Comments

નીતિ સાથે તેનો સ્નાનસૂતકનો પણ સંબંધ નથી

જે માણસે આખી જિંદગી મુસલમાનોને ગાળો દીધી અને તેમની દેશ પ્રત્યેની વફાદારી વિષે શંકાઓ કરી એને ભારતરત્નનો ઈલ્કાબ આપવામાં ન આવ્યો અને એવા માણસને ઈલ્કાબ આપ્યો, જેણે દલિત અને આદિવાસી સિવાયની અન્ય પછાત કોમને અનામતની જોગવાઈ આપી, એમાં પછાત મુસ્લિમ જ્ઞાતિઓનો પણ સમાવેશ કર્યો, એટલું જ નહીં, ઉર્દૂ ભાષાને બિહારની સત્તાવાર રાજભાષા બનાવી. હજુ થોભો, એ માણસની ત્રણ ત્રણ (અન્ય પછાત કોમને અનામત બેઠકો આપવાનો, તેમાં મુસલમાનોનો સમાવેશ કરવાનો અને ઉર્દૂને રાજભાષા બનાવવાનો) જઘન્ય અપરાધ કરવા માટે દંડવામાં આવ્યો હતો. ભારતીય જનસંઘે ૧૯૭૧ની સાલમાં ટેકો પાછો ખેંચી લઈને તેમની સરકારને તોડી હતી.

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે હું કોની વાત કરું છું. પહેલા છે વિનાયક દામોદર સાવરકર, જેમને ધરાર ભારતરત્નનો ઈલ્કાબ આપવામાં નથી આવતો. આનું કારણ એ છે કે સાવરકરે અંગ્રેજોની વખતોવખત માફીઓ માગી હતી, અંગ્રેજોને મદદ કરવાની લેખિત ગેરંટી આપી હતી અને પ્રત્યક્ષ મદદ કરી પણ હતી અને મહાત્મા ગાંધીની હત્યામાં જો તેમને આરોપી તરીકે મુક્ત કરવામાં આવે તો હંમેશ માટે જાહેરજીવન ત્યજવાની અને ક્યારેય મરણપર્યંત ઘરની બહાર નહીં નીકળવાની એ સમયના ગૃહ પ્રધાન સરદાર પટેલને તેમ જ અદાલતને જે લેખિત ગેરંટી આપી હતી.

એ બધું ફરી ચર્ચામાં આવે. આ બધું અત્યાર સુધી ઢંકાયેલુ હતું અને આ લખનાર જેવાં લોકો જાણતા હતા એ લોકો સાવરકરે આંદામાન જેલમાં જે સહન કર્યું હતું એ ધ્યાનમાં રાખીને બોલતા નહોતા. કેટલાંક લોકો માણસાઈને મૂલ્યવાન માનતા હોય છે. દરેક માણસ ગાંધી અને ભગતસિંહ જેવા ભડવીર ન હોય! પણ જો તેમને ભારતરત્ન આપવામાં આવે તો કાયરતા ચર્ચામાં આવે અને જેઓ જાણતા નથી એ જાણતા થાય.

આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ આઝાદીની લડતમાંની નાદારી સામે આવે. સાવરકરને ભારતરત્નનો ઈલ્કાબ નહીં આપવાનું એક બીજું કારણ પણ છે. જ્યારે નરેન્દ્ર મોદીને ભારતના ઈતિહાસના સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ હિંદુ તરીકે સ્થાપવાના હોય ત્યારે સાવરકરને ભારતરત્ન આપીને સામે ચાલીને શું કામ ઊંચે ચડાવવા. એની વિચારધારા અપનાવી છે અને એટલું પૂરતું છે.

વળી એ માણસે સંઘને ક્યાં ઓછી ગાળી આપી હતી. સંઘનો સ્વયંસેવક શું કરે છે એવો સવાલ સાવરકર પોતે જ કરતા હતા અને પોતે જ જવાબ આપતા હતા કે સંઘી જન્મે છે, સંઘની શાખામાં જાય છે અને મૃત્યુ પામે છે. આમ સાવરકરને ધરાર ભારતરત્નનો ઈલ્કાબ આપવામાં આવતો નથી, પણ એવા માણસને ભારતરત્નનો ઈલ્કાબ આપવામાં આવ્યો છે જેમની સરકારને ગરીબ પછાત કોમને અને મુસલમાનોને મદદ કરવાના ત્રણ ત્રણ જઘન્ય અપરાધ કરવા માટે તોડી હતી. એ છે બિહારના જનનાયક કર્પૂરી ઠાકુર. આગળ કહ્યું એમ ૧૯૭૧ની સાલમાં અને ફરી ૧૯૭૯ની સાલમાં જનતા પક્ષના ઘટક જનસંઘે ટેકો પાછો ખેંચી લઈને સરકાર તોડી હતી.

કર્પૂરી ઠાકુર માટે આમ અચાનક પ્રેમ ફૂટી નીકળવાનું શું કારણ? જવાબ છે સત્તાનું રાજકારણ. રામમંદિર બાંધ્યા પછી પણ બીજેપીનો દક્ષિણ ભારતમાં ગજ વાગવાનો નથી. ઉત્તર ભારતમાં કાશ્મીર, લડાખ અને પંજાબમાં ગજ વાગવાનો નથી. હરિયાણા, દિલ્હી અને ઓડીશામાં એટલી બેઠક મળે એમ નથી જેટલી ૨૦૧૯માં મળી હતી. મહારાષ્ટ્રમાં શિવસેના તેમ જ શરદ પવારના રાષ્ટ્રવાદી પક્ષમાં ફૂટ પડાવ્યા પછી પણ સ્થિતિ અનુકૂળ નથી. હારવાના ડરથી તો મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ એક વરસથી યોજવામાં આવતી નથી.

