વિરસદ : આણંદ જિલ્લાના સરકારી કર્મચારી ઠાકોર ગૃપ આયોજીત દ્રિતિય સ્નેહ મિલન સમારોહ બોરસદ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રમણભાઈ સોલંકીએ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું, આ પ્રકારના કાર્યક્રમો થકી સમાજની સંગઠીતતા, જાગૃતતા અને સક્ષમતા વધારવા માટે ખુબ જ મહત્વ બને છે. સમયાંતરે આવા આયોજન થવા જોઈએ. આવા કાર્યક્રમો અથવા અન્ય કોઈ બાબતોમાં ક્યારેક વિવાદ કે અસંતોષ થાય તેવા સંજોગો પણ બનતા હોય છે. આવી પરિસ્થિતિમાં માનવું અને ધારવું એના કરતાં પુછવું વધારે યોગ્ય છે, એવો ભાવ રાખીને કાર્ય સંકલ્પ રાખવો જોઈએ. સૌને સાથે રાખીને કોઈપણ કાર્ય કરાય તો હંમેશા સફળતા પ્રાપ્ત થાય.
આણંદ જિલ્લાના સરકારી કર્મચારી ઠાકોર સમાજ ગૃપ કન્વિનર અને વરિષ્ઠ આગેવાન કાન્તિભાઈ ઠાકોર દ્વારા સમાજ પ્રત્યે યોગદાન અને આયોજન અંગે વિવિધ મુદ્દાઓ રજૂ કરી આવનાર સમયમાં નિર્ધાર કરેલ સંકલ્પ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમારોહમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાંધરોટીના કનુભાઈ ઠાકોરના નાનકડા દિકરા અક્ષર ઠાકોરએ ધારાસભ્ય રમણભાઈ સોલંકીની જીવન ગાથા અંગે રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. વિશિષ્ટ કામગીરી કરનાર સરકારી વકીલ મુકેશભાઈ પાટણવાડીયા, સુરેશભાઈ ઠાકોર, અશોકભાઈ ઠાકોર અને કમલેશભાઈ ઠાકોરને સન્માન પત્રો આપવામાં આવ્યા હતા.
નવા નિયુક્ત અને નિવૃત થયેલા સરકારી કર્મચારી માટે ખાસ સન્માન કરાયું હતુ. તેમજ વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓના પરિવારોનુ સન્માન કરાયું હતું. આ સમારોહમાં આણંદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પિન્કીબેન ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સેનાના મહામંત્રી અમીતજી ઠાકોર, સમાજના અગ્રણી હરમાનભાઈ ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમ સંચાલન કનુભાઈ ઠાકોર અને મનોજભાઈ ઠાકોર દ્વારા કરાયું હતું. રાજેશભાઈ ઠાકોર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. સરકારી કર્મચારી ઠાકોર ગૃપના કોર કમિટી સભ્યોએ સહયોગ આપ્યો હતો.