Business

માન અને તાન નદીના દ્વિવેણી સંગમ સ્થળે વસેલું, પ્રગતિના પંથે પા-પા પગલી પાડતું ગામ એટલે

કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે અને ભરપૂર વનૌષધિઓ ઉગાડી છે એવા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકેથી 7 કિ.મી. દૂર ઉત્તર દિશામાં માન અને તાન નદીના દ્વિવેણી સંગમ સ્થળે મરઘમાળ ગામ વસેલું છે. અહીંની આ બે નદીના સંગમથી થતી નદી ઔરંગા નદી તરીકે ઓળખાય છે. જે વલસાડ જિલ્લાની મુખ્ય ગણાતી નદીઓ પૈકીની એક નદી છે. મરઘમાળ ગામની પૂર્વ દિશામાં વિરવલ અને રાજપુરી તલાટ એમ બે ગામ આવેલાં છે અને પશ્ચિમ દિશામાં ભાંભા ગામ આવેલું છે. જ્યારે ઉત્તરમાં નવસારીના ખેરગામનું ચીમનપાડા અને બહેજ એમ બે ગામ આવેલાં છે અને દક્ષિણ દિશામાં બામટી ગામ આવેલું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, મરઘમાળ એ મૃગમાળનું અપભ્રંશ છે. આ ગામનું નામ ખરી રીતે જોઇએ તો મૃગમાળ છે. પરંતુ આ ગામ અત્યારે મરઘમાળ, મરગમાળ, મીરીગમાળ વગેરે જેવાં નામોથી ઓળખાય છે. જેથી કરીને અહીંના લોકોને કચેરીના કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલે અહીંના ગ્રામ પંચાયતનો સમગ્ર વહીવટ મરઘમાળના નામે ચાલે છે. જ્યારે અહીંની પ્રાથમિક શાળાનો વહીવટ મૃગમાળના નામે ચાલે છે. આમ, એક ગામનાં બે અલગ અલગ નામને લીધે મોટા ગોટાળા સર્જાયાના બનાવો બન્યા છે. ખાસ કરીને અહીંની પ્રાથમિક શાળામાંથી શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં મૃગમાળનો રહીશ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે ગ્રામ પંચાયત કચેરીના સરપંચ કે તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવતાં જન્મ-મરણ પ્રમાણપત્ર કે જાતિ આવક-રહેઠાણના પ્રમાણપત્રમાં મરઘમાળના રહેવાસી તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. જેથી કરીને બહારગામ અભ્યાસ કે નોકરી-ધંધા માટે જતા લોકોને તેમજ સરકારી સહાય મેળવવા ઇચ્છતા લોકોને મૃગમાળ અને મરઘમાળ વચ્ચેની ભેદરેખાને લીધે તકલીફો વેઠવાનો વારો આવે છે. એવા સંજોગોમાં ગ્રામ પંચાયત કચેરીથી માંડીને ગાંધીનગર સુધીની કચેરીઓમાં નોંધાયેલ મરઘમાળ કે મરગમાળને બદલે એક જ જૂનું અને જાણીતું પૌરાણિક નામ મૃગમાળ રાખવું જોઇએ. આ અંગેનો એક ઠરાવ અગાઉ તા.4થી ડિસેમ્બર 2003ના રોજ મૃગમાળ ગામે છઠ્ઠા તબક્કાની ગ્રામસભામાં તત્કાલીન મહિલા સરપંચ ગીતાબેન સુરેશભાઇના નેજા હેઠળ કરવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી સત્તાધીશોએ ગામના નામ અંગે કોઇ ચોક્કસ નિર્ણય જાહેર કર્યો નથી. પંચાયતરાજમાં ગ્રામસભાનું આગવું મહત્ત્વ છે. પરંતુ ગ્રામસભામાં મરઘમાળને બદલે મૃગમાળ ગામનું નામ રાખવાનો ઠરાવ કર્યાને પંદર વર્ષનાં વહાણા વીતી ગયા છતાં સ્થિતિ જૈસે થે છે, ત્યારે ગ્રામસભાના ઠરાવનો શો મતલબનો પ્રશ્ન ગામની સમજુ પ્રજાને પજવી રહ્યો છે.

