નવી દિલ્હી: ઇઝરાયલની (Israel) સંસદે ગુરુવારે ન્યાયતંત્રમાં ફેરફાર કરવા માટે પ્રસ્તાવિત ઘણા વિવાદાસ્પદ કાયદાઓમાંથી પ્રથમ પસાર કર્યો હતો. સંસદ દ્વારા આ કાયદો એવા સમયે પસાર કરવામાં આવ્યો છે જ્યારે રસ્તાઓ (Road) પર ત્યાંના લોકો દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. દેખાવકારોનો આરોપ છે કે દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધશે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ગઠબંધન સરકારે એક બિલને મંજૂરી આપી હતી જે ભ્રષ્ટાચાર અને હિતોના સંઘર્ષ માટે અજમાયશનો સામનો કરી રહેલા ઇઝરાયેલી નેતાને શાસન માટે અયોગ્ય ઠેરવવાથી રક્ષણ કરશે.
આલોચકોનું કહેવું છે કે આ કાનૂન નેતન્યાહૂ માટે બનાવવામાં આવ્યો છે. તેમજ આના કારણે ભ્રષ્ટાચારને પણ સપોર્ટ મળશે. ન્યાયપાલિકામાં આ બદલાવના કારણે જનતા માટે એક તરફ ખાઈ અને એક તરફ કૂવો જેવી સ્થિતનું નિર્માણ થશે. આ કાનૂની ફેરફારોના કારણે દેશ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. ઈઝરાઈલના એક વર્ગનું માનવું છે કે આ નિતિના કારણે ઈઝરાઈલ તેના લોકતાંત્રિક મૂલ્યોથી દૂર થઈ રહ્યું છે. જયારે બીજા વર્ગનું માનવું છે કે ઉદાર ન્યાયતંત્ર દેશને મર્યાદાઓળંગીને દેશ ચલાવી રહ્યું છે.
ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ત્ઝિપી લિવનીએ કાયદાના ફેરફારોનો વિરોધ કરી રહેલા વિરોધીઓ વચ્ચે જણાવ્યું હતું કે ઈઝરાયેલમાં ન્યાયતંત્રમાં સુધારાની સરકારની આ યોજનાએ 75 વર્ષમાં પ્રથમ વખત દેશને તેના સૌથી ખરાબ લોકતાંત્રિક સંકટમાં ધકેલી દીધો છે. “કાં તો ઇઝરાયેલ યહૂદી, લોકશાહી, પ્રગતિશીલ દેશ રહેશે અથવા ધાર્મિક, નિરંકુશ, નિષ્ફળ, અલગ અને સૌથી વધુ ડિસ્કનેક્ટ થયેલો દેશ રહેશે.”
ગુરુવારે પણ વિરોધીઓએ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તેઓએ રસ્તા રોકી હાઈવે પર પૈડાં સળગાવી વિરોધ કર્યો હતો. કેટલાક વિરોધીઓએ જૂના જેરુસલેમમાં વિશાળ ઇઝરાયેલી ધ્વજ અને દેશની સ્વતંત્રતાના ઢંઢેરા સાથે પ્રદર્શન કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે દેખાવોમાં સામેલ થવાના આરોપમાં દેશભરમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ વિરોધ પ્રદર્શનના આયોજકોનો સમાવેશ થાય છે. દેખાવકારોએ તેલ અવીવના મુખ્ય ધોરીમાર્ગને અવરોધિત કરી દીધો હતો અને પોલીસે શહેરમાં અને હૈફામાં વિરોધીઓને વિખેરવા માટે પાણીનો મારો મારવો પડયો હતો.