ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ૫૦ દિવસના યુદ્ધ પછી બંને પક્ષોને થોડી અક્કલ આવી છે. તેને કારણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પ્રથમ વખત યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. કતારે ચાર દિવસના યુદ્ધવિરામની પુષ્ટિ કરી છે. આ યુદ્ધવિરામ મૂળભૂત રીતે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલી નાગરિકોની મુક્તિ માટે કરવામાં આવ્યો છે. તેમાં ઇઝરાયેલની મૂંડી નીચી રહી છે, કારણ કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ હમાસ સાથે કોઈ પણ પ્રકારનો કરાર કરવાની વિરુદ્ધમાં હતા. હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલી નાગરિકો શહીદ થઈ જાય તેનાથી નેતાન્યાહુને કાંઈ ફરક પડતો નહોતો, પરંતુ ઇઝરાયેલમાં જનમત તેમની વિરુદ્ધ થઈ રહ્યો હતો.
ઇઝરાયેલી નાગરિકો માટે બેપરવા થઈ ગયેલા નેતા સામે ચારે બાજુ વિરોધ વધી રહ્યો હતો. છેવટે નેતાન્યાહુની ઇજજત બચાવવા અમેરિકાના પ્રમુખ જો બાઇડને વચ્ચે પડીને કતાર દ્વારા આ યુદ્ધવિરામ કરાવડાવ્યો છે. ઇઝરાયેલ સરકારે આ ચાર દિવસ દરમિયાન હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલાં ૫૦ બંધકોને મુક્ત કરવા માટે કરારની જાહેરાત કરી છે, જેમાં તમામ મહિલાઓ અને બાળકો છે. આ ૪ દિવસ દરમિયાન ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકે તેવી શક્યતા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ૫૦ બંધકોમાં ૩૦ બાળકો, ૧૨ મહિલાઓ અને ૮ માતાઓનો સમાવેશ થાય છે.
દરરોજ ૧૨ થી ૧૩ બંધકોના સમૂહને મુક્ત કરવામાં આવશે. તે જ સમયે ઇઝરાયેલની જેલમાં બંધ ૧૫૦ પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને પણ મુક્ત કરવામાં આવશે. અમેરિકાના વિદેશ મંત્રી ૫૦ એન્ટની બ્લિંકને પણ આ સમજૂતી પાછળ કતાર અને ઇજિપ્તની ભાગીદારીને આવકારી છે. આ યુદ્ધવિરામ તો થઈ ગયો, પણ બંને પક્ષો દ્વારા જે હજારો નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે, તેના માટે કોઈ સજા નથી. ચાર દિવસના યુદ્ધવિરામ પછી પણ આ નિર્દોષ નાગરિકોનો ક્રૂર હત્યાકાંડ ચાલુ જ રહેશે.
આ કામચલાઉ કરાર ઔપચારિક રીતે લોકો માટે જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ઇઝરાયેલના એક સરકારી અધિકારીએ મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ કરારથી બચી ગયેલા ૫૦ ઇઝરાયેલી નાગરિકો, મોટા ભાગે મહિલાઓ અને બાળકોની મુક્તિ થવાની અપેક્ષા છે. બદલામાં ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત ઓછામાં ઓછા ચાર દિવસ માટે યુદ્ધવિરામ માટે સંમત થયું છે.
આ દરમિયાન ઇઝરાયેલ પણ પેલેસ્ટિનિયન મહિલાઓ અને સગીરોને જેલમાંથી મુક્ત કરવા અને પશ્ચિમ કાંઠે અને પૂર્વ જેરુસલેમમાં તેમના ઘરે પરત કરવા માટે સંમત થયું હતું. હમાસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કરારનો હેતુ નાગરિકોની સેવા કરવાનો અને આક્રમકતાનો સામનો કરવા માટે તેમની સવલત વધારવાનો છે. ઇઝરાયેલનાં ૫૦ નાગરિકો સામે ઇઝરાયેલની જેલોમાં બંધ હમાસનાં ૩૦૦ નાગરિકોને છોડવાની ફરજ ઇઝરાયેલને પડશે. આ આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે આ સમાધાન ઇઝરાયેલની ગરજ થકી કરવામાં આવ્યું છે.
ગાઝામાં બંધક બનેલાં ૨૪૦ જેટલાં પરિવારના હજારો સભ્યો અને સમર્થકો શનિવારે જેરુસલેમ પહોંચ્યા હતા. તેમણે હમાસ સાથેના યુદ્ધના સંચાલન અંગે ઇઝરાયેલની નેતાન્યાહુ સરકારની ટીકા કરી હતી અને સરકારને વિનંતી કરી કે તેઓ તેમનાં પ્રિયજનોને ઘરે લાવવા માટે જે પણ કરવું પડે તે કરે. જેમ જેમ જાહેર દબાણ વધ્યું તેમ નેતાન્યાહુએ કહ્યું કે ‘‘પરિવારો જે દુઃસ્વપ્નમાંથી પસાર થઈ રહ્યાં છે તેનાથી અમે વાકેફ છીએ. મેં પરિવારોના પ્રતિનિધિઓને મળવા માટે આમંત્રિત કર્યા છે, જેથી તે સ્પષ્ટ થાય કે આ વિષય આપણા બધા માટે કેટલો મહત્ત્વપૂર્ણ છે.’’