આંતરિક રસ્તા એકદમ જર્જરિત
મા અંબા
ભવાની મંદિરથી નદી કિનારે થઇને રામકુંડ ફળિયા તરફ જતો પથ્થરિયો રસ્તો બિનઉપયોગી બની ગયો છે. અહીંનો આ રસ્તો પ્રોટેક્શન વોલના વાંકે નદીના ધમધમતા વહેણને લીધે ધોવાઇ ચૂક્યો છે. તેમાંયે આ રસ્તા પરના નાળાનું ધોવાણ એકદમ થઈ ગયું હોવા છતાં તંત્ર મરામત કરવાનું નામ લેતું નથી. આ રીતે ગામના તમામ આંતરિક રસ્તા એકદમ જર્જરિત હાલતમાં છે. એવા સંજોગોમાં આ તમામ રસ્તાનું સમારકામ-ડામરકામ થાય તેવી પ્રબળ લોકમાંગણી છે.

બંને ચેકડેમ કમ કોઝ-વે ઉપકારક
ગામની
માન નદી ઉપર બામટી શિશવાડા ફળિયાને જોડતો અને તાન નદી ઉપર ચીમનપાડાને જોડતો ચેકડેમ કમ કોઝ-વે બનાવવામાં આવ્યો છે. જે બંને ચેકડેમ કમ કોઝ-વે ગ્રામજનો માટે ઉપકારક છે. ચેકડેમ કમ કોઝ-વેના લીધે લોકોને રોજગારી-ધંધા માટે અન્ય ગામોમાં અવરજવર માટેની સુવિધા ઊભી થઈ છે અને ચેકડેમમાં રોકતા પાણીને લીધે નદી કિનારાની ખેતીલાયક જમીનને જરૂરી પાણી મળવાથી બારેમાસ ખેતી કરવાનું શક્ય બની શક્યું છે. ગામની ઉત્તર-દક્ષિણ દિશામાં વહેતી તાન-માન નદી ઉપર બનાવેલો કોઝ-વે ચોમાસામાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

કોઝ-વે ચોમાસામાં ડુબાણમાં જતાં 5 કિ.મી.નો ચકરાવો ખાવો પડે છે
મરઘમાળ
ગામ તથા બામટી શિશુપાડાને વચ્ચે માન નદીને જોડતો ચેકડેમ કમ કોઝ-વે બે જેટલાં ગામોને ધરમપુર સુધી આવનજાવન માટે ઉપયોગી નીવડી ચૂક્યો છે. જો કે, કોઝ-વે ચોમાસાની સિઝનમાં પાણીમાં ગરકાવ થઇ જવાથી મરઘમાળ ગામ તથા વિરવલ ગામના લોકોને નાની ઢોળડુંગરી થઇ 5 કિ.મી.નો ચકરાવો ખાઇ ધરમપુર જવું પડે છે. જેથી મરઘમાળ ગામ તથા બામટી ગામની વચ્ચે માન નદીને જોડતા કોઝ-વે ઉપર અદ્યતન પુલ બનાવવામાં આવે તો બે ગામના લોકોને બામટી-ધરમપુર કામ અર્થે તથા શાળા-કોલેજમાં આવતા-જતા વિદ્યાર્થી અને લોકોની કાયમી મુશ્કેલી હલ થઇ શકે છે. જેથી આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી કાયમી સમસ્યા હલ કરે એવી લોકમાંગ ઊઠી છે.

