હિઝબોલ્લાહ પરના તેમના હુમલાથી ઇઝરાયેલી નેતાઓ ઉત્સાહિત થઈ ગયા હોય તેવું લાગે છે.પેજર અને વોકી ટોકીઝમાં વિસ્ફોટોથી શરૂ થયેલી ઇઝરાયેલી કાર્યવાહી હવે ઘાતક હવાઈ હુમલામાં ફેરવાઈ ગઈ છે.૨૩ સપ્ટેમ્બરના રોજ લેબનોન પર થયેલા હવાઈ હુમલા બાદ ઈઝરાયેલના રક્ષા મંત્રી યાવ ગાલાંટ પોતાની પીઠ થાબડી રહ્યા છે.લેબનોનનું કહેવું છે કે ઈઝરાયેલના હુમલામાં ૫૫૦ નાગરિકો માર્યા ગયાં છે, જેમાં ૫૦ બાળકો પણ સામેલ છે. આ તાજેતરનો આંકડો ૨૦૦૬ થી હિઝબોલ્લાહના યુદ્ધમાં થયેલા મૃત્યુની સંખ્યા કરતાં બમણો છે.ઇઝરાયેલનું માનવું છે કે આકરી લશ્કરી કાર્યવાહી દ્વારા હિઝબોલ્લાહને શરણે આવવા માટે દબાણ કરવામાં આવશે.ઇઝરાયેલના નેતાઓને અને સેનાપતિઓને વિજયની આશા છે.
ગાઝામાં એક વર્ષનું યુદ્ધ ઇઝરાયેલ માટે દુ:સ્વપ્ન જેવું બની ગયું છે. હમાસના લડવૈયાઓ હજુ પણ ટનલમાંથી બહાર આવે છે અને ઇઝરાયેલી સૈનિકોને નુકસાન પહોંચાડે છે. ઇઝરાયેલના બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે.એક વર્ષ પહેલાં હમાસે ઈઝરાયેલને ચોંકાવી દીધું હતું. ઇઝરાયલીઓએ હમાસને મોટો ખતરો ન ગણ્યો, પરંતુ તેનાં ભયંકર પરિણામો પણ આવ્યાં, પરંતુ લેબનોન અલગ છે.ઇઝરાયેલી સંરક્ષણ દળ એટલે કે IDF અને ગુપ્તચર એજન્સી મોસાદ ૨૦૦૬માં યુદ્ધ બાદ હિઝબોલ્લાહ સામે યુદ્ધ કરવાની તૈયારી કરી રહી હતી.
ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનું માનવું છે કે વર્તમાન હુમલા દ્વારા હિઝબોલ્લાહ પાસેથી સત્તા છીનવી લેવાનું લક્ષ્ય હાંસલ કરવામાં આવશે.નેતન્યાહુ ઇચ્છે છે કે હિઝબોલ્લાહ ઇઝરાયેલ પર રોકેટો છોડવાનું બંધ કરે.ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે તે હિઝબોલ્લાહને સરહદ પરથી પાછળ ધકેલી દેવા માંગે છે. સૈન્ય ઇઝરાયેલ માટે ખતરારૂપ એવાં લશ્કરી થાણાંઓને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે.ઇઝરાયેલ હિઝબોલ્લાહને એટલું દુઃખ પહોંચાડવા માંગે છે કે હિઝબોલ્લાહના નેતા હસન નસરાલ્લાહ, તેમના સાથીઓ અને તેમના ઇરાની સમર્થકોને કબૂલ કરવાની ફરજ પડે કે ઇઝરાયેલનો પ્રતિકાર કરવા માટે હિઝબોલ્લાહે ખૂબ ઊંચી કિંમત ચૂકવવી પડી છે.
ગયા અઠવાડિયે લેબનોનમાં જે બન્યું તેનાથી એક વર્ષ પહેલાંની યાદો ફરી તાજી થઈ છે.લેબનોનમાં ઇઝરાયેલે નાગરિકોને ચેતવણી આપી છે. ગાઝામાં પણ લોકોને હુમલાના સ્થળથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.ઇઝરાયેલ જેમ હમાસને નાગરિકોનો ઉપયોગ માનવ ઢાલ તરીકે કરવા માટે દોષી ઠેરવે છે તેમ હિઝબોલ્લાહને પણ દોષી ઠેરવે છે.ઈઝરાયેલના દુશ્મનો અને ટીકાકારોનું કહેવું છે કે ઈઝરાયેલની ચેતવણીઓ યોગ્ય રીતે આપવામાં આવી ન હતી અને પરિવારોને બહાર કાઢવા માટે પૂરતો સમય પણ નહોતો મળ્યો.
