જેરૂસલેમ: હમાસના (Hamas) શાસન હેઠળની ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરા હેઠળ લેવાનો આદેશ ઇઝરાયેલના (Israel) સંરક્ષણ મંત્રીએ (Minister) આપ્યો છે અને આ પ્રદેશના અગત્યના પુરવઠાઓ કાપી નાંખવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેનું યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. હમાસના આતંકવાદીઓ દ્વારા સેંકડો ઇઝરાયલી નાગરિકોની હત્યા કર્યા બાદ ઇઝરાયલે ગાઝા પટ્ટી પર ભીષણ હુમલા શરૂ કર્યા છે. ગાઝામાં પણ આ હુમલાઓમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હવે ઈઝરાયેલ દ્વારા એક એવું પગલું ભરવામાં આવ્યું છે જેનાથી ગાઝામાં મોટા વિનાશનો ભય વધી ગયો છે. ઇઝરાયેલના લશ્કરે તેના ત્રણ લાખ અનામત સૈનિકોને હાજર થવા જણાવ્યું છે.
- ગાઝાને સંપૂર્ણ ઘેરાબંધીનો ઇઝરાયેલનો આદેશ: વિજળી, ખોરાક, ઇંધણનો પુરવઠો કાપી નંખાશે
- પાયાના પુરવઠાઓ માટે ગાઝા ઇઝરાયેલ પર આધારિત છે ત્યારે ગાઝાના ૨૩ લાખ જેટલા લોકોને વ્યાપક અસર થવાનો ભય
- હુમલા શરૂ થવાના બે દિવસ પછી ગાઝાની શેરીઓ સૂમસામ, દક્ષિણ ઇઝરાયેલના નગરોની પણ આવી જ હાલત
શનિવારે ઉગ્રવાદી સંગઠન હમાસના આશ્ચર્યજનક હુમલાઓમાં ઇઝરાયેલના સૈનિકો અને નાગરિકો મળીને ૭૦૦ કરતા વધુ લોકો માર્યા ગયા તેના બે દિવસ પછી ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટે આજે ગાઝાની ઘેરાબંધી કરવાનો આદેશ આપ્યો છે. સાથેજ વિજળી, ખોરાક અને ઇંધણનો પુરવઠો કાપી નાંખવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગાઝા એ સંપૂર્ણ ઘેરાબંધી હેઠળ રહેશે. ગાઝાને કોઇ વિજળી, ખોરાક અથવા ઇંધણનો પુરવઠો મળશે નહીં. અમે ત્રાસવાદીઓ સામે લડી રહ્યા છીએ અને તે મુજબ જવાબ આપીશું એમ ગેલન્ટને જણાવ્યું હતું. ગાઝા તેના આવા પાયાના પુરવઠાઓ માટે ઇઝરાયેલ પર વ્યાપક આધાર રાખે છે અને આ પુરવઠો કાપી નાખવાના નિર્ણયની દૂરગામી અસરો આ ૨૩ લાખ લોકોની વસ્તીવાળા વિસ્તાર પર થશે.
હમાસના કાર્યકરો દરિયાકાંઠાના વિસ્તારોમાં શનિવારના હુમલાઓની ઉજવણી કરતા જોવામાં આવ્યા હતા જયારે બીજી બાજુ સામાન્ય નાગરિકો ચિંતાતુર જણાતા હતા. મોટો હુમલો થવાના અને પુરવઠો કપાઇ જવાના ભય વચ્ચે તેઓ કુટુંબ માટે આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ભેગો કરતા જોવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી ગાઝાની શેરીઓ સંપૂર્ણપણે સૂમસામ દેખાઇ રહી છે અને દક્ષિણ ઇઝરાયેલના મોટા ભાગના નગરોની હાલત પણ આવી જ છે. આમ પણ દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલાઓ પછી ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના હવાઇ હુમલાઓ શરૂ થઇ જ ગયા છે. ઇઝરાયેલ દાવો કરે છે કે તે હમાસના સ્થળોને નિશાન બનાવી રહ્યું છે પરંતુ આ હવાઇ હુમલાઓમાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હોવાનું સ્પષ્ટ જણાય છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુએ હમાસની લશ્કરી અને વહીવટી ક્ષમતાઓનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
ઇઝરાયેલના લશ્કરે ત્રણ લાખ રિઝર્વિસ્ટોને ફરજ પર બોલાવ્યા
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ વિધિવત રીતે યુદ્ધ જાહેર કર્યું છે ત્યારે ઇઝરાયેલના લશ્કરે તેના ત્રણ લાખ અનામત સૈનિકોને હાજર થવા જણાવ્યું છે. જેના પરથી સંકેત મળે છે કે લડાઇ વધી શકે છે અને ગાઝામાં સંભવિત ભૂમિ હુમલો થઇ શકે છે.