મરઘમાળથી ખેરગામ તાલુકાનું અંતર માત્ર પાંચ કિ.મી., ચોમાસામાં કોઝ-વે ડૂબતાં 15 કિમીનો ચકરાવો
મરઘમાળ
ગામનો ધરમપુર તાલુકામાં સમાવેશ થાય છે. પરંતુ ધરમપુર તાલુકાથી 10 કિલોમીટર દૂર અને ખેરગામ તાલુકાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યારે મરઘમાળના લોકોનો વ્યવહાર ખેરગામ તાલુકા સાથે વધારે હોય છે. ધરમપુર તાલુકાના મરઘમાળ અને ખેરગામના ચીમનપાડામાં તાન નદી ઉપર આવેલા કોઝ-વે ઉપરથી લોકો ધંધા અર્થે શાકભાજી માર્કેટ, હોસ્પિટલ સહિત અન્ય કામો માટે ખેરગામ આવે છે. જેનું અંતર 4થી 5 કિલોમીટરનું હોય છે. આમ, તાન નદી ઉપર આવેલો કોઝ-વે મરઘમાળના લોકો માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ ચોમાસું આવતાં ઉપરવાસમાં ભારે વરસાદ હોય, ત્યારે નદીમાં પૂર આવતાં મરઘમાળ અને ચીમનપાડાને જોડતો કોઝ-વે પાણીમાં ડૂબી જતાં લોકોએ 15થી 20 કિલોમીટરનો ચકરાવો લઈ ખેરગામ આવવું પડતું હોય છે. અનેક વખત કોઝવે ઊંચો કરવાની લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ધરમપુરના મરઘમાળ અને ખેરગામ તાલુકાના ચીમનપાડાને જોડતો તાન નદીનો કોઝ-વે ઊંચો કરવામાં આવે તો બંને ગામના લોકો માટે ખૂબ ઉપયોગી બની રહે તેમ છે.

‘જિંદગી દાવ પર’: 77 વર્ષ જૂની જર્જરિત શાળામાં 173 વિદ્યાર્થી ભણવા મજબૂર

પ્રાથમિક શાળાના 8 ઓરડા જર્જરિત, દીવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ
ઓરડા તોડવા મંજૂરી, છતાં 1 વર્ષથી વધુ સમય થવા છતાં ઓરડા તોડવામાં આવ્યા નથી
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ સંચાલિત ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે આવેલી પ્રાથમિક શાળાનાં ધો-1થી 8ના 8થી 9 જેટલા ઓરડા જર્જરિત હાલતમાં ભાસી રહ્યા છે. આ જર્જરીત ઓરડામાં પ્રાથમિક શાળાનાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરાતાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે વર્ષ-1955માં શાળાની સ્થાપના કરવામાં આવી હતી. ગામની આ શાળામાં ધો-1થી 8ના કુલ 173 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષણ લઈ રહ્યા છે. પરંતુ આ શાળાનું મકાન ૭૭ વર્ષ જૂનું હોવાથી શાળામાં આવેલા 8થી 9 જેટલા ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. આ ઓરડાઓની દીવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. જો કે, 2021માં આ ઓરડા તોડવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. આ 8 ઓરડા તોડવાની મંજૂરી આપી છે, પરંતુ ઓરડા તોડી પાડવામાં આવશે તો વિદ્યાર્થીઓને શિક્ષણ માટે બેસવાની ભારે અગવડતા પડશે.

હવે બે માસ પછી ચોમાસાની શરૂઆત થશે. આમ, દિવાળી પહેલાં ચાર ઓરડા તોડી નવા ઓરડાનું નવીનીકરણ કરવામાં આવે અને બાકીના ચાર ઓરડાનું નવીનીકરણ પછી કરવામાં આવે તો કાયમી સમસ્યા હલ થઈ શકે એમ છે. આજે 1 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં ઓરડા તોડવામાં આવ્યા નથી. જેથી વલસાડ જિલ્લાનાં શિક્ષણ ચેરમેન નિર્મલાબેન જાદવ તાત્કાલિક ધોરણે ઓરડા તોડાવી નવા ઓરડાઓનું નવીનીકરણ કરાવે એવી માંગ શિક્ષકો તથા ગામના લોકોમાં ઊઠી છે. જો કે, ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે 8 જેટલા જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી આવી હોવા છતાં 1 વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા ઓરડા તોડવાનું કામ કર્યું નથી. જાણે શિક્ષણ વિભાગ કોઈ મુહૂર્તની રાહ જોઇ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. શાળાનાં આચાર્યા શીતલ પટેલ, સરપંચ રંજની પટેલ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કોઈ મોટી દુર્ઘટના બને તો એની જવાબદારી તંત્રની રહેશે.

