Columns

ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુ પર નરસંહારનો કેસ ચાલી રહ્યો છે

સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ દક્ષિણ આફ્રિકા દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ લાવવામાં આવેલા કેસની સુનાવણી શરૂ કરી દીધી છે. દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયેલ પર ગાઝામાં નરસંહાર કરવાનો આરોપ મૂક્યો છે અને અદાલતને વિનંતી કરી છે કે રફાહમાં ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીને તાત્કાલિક સમાપ્ત કરવાનો આદેશ આપે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, દક્ષિણ આફ્રિકાએ ICJ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી અને તે સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે ઇઝરાયેલ ગાઝામાં હમાસ વિરુદ્ધ જે રીતે યુદ્ધ ચલાવી રહ્યું છે તે નરસંહાર સમાન છે. ICJ ના ન્યાયાધીશોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નરસંહાર થયો હતો કે કેમ તે કહેવાની જરૂર નથી પરંતુ દક્ષિણ આફ્રિકા દ્વારા ફરિયાદ કરાયેલા કેટલાક આક્ષેપો જો સાચા સાબિત થાય તો તે સંયુક્ત રાષ્ટ્રના નરસંહાર સંમેલનના કાર્યક્ષેત્ર હેઠળ આવી શકે છે.

એપ્રિલમાં બ્રિટનની સુપ્રીમ કોર્ટના ચાર ભૂતપૂર્વ ન્યાયાધીશો સહિત ૬૦૦ બ્રિટિશ વકીલોએ બ્રિટિશ વડા પ્રધાનને પત્ર લખીને ઇઝરાયેલને શસ્ત્રોના વેચાણ પર રોક લગાવવાની માગણી કરી હતી. તેમણે નરસંહારના સંભવિત ખતરાનો ઉલ્લેખ પણ કર્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે આઈસીસીમાં ઈઝરાયેલ અને હમાસના નેતાઓ વિરુદ્ધ ધરપકડ વોરંટની માંગણી કરવામાં આવી હતી. આ વોરંટની માંગણીના કેન્દ્રમાં એક વ્યક્તિનું નામ સતત સમાચારોમાં રહ્યું છે. આ વ્યક્તિ છે ICCના ચીફ પ્રોસિક્યુટર કરીમ ખાન.

જ્યારે કરીમ ખાને ઈઝરાયલના ટોચના રાજકીય નેતૃત્વ અને હમાસના ત્રણ નેતાઓ પર નરસંહારનો આરોપ લગાવ્યો ત્યારે ઈઝરાયેલથી લઈને અમેરિકા સુધી તેની તીવ્ર પ્રતિક્રિયા સંભળાઈ હતી. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરીમ ખાનને આધુનિક સમયના સૌથી ખરાબ વિરોધીઓમાંથી એક ગણાવ્યા હતા. કરીમ ખાનની માંગ અંગે હમાસના નેતાઓએ કહ્યું કે તેઓ હત્યારાઓને અને પીડિતોને સમાન ગણી રહ્યા છે. હવે આઈસીસીના ન્યાયાધીશોએ નક્કી કરવાનું છે કે કરીમ ખાને આપેલા પુરાવાના આધારે ધરપકડનું વોરંટ જારી કરવું કે નહીં.

દક્ષિણ આફ્રિકાનો દાવો છે કે ગાઝામાં પેલેસ્ટિનિયનો વિરુદ્ધ ઇઝરાયેલની ક્રિયા નરસંહાર છે, કારણ કે તેની ક્રિયાનો હેતુ પેલેસ્ટિનિયન પ્રદેશમાં વસતા વંશીય જૂથના સામુહિક વિનાશનો છે. દક્ષિણ આફ્રિકાએ કહ્યું છે કે ઈઝરાયેલ ૧૯૪૮ના નરસંહાર સંમેલનનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ઇઝરાયેલ અને દક્ષિણ આફ્રિકા બંનેએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને તે નરસંહારને અટકાવવા માટે બંને પક્ષોને બાધ્ય કરે છે. આ કેસમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કરી રહેલા અદેલા હાશિમે કોર્ટને કહ્યું હતું કે સંપત્તિ, ગૌરવ અને માનવતાના સંદર્ભમાં પેલેસ્ટિનિયન લોકોનું નુકસાન દરરોજ વધી રહ્યું છે અને તેને ભરપાઈ કરી શકાતું નથી. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં હાજર રહ્યા ન હતા. દક્ષિણ આફ્રિકા દ્વારા દલીલો રજૂ કરવામાં આવ્યા પછી તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકા બૂમો પાડવાનું નાટક કરી રહ્યું છે.

એક તરફ કોર્ટની અંદર બંને પક્ષો સામસામે છે તો બીજી તરફ કોર્ટની બહાર પણ હંગામો ઓછો થયો નથી. અહીં પોલીસે પેલેસ્ટિનિયન સમર્થકો અને ઈઝરાયેલના સમર્થકો સામસામે ન આવી જાય તે માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે. કેસની સુનાવણીની પ્રક્રિયા બતાવવા માટે કોર્ટરૂમમાંથી લાઈવ ફીડની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના માટે કોર્ટની બહાર મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. ઘણાં લોકો આ સ્ક્રીનની નીચે પેલેસ્ટિનિયન ધ્વજ લઈને ઊભા છે.