પશ્ચિમ બંગાળમાં પણ ૨૦૧૯માં મળી હતી એટલી બેઠકો મળે એમ નથી. એટલે નજર બિહાર પર છે. બિહાર લોકસભાની ૪૦ બેઠકો ધરાવે છે. ૨૦૧૯માં બીજેપીના ગઠબંધનને ૪૦માંથી ૩૯ બેઠકો મળી હતી અને ત્યારે નીતીશકુમાર બીજેપીની સાથે હતા. આ વખતે જો કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવામાં આવે અને નીતીશકુમારને ફરી પાછા લાવવામાં આવે તો ૪૦માંથી ૩૯ નહીં તો પણ ૩૦ બેઠકો તો મેળવી શકાય. બાકી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લગભગ ૯૫ ટકા બેઠકો મેળવ્યા પછી હવે વધુ બેઠકો મેળવવા માટે કોઈ જગ્યા જ નથી. આ રાજ્યોમાં પાંચ-દસ બેઠકો ઘટી શકે, વધી શકે એમ નથી.

નીતીશકુમાર તો ભારતીય રાજકારણમાં પહેલેથી જ પલટુરામ તરીકેની ખ્યાતિ ધરાવે છે. ૧૯૯૦થી અત્યાર સુધીમાં તેમણે આઠેક વખત પલટી મારી છે અને નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યા પછી પાંચ વાર પલટી મારી છે. તેમણે તેમના રાજકીય ગુરુ જ્યોર્જ ફર્નાન્ડીસ અને શરદ યાદવ સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો. પલટુરામે ગયા વરસે પલટી મારીને બીજેપીનો સાથ છોડ્યો હતો અને હવે વરસ દિવસમાં પાછી પલટી મારી છે. જે બીજેપીનો હાથ પકડ્યો છે એ બીજેપીએ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશકુમારના પક્ષને એનડીએ ગઠબંધનમાં અંદરથી ભાંગફોડ કરીને ત્રીજા ક્રમાંકે ધકેલી ધીધો હતો.

ઈરાદો નીતીશકુમારને બિહારમાં ખતમ કરી નાખવાનો હતો અને એ માટે ચિરાગ પાસવાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજેપીના વિશ્વાસઘાતને પરિણામે ૨૦૧૫ની ચૂંટણીમાં ૭૧ બેઠક મેળવનાર નીતીશકુમારનો પક્ષ બિહારમાં ત્રીજા ક્રમે નીચે ઊતરી ગયો અને જનતા દળ (યુનાઈટેડ)ને માત્ર ૪૩ બેઠકો મળી હતી, જ્યારે કે પક્ષે ૧૧૫ બેઠકો લડી હતી. ૨૦૧૫માં નીતીશકુમારની સાથે અને ૨૦૨૦માં નીતીશકુમારની સામે લડીને, બન્ને વખતે અને બન્ને સ્થિતિમાં તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળને બિહારમાં સૌથી વધુ બેઠકો મળી હતી. અનુક્રમે બિહારની ૨૪૩ બેઠકોમાંથી ૮૦ અને ૭૫ બેઠકો. આમ છતાંય લાલુપ્રસાદ યાદવે નીતીશકુમારને મુખ્ય પ્રધાનપદ આપ્યું હતું. ૨૦૨૨માં બીજેપી સાથે વિશ્વાસઘાત કરીને પલટુરામે પલટી મારી એ પછી માત્ર ૪૩ બેઠકો ધરાવતા હોવા છતાં તેજસ્વી યાદવે પલટુકાકાને મુખ્ય પ્રધાનપદ આપ્યું હતું.

આ વખતે શા માટે પલટી મારી? હજુ છ મહિના પહેલાં સુધી તેઓ ઇન્ડિયા ગઠબંધન રચવામાં સૌથી અગ્રેસર હતા. ત્રણ કારણ છે. એક તો એ કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેનું નામ ઇન્ડિયા ગઠબંધનના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સૂચવ્યું હતું અને તેનો કોઈએ વિરોધ નહોતો કર્યો અને કોઈએ નીતિશકુમારનું નામ નહોતું સૂચવ્યું. લાલુપ્રસાદ યાદવે પણ નહીં. બીજું કારણ છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસનો થયેલો પરાજય અને બીજેપીનો થયેલો વિજય. પલટુરામને લાગ્યું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બીજેપી ફરી વાર સત્તામાં આવી શકે છે.

એમાં પાછું થયું રામમંદિરનું ઉદ્ઘાટન અને તેને કારણે પેદા થયો હિંદુ જુવાળ. જો ઇન્ડિયા ગઠબંધન જીતે એમ ન હોય, જીતે તો તેના વડા પ્રધાન બનવાની કોઈ શક્યતા ન હોય અને ઉપરથી બીજેપી વેર વાળે એનો ડર લટકતો હોય એના કરતાં શરમ ગઈ તેલ પીવા, મારો એક વાર પલટી. આમ પણ સાત વાર મારી છે તો હજુ એક વાર. આરોપીની ભાષામાં એક ખૂનની સજા પણ મોત અને આઠ ખૂનની સજા પણ મોત! નામ એમનું નીતીશકુમાર છે, પણ નીતિ સાથે તેનો સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top