મરઘમાળ ગામમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાનો અભાવ
માન નદીના તીરે આવેલી ગામની પ્રાથમિક શાળાનું રમણીય વાતાવરણ આકર્ષક અને અસરકારક છે. અહીં ધો.1થી 8માં 86 છોકરાં અને 87 છોકરી મળી કુલ 173 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અત્યારે શાળામાં ત્રણ શિક્ષક ભાઇ અને પાંચ શિક્ષિકા બહેનો મળી કુલ 8 શિક્ષક વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી અને મૂલ્યલક્ષી શિક્ષણ આપી રહ્યાં છે. શાળામાં ધો.1થી 4માં પ્રજ્ઞા અભિગમ અમલમાં છે. વિદ્યાર્થીઓ સપ્તરંગી પ્રવૃત્તિઓ, રમતો, ગીતો, વાર્તાઓ દ્વારા ભારમુકત શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાના આચાર્ય શીતલ પી. પટેલ અને ઉત્સાહી શિક્ષકોના લીધે વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. આ શાળાએ અગાઉનાં વર્ષોમાં રાજ્ય કક્ષાના વિજ્ઞાન, ગણિત પ્રદર્શનમાં દૂરદર્શનમાં જીવંત પ્રસારણ થિમ સંદર્ભે પ્રસ્તુત કરેલી કૃતિ વિભાગ-3 વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા નીવડીને રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામી છે. મરઘમાળ ગામમાં ઉચ્ચ શિક્ષણની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓએ ધો.9થી 12નું શિક્ષણ લેવા માટે વિરવલ, ધરમપુર કે પાણીખડક હાઇસ્કૂલમાં જાય છે. જ્યારે કોલેજના શિક્ષણ માટે ધરમપુર કે વલસાડ જવું પડે છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ બહારગામની હોસ્ટેલમાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવે છે. હવે શિક્ષણની ભૂખ ઉઘડી હોવાથી વિદ્યાર્થીઓ બી.એસસી, બી.ઇ., ડિપ્લોમા, બી.એડ., એમ.એડ., એમ.ફિલ, પીએચ.ડી. સુધીનું શિક્ષણ મેળવનારની સંખ્યા વધી રહી છે.

આંગણવાડીમાં ભૂલકાંને આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાય છે
ગામમાં એક આંગણવાડી કેન્દ્ર ચાર રસ્તા પાસે કાર્યરત છે અને બીજું આંગણવાડી કેન્દ્ર નિશાળ ફળિયામાં કાર્યરત છે. આ આંગણવાડી કેન્દ્રનાં 0થી 5 વર્ષનાં ભૂલકાંને દરરોજ મેનુ પ્રમાણે પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. વધુમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રના બાળકોને અઠવાડિયામાં મંગળવાર અને શુક્રવાર એમ બે દિવસ દૂધ પણ પીવડાવવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રનાં બાળકોને જુદી જુદી રમતો, વાર્તા, ગીતો, પ્રવૃત્તિઓ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપવામાં આવે છે. તદ્‌ઉપરાંત બાળકોમાં સુટેવોનું ઘડતર થાય તેવા પણ પ્રયત્નો કરવામાં આવે છે. અત્યારે નિશાળ ફળિયા ખાતેની આંગણવાડી કેન્દ્રનાં વર્કર મીરાબેન એન.પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં ગામની બંને આંગણવાડી કેન્દ્રનો કાર્યભાર ઉષાબેન ગરાસિયા સંભાળી રહ્યાં છે. એવા સંજોગોમાં ગામના નિશાળ ફળિયા ખાતે કાર્યરત આંગણવાડી કેન્દ્રના વર્કરની જગ્યા તાકીદે ભરાય તેવું તંત્રએ આયોજન કરવું જોઇએ.