યુદ્ધનો કાયદો કહે છે કે નાગરિકોનું રક્ષણ થવું જોઈએ અને સૈન્યનો અંધાધૂંધ અને અપ્રમાણસર ઉપયોગ થવો જોઈએ નહીં.હિઝબોલ્લાહ દ્વારા કરવામાં આવેલા કેટલાક હુમલાઓમાં ઈઝરાયેલના રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે નાગરિકોની સુરક્ષા માટે બનેલા કાયદાનો ભંગ થયો હતો.હિઝબોલ્લાહે ઈઝરાયેલની સેનાને પણ નિશાન બનાવી હતી.ઈઝરાયેલ, અમેરિકા અને બ્રિટન હિઝબોલ્લાહને આતંકવાદી સંગઠન માને છે.ઇઝરાયેલ ભારપૂર્વક જણાવે છે કે તેની સેના સિદ્ધાંતવાદી છે, જે નિયમોનું પાલન કરે છે, પરંતુ વિશ્વના એક મોટા હિસ્સાએ ગાઝામાં ઈઝરાયેલી સેનાની કાર્યવાહીની નિંદા કરી હતી. ઇઝરાયેલી સેનાએ નાગરિકોની કતલ કરી હતી.
પેજર દ્વારા તાજેતરના હુમલાનું ઉદાહરણ પણ ખતરનાક છે. ઇઝરાયેલ કહે છે કે તેણે હિઝબોલ્લાહના લડવૈયાઓને નિશાન બનાવ્યા હતા, જેમને પેજર જારી કરવામાં આવ્યા હતા.પરંતુ ઈઝરાયેલ એ જાણી શકતું નથી કે જ્યારે પેજર ફૂટશે ત્યારે તે વ્યક્તિ ક્યાં ઊભી હશે. તેના કારણે ઘરોમાં, દુકાનોમાં અને જાહેર સ્થળોએ લોકો માર્યા ગયાં અથવા ઘાયલ થયાં હતાં, જેમાં બાળકોનો પણ સમાવેશ થતો હતો. ઘણા જાણીતા વકીલો કહે છે કે આ સાબિત કરે છે કે ઇઝરાયેલ નાગરિકો અને લડવૈયાઓ વચ્ચે કોઈ ભેદ રાખ્યા વિના ઘાતક બળનો ઉપયોગ કરી રહ્યું હતું.
આ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન છે.હિઝબોલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે ૧૯૮૦ના દાયકામાં યુદ્ધ શરૂ થયું હતું, પરંતુ સરહદ પર નવીનતમ યુદ્ધ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ પછી શરૂ થયું, જ્યારે નસરાલ્લાએ હમાસના સમર્થનમાં ઇઝરાયેલ પર મર્યાદિત પરંતુ લગભગ દૈનિક હુમલાનો આદેશ આપ્યો હતો. તેના કારણે ઈઝરાયેલની સેનાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ સરહદી વિસ્તારોમાં રહેતા લગભગ ૬૦ હજાર ઇઝરાયેલી લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી.ઇઝરાયેલની આક્રમકતા એક ધારણા પર આધારિત છે, જેમાં એવું માનવામાં આવે છે કે જ્યારે સમય આવશે ત્યારે હિઝબોલ્લાહ હારશે અને સરહદ પરથી પીછેહઠ કરશે. તે પછી ઇઝરાયેલ ગોળીબાર બંધ કરશે, પરંતુ હિઝબોલ્લાહને સમજતાં લોકો માને છે કે તે હારશે નહીં.
જો હિઝબોલ્લાહ હાર નહીં સ્વીકારે તો ઈઝરાયેલ યુદ્ધનો વ્યાપ વધુ વધારશે.જો હિઝબોલ્લાહ ઉત્તર ઇઝરાયેલ પર તેના હુમલાઓ દ્વારા ઇઝરાયેલનાં નાગરિકોને પાછાં ફરવાની મંજૂરી નહીં આપે તો નેતન્યાહૂની સેનાએ જમીન પરથી હુમલો કરવાની ફરજ પડશે.કદાચ ઈઝરાયેલની સેના જમીનનો અમુક ભાગ કબજે પણ કરી શકે છે.ઇઝરાયેલ પહેલાં લેબનોનમાં પ્રવેશી ચૂક્યું છે.