તે જ સમયે ઘણાં લોકો તેમના હાથમાં નેલ્સન મંડેલાની તસવીરો ધરાવે છે અને દક્ષિણ આફ્રિકાની કાનૂની ટીમની સામે મંડેલા યુગ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સાથે તેની તુલના કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સ્થળથી લગભગ ૧૦૦ મીટરના અંતરે યહૂદી ધર્મના લોકો માટે સાંકેતિક સેબથ ટેબલ  ગોઠવવામાં આવ્યું છે. તેની બાજુની ખુરશીઓ ખાલી રાખવામાં આવી છે, પરંતુ તેના પર જેઓ કાં તો હમાસ હુમલામાં માર્યા ગયા છે અથવા જેનું હમાસના લડવૈયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેવા ૧૩૦ થી વધુ લોકોના ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે.

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ એ સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત છે. તેનો નિર્ણય સૈદ્ધાંતિક અને કાયદાકીય રીતે તે દેશો માટે બંધનકર્તા છે જે ICJ ના સભ્ય છે. ઇઝરાયેલ અને દક્ષિણ આફ્રિકા બંને તેના સભ્યો છે, પરંતુ કોર્ટ પાસે નિર્ણયો લાગુ કરાવવાની પોતાની સત્તા નથી. આવી સ્થિતિમાં નરસંહારના આરોપ સાથે સંબંધિત ICJ જે પણ નિર્ણય આપશે તેને ફક્ત તેનો અભિપ્રાય જ માનવામાં આવશે. જો કે, આખી દુનિયા ચોક્કસપણે આના પર નજર રાખશે. આ મામલે અંતિમ નિર્ણય પર પહોંચવામાં વર્ષો લાગી શકે છે, પરંતુ દક્ષિણ આફ્રિકાના અનુરોધ પર કોર્ટ જલ્દી આ મામલે ઈઝરાયેલને તેના સૈન્ય અભિયાનને રોકવા માટે કહી શકે છે.

દક્ષિણ આફ્રિકા ઈઝરાયલ વિરુદ્ધ કેસ લઈને કોર્ટમાં ગયું ત્યારથી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના શબ્દોની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ચર્ચા તેના વચગાળાના નિર્ણયમાં વપરાતા ‘વિશ્વસનીય’ શબ્દને લઈને થઈ રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટે આ મામલામાં વચગાળાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણયના એક ફકરાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફકરામાં લખ્યું છે કે કોર્ટના મતે પ્રસ્તુત તથ્યો અને સંજોગો એવા  નિષ્કર્ષ પર આવવા માટે પૂરતા છે કે દક્ષિણ આફ્રિકા જેના માટે રક્ષણ માગે છે, તેમાંના કેટલાક વિશ્વસનીય છે.

ઘણાં લોકો કોર્ટના આ નિર્ણયનો અર્થ એ સમજી ગયા કે અદાલતે તારણ કાઢ્યું છે કે ઇઝરાયેલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે તે દાવો વિશ્વસનીય છે. આ નિર્ણયની સમીક્ષામાં કાયદાકીય બાબતોના ઘણા નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કોર્ટના નિર્ણયની આ સમીક્ષા ઝડપથી ફેલાઈ ગઈ હતી. અદાલતના નિર્ણયની આ સમીક્ષાને સંયુક્ત રાષ્ટ્રની પ્રેસ રિલીઝ, ઝુંબેશ ચલાવતાં જૂથો દ્વારા જારી કરાયેલાં નિવેદનો તેમજ અન્ય ઘણી મિડિયા સંસ્થાઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયેલના કથિત નરસંહાર અંગે કોર્ટ સમક્ષ સ્પષ્ટ અને નક્કર પુરાવા રજૂ કરવા પડશે. તે જ સમયે ઇઝરાયલને એક પછી એક કોર્ટમાં કરવામાં આવેલા દાવાઓની તપાસ કરવાનો અને શેરીઓમાં થઈ રહેલા આ યુદ્ધમાં તેની ક્રિયાઓ હમાસ તરફથી સ્વબચાવ માટે કાયદેસરનાં પગલાં છે કે કેમ તેની ઉલટતપાસ કરવાનો અધિકાર હશે. ઘણા દેશોએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સમગ્ર કેસને તૈયાર કરવામાં અને તેની ઉલટતપાસ કરવામાં ઘણાં વર્ષો લાગી શકે છે. દક્ષિણ આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે ઇઝરાયેલને “પેલેસ્ટિનિયન લોકોના અધિકારોને ગંભીર અને ન ભરી શકાય તેવા નુકસાનને રોકવા” પગલાં લેવાનો આદેશ આપે. કોર્ટમાં બે દિવસ સુધી બંને દેશના વકીલો ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનોના કયા અધિકારો છે જેનું કોર્ટે રક્ષણ કરવું જોઈએ તે અંગે દલીલો કરતા રહ્યા.

કોર્ટના ૧૭ ન્યાયાધીશોએ ૨૬ જાન્યુઆરીએ આ કેસમાં વચગાળાનો નિર્ણય આપ્યો હતો. ICJએ કહ્યું હતું કે કેસના આ તબક્કે કોર્ટને દક્ષિણ આફ્રિકા દ્વારા માંગવામાં આવેલા અધિકારો વાસ્તવમાં અસ્તિત્વમાં છે કે કેમ તે અંગે નિશ્ચિતપણે ચુકાદો આપવા વિનંતી કરવામાં આવી નથી. કોર્ટનો એકમાત્ર ઉદ્દેશ એ નિર્ધારિત કરવાનો હતો કે દક્ષિણ આફ્રિકાએ જે અધિકારોનું રક્ષણ કરવાનો દાવો કર્યો હતો અને જેના રક્ષણ માટે તેણે કોર્ટને અપીલ કરી હતી તે શક્ય છે કે કેમ? કોર્ટના વચગાળાના ચુકાદા પછી પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ અટક્યું નથી. તેના પરથી લાગે છે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ પણ ન્યાય અપાવવા માટે સક્ષમ નથી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top