મરઘમાળ ગામની સ્મશાનભૂમિ બિસમાર ખુલ્લામાં કરવી પડે છે અંતિમક્રિયા
ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે વર્ષ-2004માં બનાવવામાં આવેલી સ્મશાનભૂમિ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી લોકોએ મૃતદેહોને માન અને તાન નદી કિનારે ત્રિવેણી સંગમના સ્થળે નદીની બાજુના તટ ઉપર ખુલ્લામાં અંતિમક્રિયા આટોપવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં લોકોએ મૃતદેહોને ધરમપુર સ્મશાનભૂમિ ખાતે લઇ જઇ જ્યાં 2000 રૂ.નો ખર્ચ કરી અંતિમસંસ્કાર કરવાની ફરજ પડે છે. જો કે, હાલમાં મરઘમાળ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જંગી બહુમતીથી ચુંટાયેલા રજનીકાંત પટેલે નવી સ્મશાનભૂમિ બને એ માટે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ રમીલા ગાવીત અને તાલુકા વિકાસ અધિકારી સુભાષા ગાવીતને લેખિતમાં રજૂઆત કરી નવી સ્મશાનભૂમિ તથા નવાં લાકડાંનો સ્ટોરેજ રૂમ તેમજ 8 જેટલા બિસમાર માર્ગોના નવીનીકરણ માટેની માંગ કરી હતી. આમ, ધરમપુરના મરઘમાળ ગામે નવી સ્મશાનભૂમિનું નિર્માણ કરવામાં આવે તો કાયમી સમસ્યા ગામમાં હલ થઇ શકે એમ છે.

પીવાના શુદ્ધ પાણીની તકલીફ
એક સમય એવો હતો જ્યારે પાયાની સવલતો ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી ન હતી. પરંતુ આજે રસ્તા, વીજળી અને નલ સે જલ જેવી યોજના થકી લોકોની સુખાકારીમાં વધારો થયો છે. પરંતુ આદિવાસી વિસ્તારોમાં વિકાસ ઝાંખો પડી રહ્યો છે. મરઘમાળ ગામની બંને બાજુ તાન અને માન નદી વહેતી હોવાથી કૂવા, બોરિંગના પાણીના તળ ઉપર રહે છે એટલે લોકો માટે પાણીની તકલીફ નથી, પરંતુ પીવાના શુદ્ધ પાણી (મિનરલ વોટર)ની તકલીફ છે. અહીંના ગ્રામજનોને નદી, કૂવા કે બોરિંગનું ક્ષારયુકત પાણી પીવું પડે છે. તેથી પથરી જેવી પાણીજન્ય બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો કે, ગામમાં એક પીવાના શુદ્ધ પાણી માટેનો પ્રાઇવેટ મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત છે. પરંતુ બધા જ લોકોને પીવાનું શુદ્ધ પાણી વેચાતું લેવાનું પોષાતું નથી. એવા સંજોગોમાં સૌ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે એ રીતનું આયોજન કરવું જોઇએ.

બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા સ્વ.દિનેશ પટેલ ગામનું ગૌરવ
ગુજરાતી સાહિત્યના નવલકથા ક્ષેત્રે ‘વીર નાયક’ નામની નવલકથા પ્રદાન કરનાર સ્વ.દિનેશ પટેલ આ ગામના વતની છે. હાલમાં કોરોનાની મહામારી દરમિયાન સ્વ.દિનેશભાઇ પટેલનું અવસાન થયું હતું. તેમના પરિવારમાં તેમની ધર્મપત્ની તથા બે પુત્રી છે. સ્વ. દિનેશભાઇ પટેલે માત્ર 23 વર્ષની ઉંમરે નવલકથા લખીને અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. તેમણે કાવ્ય સર્જન પણ કર્યું છે. તેઓએ ભૂતકાળમાં ધો.5 અને ધો.6નાં ગુજરાતી પાઠ્યપુસ્તકોની રચનામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ઉપરાંત શાળા સ્વચ્છતા, લોકબોલી, શિક્ષણ, વ્યાકરણ વગેરે મુદ્દે પ્રાથમિક શિક્ષકો માટેના મોડ્યુલ નિર્માણમાં પણ તેમણે સક્રિય લેખન કાર્ય કરેલું છે. ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે નિશાળ ફળિયામાં રહેતા સ્વ.દિનેશ પટેલ પોતે શિક્ષક હોવા છતાં સમગ્ર તાલુકામાં તેમજ ગામમાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. મરઘમાળ ગામના ગ્રામ પંચાયતના મકાનના માળ ઉપર સ્વ.દિનેશભાઇ પટેલની યાદમાં લાઇબ્રેરી ચલાવવામાં આવી રહી છે.