૧૯૮૨ માં ઇઝરાયેલી દળો પેલેસ્ટિનિયન હુમલાઓને રોકવાના પ્રયાસમાં બૈરૂત પહોંચ્યા હતા.ત્યાર પછી ઈઝરાયેલના લેબનીઝ સાથીઓએ બૈરૂતની સબરા અને શતીલા શરણાર્થી શિબિરોમાં પેલેસ્ટિનિયન નાગરિકોની હત્યા કરી હતી. આ પગલાંની વ્યાપક ટીકા થઈ હતી અને આ પછી ઈઝરાયેલની સેનાએ પીછેહઠ કરવી પડી હતી. ૧૯૯૦ સુધી ઇઝરાયેલે લેબનીઝ સરહદ નજીકના મોટા વિસ્તારો પર કબજો કરવાનું ચાલુ રાખ્યું હતું. આજે ઇઝરાયલ આર્મીમાં જે સેનાપતિઓ બન્યા છે તે તે સમયે યુવાન સૈનિકો હતા. તેમણે હિઝબોલ્લાહ સામે સખત લડાઈ લડી હતી.
ઇઝરાયેલના તત્કાલીન વડા પ્રધાન એહુદ બરાકે ૨૦૦૦માં સેના પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. મોટી સંખ્યામાં ઈઝરાયલી સૈનિકોએ પોતાના જીવ સાથે કિંમત ચૂકવવી પડી હતી. ૨૦૦૬ માં હિઝબોલ્લાએ ભારે લશ્કરી હાજરી સાથે સરહદી વિસ્તાર પર હુમલો કર્યો હતો. તેમાં ઇઝરાયેલના ઘણા સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા.આ પછી ઈઝરાયેલના તત્કાલીન વડા પ્રધાન ઈમુદુ ઓલમર્ટે યુદ્ધની જાહેરાત કરી હતી.પહેલાં ઈઝરાયેલને આશા હતી કે હવાઈ શક્તિની મદદથી ઈઝરાયેલ પરના રોકેટ હુમલાઓ બંધ થઈ જશે. જ્યારે આવું ન થયું ત્યારે સૈનિકો અને ટેન્કોને જમીન પર ઉતારવામાં આવ્યા હતા. આ યુદ્ધ લેબનોનનાં નાગરિકો માટે ઘાતક સાબિત થયું હતું.
ઇઝરાયલી કમાન્ડરો જાણે છે કે રોકેટના વરસાદ વચ્ચે લેબનોનમાં પ્રવેશ કરવો એ ગાઝા કરતાં પણ મોટો લશ્કરી પડકાર હોઈ શકે છે.દક્ષિણ લેબનોનનો પર્વતીય વિસ્તાર અને સ્થિતિ એવી છે કે તે હિઝબોલ્લાહની તરફેણમાં જઈ શકે છે.હિઝબોલ્લાએ છેલ્લાં ૧૮ વર્ષથી દક્ષિણ લેબનોનના સરહદી વિસ્તારોમાં ટનલ બનાવવામાં અને તેની સ્થિતિ મજબૂત કરવામાં ખર્ચ કર્યો છે.હિઝબુલ્લાહ પાસે ઈરાન દ્વારા સપ્લાય કરાયેલાં હથિયારો પણ છે. હિઝબોલ્લાહ પાસે લગભગ ૩૦ હજાર લડવૈયાઓ અને ૨૦ હજાર અનામત દળ છે. તેમાંથી કેટલાકને નાના મોરચા સંભાળવાની તાલીમ આપવામાં આવી છે. પરંતુ કેટલાક એવા પણ છે જેમને યુદ્ધનો સારો અનુભવ છે. અનુમાન મુજબ હિઝબુલ્લાહ પાસે ૧,૨૦,૦૦૦ મિસાઈલો અને ૨,૦૦,૦૦૦ રોકેટો છે. તેમાં એવાં શસ્ત્રો પણ છે જે ઇઝરાયેલનાં ઘણાં શહેરોને નુકસાન પહોંચાડી
શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.