી. આપણે ત્યાં મોંઘવારીની એક ફિકસ ડેફિનેશન એ થઇ ગઇ છે કે મોંઘવારી એટલે મોંઘવારી, એ ઘટે જ નહિ. એ તો ઉપર ઊંચે જ ચઢતી જાય. એ કયારેય નીચે ઊતરે જ નહિ. આપણી સરકારોના ખર્ચાઓ પણ ભારે છે. એટલે એ ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકારો પ્રજા ઉપર કરવેરા નાંખતી હોય છે. એટલે મોંઘવારી વધતી જ જાય છે. સરકારોના કેટલાક બિનજરૂરી અને ઉતાવળિયા વિકાસને કારણે પણ મોંઘવારી માઝા મૂકતી જોઇ શકાય છે. આ સ્થિતિએ આપણે ત્યાં સસ્તાપણું સર્જાય એવી આશા રાખવી વ્યર્થ જ છે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.