ભગવાન શ્રી રામે જ્યાં મૃગને માર્યું હતું તે સ્થળ એટલે ‘મૃગમાળ’
દક્ષિણ
ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક સ્વ.ચંદ્રકાંત પંડ્યા કૃત ‘બાનો ભિખ્ખુ’ આત્મકથામાં ઉલ્લેખનીય દંતકથા મુજબ મૃગમાળ એ મૃગમાર શબ્દનું અપભ્રંશ થયેલું નામ છે. એક પૌરાણિક કિવદંતી પ્રમાણે નાસિકના પંચવટીમાંથી પલાયન થયેલા માયાવી મૃગને શ્રીરામચંદ્ર ભગવાને અહીં (હાલનું મરઘમાળ ગામ)માં માર્યું હોવાનું કહેવાય છે. તેથી આ ગામનું નામ મૃગમાર પડ્યું હોવાનું મનાય છે. ત્યાર પછી કાળક્રમે મૃગમારનું મૃગમાળ થયું અને ઇદમ તૃતીયમ નામ મરઘમાળ કે મરગમાળ પ્રચલિત બની ગયું છે. જેમ ખોટો સિક્કો ચકે વધારે અને ખાલી ચણો વાગે ઘણો. રામાયણ કાળમાં જ્યાં શ્રી રામચંદ્ર ભગવાને માયાવી મૃગને તીર વડે માર્યું હોવાનું મનાય છે તે સ્થળ રામકુંડ તરીકે સુપ્રસિદ્ધ હતું. પરંતુ કાળક્રમે રામકુંડ નામશેષ થયું. જો કે, હજી પણ મૃગમાળ ગામના રામકુંડ નજીક આવેલા એક ફળિયાનું નામ રામકુંડ ફળિયું છે.

ધાર્મિકતાનાં પ્રતીકસમાં ત્રણ મંદિર
ગામમાં
ધાર્મિકતાનાં પ્રતીકસમાં ત્રણ મંદિર જલારામ મંદિર, રામ-સીતા અને રામ રામેશ્વર મહાદેવ મંદિર તેમજ મા અંબા ભવાનીનું મંદિર છે. સંત શ્રી દિતીયા બાપાની રામ ભક્તિથી પ્રભાવિત થઈને ગામમાં રામ-સીતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ગામનું પહેલું અને પુરાણું મંદિર ગણાય છે. જો કે, અત્યારે નવું મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં રામ-સીતાની સાથે રામ રામેશ્વર મહાદેવ-શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે. જ્યાં રામનવમી અને મહાશિવરાત્રિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ મંદિરમાં સમયાંતરે ભજન-કિર્તન, સત્યનારાયણ ભગવાનની કથા, પાટોત્સવ, શ્રીમદ્‌ ભાગવત કથા વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.

જલારામ મંદિર ગામના પાદરે આવેલું છે. જ્યાં દર વર્ષે જલારામ જયંતી નિમિત્તે લોકમેળો ભરાય છે અને મહાપ્રસાદી વહેંચવાનું આયોજન કરાય છે તેમજ જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે રાત્રે ભજન-કિર્તન, સત્સંગ, સંતવાણી, ડાયરો વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. વધુમાં અહીંના જલારામ બાપાના મંદિરે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ગરબાની અનોખી રમઝટ જામે છે, જેમાં આજુબાજુના ગામના લોકો પણ હોંશે હોંશે જોડાય છે. ગામના રામકુંડ ફળિયામાં માન નદીના કિનારે મા અંબા ભવાનીનું મંદિર આવેલું છે. ત્યાં પણ નવરાત્રિના પર્વ પ્રસંગે ગરબાની રમઝટ જામે છે. અહીં નવા વર્ષના દિવસે લોકમેળો ભરાય છે, જેમાં શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે.

