રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીન સોમવારે ભારતની ખૂબ ટૂંકી, થોડા કલાકની જ મુલાકાતે આવ્યા, તેમણે વડાપ્રધાન મોદી સાથે મંત્રણા કરી અને ફરી રવાના થઇ ગયા. જો કે પુટીનની થોડા કલાકની પણ આ દિલ્હીની મુલાકાત વિશ્લેષકોના મતે ખૂબ મહત્વની હતી. આમ તો પુટિન વાર્ષિક રશિયા-ભારત સમિટ માટે ભારત આવ્યા હતા પરંતુ રશિયા સાથે સંબંધોની ઉષ્મા આ મુલાકાતમાં ફરી જીવીત થતી જણાઇ તે ખૂબ નોંધપાત્ર બાબત હતી.
ભારતની મુલાકાતે આવેલા પુટિને ભારતને એક મહાન શક્તિ અને સમયની કસોટી પર પાર ઉતરેલ મિત્ર તરીકે ગણાવ્યું. રશિયન પ્રમુખે કે ભારત અને રશિયા ત્રાસવાદ, કેફી દ્રવ્યોની હેરાફેરી અને સંગઠિત અપરાધો જેવા સમાન પડકારોનો સામનો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની રૂબરૂ મંત્રણાની શરૂઆતની ટિપ્પણીઓમાં પુટિને અફઘાનિસ્તાનના ઘટનાક્રમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ પ્રદેશ જે મોટા પડકારોનો સામનો કરે છે તેમાં સહકાર કરવાનું ભારત અને રશિયા ચાલુ રાખશે.
અમે ભારતને એક મહાન શક્તિ, એક મિત્રતાપૂર્ણ દેશ અને સમયની કસોટી પર પાર ઉતરેલા મિત્ર તરીકે ગણીએ છીએ. બંને દેશો વચ્ચેના સંબંધો વિકસી રહ્યા છે અને અમે ભવિષ્ય તરફ જોઇએ છીએ એ મુજબ પુટિને કહ્યું હતું. તો મોદીએ કહ્યું કે કોવિડ-૧૯ના રોગચાળા દરમ્યાન પુટિનની બીજી વિદેશ મુલાકાત ભારત-રશિયા સંબંધો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે અને તેથી બંને દેશો વચ્ચેની ખાસ અને વ્યુહાત્મક ભાગીદારી વધુ મજબૂત થઇ રહી છે. તમારી ભારતની મુલાકાત ભારત સાથેના સંબંધો પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે એમ વડાપ્રધાને જણાવ્યું હતું. જો કે આવી મંત્રણાઓ વખતે આવું બધું તો બોલાતું જ હોય છે પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ શાસન કબજે કર્યું પછી તાલિબાનોની તરફેણમાં બોલવા માંડેલા રશિયાએ ભારતની ચિંતામાં પોતાનો સૂર પુરાવ્યો તે રાહત જનક બાબત છે.
આ મંત્રણામાં ભારતે ચીનનો પણ મુદ્દો ઉપાડ્યો. બંને દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની ટુ બાય ટુ બેઠકમાં આ મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો. ભારત તેના પાડોશમાં થઇ રહેલા આસાધારણ લશ્કરીકરણ અને ઉત્તર સરહદે કોઇ પણ જાતની ઉશ્કેરણી વગરના આક્રમણના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરી રહ્યું છે એમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારત રશિયા ટુ બાય ટુ મંત્રણાના પ્રારંભે કહ્યું હતું. રાજનાથ સિંહ ઉપરાંત બંને દેશોના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની આ ટુ બાય ટુ મંત્રણામાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના રશિયન સમકક્ષ સર્ગેઇ લાવરોવ અને રશિયન સંરક્ષણ મંત્રી જનરલ સર્ગેઇ શોઇગુએ ભાગ લીધો હતો.