આ સમજૂતી બાબતે ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુએ તમાચો મારીને ગાલ લાલ રાખતાં કહ્યું કે આ ૪ દિવસની સમજૂતીનો અર્થ એ નથી કે યુદ્ધ બંધ થઈ જશે. નેતાન્યાહુએ વચન આપ્યું હતું કે યુદ્ધવિરામ પછી પણ ઇઝરાયેલની સેના આગળ વધશે અને વિજય હાંસલ કરશે. યુદ્ધવિરામની મંત્રણાઓ દરમિયાન પણ ઈઝરાયેલનો બોમ્બમારો સમગ્ર ગાઝામાં આખી રાત ચાલુ રહ્યો હતો, જેમાં ઈન્ક્લેવની દક્ષિણમાં ઈન્ડોનેશિયાની હોસ્પિટલ અને ખાન યુનિસની આસપાસના વિસ્તારનો પણ સમાવેશ થાય છે.
૭ ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં ગાઝામાં ૧૪ હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલાનો સત્તાવાર મૃત્યુઆંક લગભગ ૧,૨૦૦નો જ છે. હમાસે ઇઝરાયેલના ૧,૨૦૦ નાગરિકોને માર્યા તેની સામે ઇઝરાયેલ દ્વારા હમાસના આશરે ૧૪ હજાર નાગરિકોનો સંહાર કરવામાં આવ્યો છે, તેમ છતાં ઇઝરાયેલની વેર વાળવાની ઇચ્છા શાંત નથી થઈ. ૭ ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો તેને આતંકવાદી હુમલો ગણાવીને ભારત સહિતના દેશો દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો, પણ તેના કરતાં દસ ગણાં વધુ નાગરિકોની હત્યા કરનારા ઇઝરાયેલને આતંકવાદી કહેવા કોઈ તૈયાર નથી. ઇઝરાયેલ જાણે કોઈ મોટો ઉપકાર કરતું હોય તેમ તે ગાઝામાં વધારાના ઇંધણ તેમજ માનવતાવાદી સહાય આપવા માટે પણ સંમત થયું હતું. યુદ્ધવિરામના ભાગ રૂપે ઇઝરાયેલ દક્ષિણ ગાઝા પર ડ્રોન ઉડાન બંધ કરશે અને તેમને ગાઝાની ઉત્તર તરફ દિવસમાં છ કલાક પૂરતા ઉડાડવાનું રાખશે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઑક્ટોબર ૭ પહેલાં લગભગ ૫,૨૦૦ પેલેસ્ટિનિયન નાગરિકો ઇઝરાયેલની જેલોમાં હતાં. ત્યાર પછી ઇઝરાયેલી દળોએ કબજે કરેલા પશ્ચિમ કાંઠા અને પૂર્વ જેરુસલેમમાં યુદ્ધ દરમિયાન ઓછામાં ઓછા ૩,૦૦૦ વધુ પેલેસ્ટિનિયનોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી ઓછામાં ઓછા ૧૪૫ બાળકો છે, ૯૫ મહિલાઓ છે અને ઓછામાં ઓછા ૩૭ પત્રકારો સામેલ છે. આ મહિલાઓ અને બાળકોનો ગુનો માત્ર એટલો જ હતો કે તેમનો જન્મ પેલેસ્ટાઇનની ભૂમિ ઉપર થયો હતો.
યુદ્ધમાં પેલેસ્ટાઇનનાં જે આશરે ૧૪ હજાર નાગરિકો માર્યા ગયાં છે, તેમાંનાં મોટાં ભાગનાં બાળકો અને મહિલાઓ હતાં. તેમને યુદ્ધ સાથે કંઈ લેવાદેવા નહોતી. ઇઝરાયેલે ગાઝા પટ્ટીની જે હોસ્પિટલો ઉપર હુમલાઓ કર્યા તેમાં તો નવજાત બાળકોનાં પણ મોટી સંખ્યામાં મોત થયાં છે. આ રીતે નિર્દોષ બાળકોનાં મોત નિપજાવનાર ઇઝરાયેલ સામે વિશ્વ કોર્ટમાં યુદ્ધ ગુનાનો ખટલો ચલાવવાની વાત કોઈ દેશ કરતો નથી. હમાસ દ્વારા આશરે ૨૪૦ નાગરિકોને બંધક બનાવવામાં આવ્યાં હતાં, જેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તે પૈકી કતારની મધ્યસ્થીથી ચાર નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને એક નાગરિકનું મોત થયું હતું.
હવે જે બંધકો બાકી રહ્યાં છે તે પૈકી માત્ર ૫૦ મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા જ હમાસ તૈયાર થયું છે. બાકીના ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા હમાસ દ્વારા હજુ વધુ સોદાબાજી ભવિષ્યમાં કરવામાં આવશે. તેની ભૂમિકા પણ અમેરિકા તૈયાર કરી રહ્યું છે. તા. ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે લાગતું હતું કે ઇઝરાયેલ આ હુમલાનો બદલો લઈને યુદ્ધનો અંત આણશે. હવે ગાઝાનાં ૧૪ હજાર નાગરિકોને માર્યા પછી પણ ઇઝરાયેલ કામચલાઉ યુદ્ધવિરામ માટે જ તૈયાર થયું છે. તેના પરથી ખ્યાલ આવે છે કે ઇઝરાયેલનો મૂળ ઇરાદો બદલો લેવાનો નહીં, પણ ગાઝા પટ્ટી પર કબજો જમાવવાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.