સોલાર લાઇટથી ઝગમગતું ગામ
ઊર્જા
બચત એ ભવિષ્યની જરૂરિયાત છે. એ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ત્યારે છેલ્લાં થોડાં વર્ષોમાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, સોલાર લાઇટનું ચલણ વધી રહ્યું છે. મરઘમાળ ગામના દરેક ફળિયામાં એકાદ-બે જગ્યાએ સોલાર લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આથી રાત્રિના સમયે સોલર લાઇટની રોશનીથી ગામ ઝગમગે છે. જ્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.નો વીજ પૂરવઠો બંધ હોય છે ત્યારે સોલાર લાઇટ લોકો માટે ઉપકારક બને છે. અત્યારે ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી એવા સંજોગોમાં સોલર લાઇટ સ્ટ્રીટ લાઇટની ગરજ સારી રહી છે. પરંતુ ગામમાં વધારે સોલર લાઇટ પોઇન્ટ ઊભા કરવામાં આવે તેવી લોકલાગણી-માંગણી છે.

ગામ દર્પણ
# ગામની વસતી: 3000
# મતદારોની સંખ્યા: પુરુષ 625, સ્ત્રી 625, કુલ મતદારો 1350
# ગામમાં વસતી મુખ્ય જ્ઞાતિઓ: ધોડિયા, નાયકા, કોળચા જ્ઞાતિ
# ગામનાં કુલ ઘર: 340
# પ્રાથમિક શાળાની સંખ્યા: 1
# આંગણવાડી કેન્દ્રની સંખ્યા: 2
# પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર: 1
# દૂધડેરી: 1
# ગામમાં થતા મુખ્ય પાકો: ડાંગર, જુવાર, તુવર, વાલ, ચણા, શેરડી, કારેલાં, દૂધી, ટીંડોળા, કેરીનો પાક વગેરે
# ગામના વોર્ડની સંખ્યા: 7

ગ્રામ પંચાયતની બોડી
# સરપંચનું નામ: રજનીકાંત ધીરૂભાઇ પટેલ
# ડેપ્યુટી સરપંચનું નામ: રાજેશભાઇ મંગુભાઇ પટેલ
# સભ્યો- રાજેશ મંગુભાઇ પટેલ
# ગણેશ છોટુભાઇ પટેલ
# ભાનુબેન બીપીનભાઇ પટેલ
# બાબુભાઇ પાતળભાઇ પટેલ
# અમીતા અશ્વિન દગડા
# ગીરીશકુમાર ગારિયા

ગ્રામ પંચાયતના સરપંચ રજનીકાંત ધીરૂભાઇ પટેલ
મરઘમાળ
ગ્રામ પંચાયતના સરપંચ રજનીકાંત ધીરૂભાઇ પટેલ છે. જેઓ નવયુવાન તથા શિક્ષિત હોવાથી એમનું ગામના વિકાસમાં મહત્ત્વનું યોગદાન રહેશે. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ રજનીકાંત પટેલ શિક્ષિત છે. તેઓ સ્વભાવે સરળ અને મિલનસાર છે. તેઓ સાદગીપૂર્ણ જીવન જીવે છે. તેથી લોકપ્રિય છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા તેઓ હરહંમેશ તત્પર રહે છે. તેમની મુખ્ય નેમ ગામના લોકોને સુશિક્ષિત અને સંગઠિત કરીને સુરક્ષિત બનાવવાની છે. તેમજ નાત-જાતના ભેદભાવ વગર સૌનો સર્વાંગી વિકાસ સાધવાની છે.

Most Popular

To Top