આ મંત્રીઓએ વ્યુહાત્મક અગત્યતા ધરાવતા દ્વિપક્ષી અને પ્રાદેશિક મુદ્દાઓ પણ સઘન ચર્ચાઓ યોજી હતી. રોગચાળો, અસાધારણ લશ્કરીકરણ અને અમારા પાડોશમાં શસ્ત્રોના અસાધારણ વિસ્તરણ અને અમારી ઉત્તર સરહદે ૨૦૨૦ના ઉનાળાની શરૂઆતથી શરૂ થયેલ સંપૂર્ણપણે ઉશ્કેરણી વિનાની આક્રમકતાએ ઘણા પડકારો ઉભા કર્યા છે એમ રાજનાથે ચીનનું નામ લીધા વિના કહ્યું હતું. જો કે રાજનાથની આ રજૂઆત પછી પણ રશિયાએ ચીન બાબતે કંઇ મગનું નામ મરી પાડ્યું હોય તેમ જણાતું નથી. મંત્રણા પછીની પ્રેસ બ્રિફિંગમાં વિદેશ સચિવે રશિયાએ ભારતને ચીન બાબતમાં કોઇ ખાતરી આપી હોવાનુ જણાવ્યુ નથી, જેવું કે અફઘાનિસ્તાનની બાબતમાં એક બીજા સાથે સંપર્કમાં રહેવા માટે જણાવાયું છે.
પુટિનની મુલાકાત અને મંત્રણામાં નોંધપાત્ર ફાયદો રશિયા સાથે થયેલા કરારોમાં જણાય છે. કુલ ૨૮ કરારો થયા છે અને આમાંથી ચાર કરારો તો સંરક્ષણને લગતા છે. ભારત અને રશિયા વચ્ચે આજે કુલ ૨૮ કરારો થયા છે અને બંને દેશોએ મોટા પડકારોનો સામનો કરવા તેમનો સહકાર અને સંકલન વધારવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે એમ ભારત સરકાર તરફથી માહિતી આપવામાં આવી હતી. વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરીને વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન વચ્ચે યોજાયેલ મંત્રણા અંગે માહિતી આપી હતી.
તેમણે આ બંને નેતાઓ વચ્ચેની મંત્રણાને ઘણી ફળદાયી ગણાવી હતી. તેમણે પ્રેસ બ્રિફિંગ કરતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે કુલ ૨૮ કરારો થયા છે જેમાં સરકારથી સરકાર વચ્ચેના કરારોનો પણ સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચે થયેલા ૨૮ કરારોમાં ચાર સંરક્ષણ કરારોનો પણ સમાવેશ થાય છે. ભારત અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયમાં જે મહત્વના કરારો થયા છે તેમાં રશિયા પાસેથી એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.
ભારતે પ અબજ ડોલરમાં રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવા ૨૦૧૮માં કરાર કર્યો હતો અને આ મહિનાથી આ સિસ્ટમ ભારતને મળવાની શરૂ પણ થઇ ગઇ છે. રશિયા સાથે થયેલા કરારો મહત્વના અને વજૂદવાળા જણાય છે. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે ઘણી બધી અમેરિકન સંરક્ષણ સામગ્રી વેચવા માટે તેઓ કરાર કરી ગયા હતા, પણ તે સમયે કેટલાક વિશ્લેષકોને ટ્રમ્પ ભારતને આ સામગ્રી ભેરવી ગયા હોય તેવી લાગણી થતી હતી તેવું રશિયા સાથેના સંરક્ષણ કરારની બાબતમાં નથી.
એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સિસ્ટમ છે અને અમેરિકાની ધમકીઓ અને ધમપછાડાઓને અવગણીને પણ મોદી સરકારે આ સિસ્ટમ ખરીદવાની હિંમત બતાવી છે તે સારી વાત છે. ૨૦૧૪માં પ્રથમવાર મોદી સરકાર સત્તા પર આવી પછી ભારત અમેરિકા તરફ વધારે પડતું ઢળવા માંડ્યું હોય તેવું જણાતું હતું અને રશિયા સાથેના તેના દાયકાઓ જૂના સંબંધો વણસવા માંડ્યા હતા, પણ સમય જતાં અમુક બાબતો સમજાયા પછી મોદી સરકારે રશિયા સાથે ફરી સંબંધો સુધારવા માંડ્યા છે તે સારી બાબત છે.