Editorial

કોરોના ફરી જીવલેણ બને તે પહેલા જ સરકારો વેક્સિનેશનના મામલે જાગે

દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ કોરોના વિશ્વનો પીછો છોડતો નથી. એકપણ દિવસ એવો ગયો નથી કે વિશ્વમાં લાખોની સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા નહીં હોય. કોરોની સામે લડવા માટે હાલમાં એવી કોઈ ચોક્કસ દવાઓ નથી. જે છે તે માત્ર રસી જ છે. કોરોનાની વેક્સિન શોધાયા બાદ કોરોનાનો ડર ઘટ્યો છે. કેસ પણ ઘટ્યા છે અને મોત પણ ઘટી ગયા છે. જોકે, કોરોનાની સંપૂર્ણ નાબૂદી માટે સંપૂર્ણ વેક્સિનેશન જરૂરી છે.

વિશ્વના અનેક દેશોમાં વેક્સિનેશન ઝડપી થઈ રહ્યું છે. પરંતુ તેની સામે ભારત દેશમાં વેક્સિનેશનના હજુ પણ ઠેકાણા પડતા નથી. કેન્દ્ર સરકારે મોટાઉપાડે એવી જાહેરાત કરી દીધી કે તમામને ઝડપથી વેક્સિન મળશે અને ફ્રી મળશે. પરંતુ જેમ જેમ દિવસો જઈ રહ્યાં છે તેમ તેમ સરકારની કમર વેક્સિનના ભારથી તૂટી રહી છે. નાણાંકીય કારણ હોય કે પછી આયોજનનો અભાવ, સરકાર દ્વારા સતત એવા જ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે કે વેક્સિનેશન લંબાતું રહે. વધુમાં વધુ લોકો ખાનગીમાં નાણાં ખર્ચીને વેક્સિન લે.

ભારતના મોટાભાગના રાજ્યોમાં આ હાલત છે. હાલમાં એક સરવે કરાયો તો એવું જાણવા મળ્યું હતું કે જનસંખ્યાની સામે વેક્સિનેશનના મામલે ગુજરાત રાજ્યનો ક્રમ ત્રીજો છે. ગુજરાતમાં તો હવે સપ્તાહમાં 5 દિવસ જ વેક્સિનેશન કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સરવે પ્રમાણે વેક્સિનેશનમાં પ્રથમ ક્રમે હિમાચલ પ્રદેશ છે. જ્યારે બીજા ક્રમે દિલ્હી છે. દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ ઘણી જ છે.

આજ રીતે બિહાર વેક્સિનમાં 10માં ક્રમે અને યુપીનો ક્રમ 11મો છે. હિમાચલ પ્રદેશમાં 18 વર્ષથી મોટા હોય તેવા 62.1 ટકા લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. એટલે કે 10માંથી 6 વ્યક્તિને વેક્સિન મળી ગઈ છે. જ્યારે દિલ્હીમાં 18 વર્ષથી વધુ હોય તેવા 45.4 ટકા લોકોને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે. આજ રીતે ગુજરાતનો ક્રમ 44.4 ટકા સાથે ત્રીજો છે. બિહારમાં માત્ર 22 ટકા વસ્તીને જ વેક્સિનનો પ્રથમ ડોઝઆપી શકાયો છે. જ્યારે યુપીમાં પ્રથમ ડોઝ લેનારાની ટકાવારી 21.5 છે.  ગુજરાતે વેક્સિનેશનના મામલે જોકે, કેરળને પાછળ છોડી દીધું છે. કેરળમાં 43.6 ટકાનો વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

વેક્સિનના એક જ ડોઝ નહીં પરંતુ બંને ડોઝના મામલે પણ હિમાચલ પ્રદેશ આગળ છે. હિમાચલ પ્રદેશમાં 16.1 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. કેરળમાં આ આંકડો 18 ટકાનો છે. દિલ્હીમાં 13.9 ટકા લોકોને બંને ડોઝ અપાયા છે. જ્યારે યુપી-બિહારની હાલત ખુબ ખરાબ છે. યુપીમાં 4 ટકા અને બિહારમાં માત્ર 3.7 ટકા લોકોને જ વેક્સિનના બંને ડોઝ અપાયા છે. આમ તો કેન્દ્ર સરકારનું સ્વાસ્થ્ય મંત્રાલય એવું જણાવી રહ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં 38.50 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 30.87 કરોડને પ્રથમ અને 7.62 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યાં છે. જોકે, ભારતની હાલની વસ્તી 135 કરોડની આસપાસ છે. આ સંજોગોમાં 270 કરોડ વેક્સિનના ડોઝની જરૂરીયાત છે. તેની સામે અત્યાર સુધીમાં માત્ર 38.50 કરોડ જ ડોઝ અપાયા હોવાથી કોરોનાની ત્રીજી લહેરનો મોટો ખતરો રહેલો છે.

ભારત સરકારે એ સમજી લેવાની જરૂરીયાત છે કે અને દરેક રાજ્ય સરકારોને પણ સમજાવવાની જરૂરીયાત છે કે વેક્સિનેશનની ઝડપ વધારે. લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરે. જો વેક્સિનેશન પૂરતા પ્રમાણમાં નહીં થાય તો કોરોના ફરી જીવલેણ બનતા વાર નહીં લાગે. વડાપ્રધાન મોદી દ્વારા વેક્સિનેશનના મામલે ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. હજુ પણ ભારતમાં લોકો વેક્સિન લેવાથી ડરી રહ્યાં છે. અનેક અંધશ્રદ્ધાથી પિડાઈ રહ્યાં છે. આ સંજોગોમાં તેઓ વેક્સિન લેતા થાય તે માટે તેમને જાગૃત કરવાની મોટી જરૂરીયાત છે. અનેક સમાજ અને કોમ દ્વારા પણ વેક્સિનેશનના મામલે ઢીલાશ બતાવવામાં આવી રહી છે. જે દૂર કરવાની તાતી જરૂરીયાત છે. ગુજરાત સરકારે પણ દેશમાં ત્રીજા નંબરથી હરખાઈ જવાની જરૂરીયાત નથી. ગુજરાતમાં પણ વેક્સિનેશનની ઝડપ ઓછી જ છે. સરકારોએ આ સમજી રાખવાની જરૂરીયાત છે તે હકીકત છે.

Most Popular

To Top