ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચેનું યુદ્ધ (War) વધુ ખતરનાક બની રહ્યું છે. ઈઝરાયેલે હવે ગાઝા પટ્ટીમાં અંધાધૂંધ જમીની હુમલા શરૂ કરી દીધા છે. તેવામાં ઈરાને ઇઝરાયેલને યુદ્ધ બાબતે ચેતવણી આપી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી હમાસના નેતાને મળ્યા હતા. આ બેઠકને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ઈરાનના વિદેશ મંત્રીએ કતરની રાજધાની દોહામાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહ સાથે મુલાકાત કરી હતી. ઈરાન પેલેસ્ટાઈન અને હમાસને સમર્થન આપે છે. ત્યારે હવે ચર્ચા એ છે કે ઈરાન પણ ઇઝરાયેલ સામે યુદ્ધ કરવા તૈયારી કરી રહ્યું છે.
તરફ ઈરાનની ઉશ્કેરણી પર લેબનોન સ્થિત હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન ઈઝરાયેલ પર હુમલો કરી રહ્યું છે. ઈરાને ઈઝરાયેલને ગાઝા પર હુમલો કરવાના પરિણામોની ખુલ્લેઆમ ચેતવણી આપી છે. હમાસને ખુલ્લેઆમ સમર્થન આપતું ઈરાન યુદ્ધ તરફ વળતું જોવા મળી રહ્યું છે. ઈઝરાયેલ અને અમેરિકાને ધમકી આપનાર ઈરાને સૌથી પહેલા યુદ્ધ અભ્યાસ હાથ ધર્યો છે. હવે અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપવાના ઈરાદાથી ઈરાને તેના એટેક હેલિકોપ્ટરથી હૈદર ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.
ઇરાન દ્વારા હૈદર ક્રૂઝ મિસાઈલનું ફિલ્ડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું. હૈદર જમીનથી હવામાં પ્રહાર કરતી ક્રૂઝ મિસાઈલ છે. હેલિકોપ્ટરમાંથી છોડાયા બાદ તેણે 30 કિલોમીટરના અંતરે પોતાના લક્ષ્યને અથડાવીને નષ્ટ કરી દીધું હતું. આ મિસાઈલમાં જીપીએસ ગાઈડન્સ સિસ્ટમ છે. લોન્ચ કર્યા પછી હેલિકોપ્ટર પાઇલટ પાસે મિસાઇલને માર્ગદર્શન આપવા માટે સંપૂર્ણ નિયંત્રણ હતું. ઈરાન બે દિવસથી આ મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે હૈદર ક્રુઝ મિસાઈલ ત્રણ મીટર લાંબી છે. તેનું વજન લગભગ 40 કિલો છે. આ મિસાઈલમાં 20 કિલોનું વોરહેડ લગાવવામાં આવ્યું છે. તેની વિશેષતા એ છે કે તે ફરતા લક્ષ્યને પણ નષ્ટ કરી શકે છે. હૈદર ક્રૂઝ મિસાઈલની ઝડપ લગભગ 1000 કિલોમીટર પ્રતિ કલાક છે. ઇરાનના આ યુદ્ધાભ્યાસથી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ ઈરાને જોરદાર યુદ્ધ અભ્યાસ હાથ ધર્યો હતો. બખ્તરબંધ વાહનો, પાયદળ, મોબાઇલ એસોલ્ટ યુનિટ્સ, ઝડપી મિસાઇલ પ્રતિક્રિયા દળો, હેલિકોપ્ટર, ડ્રોન દળો, એન્જિનિયરિંગ એકમો અને સહાયક એકમોનું પ્રદર્શન કરાયું હતું.
જણાવી દઈએ કે ઈરાન હમાસને સંપૂર્ણ સમર્થન આપે છે. અમેરિકાએ પણ આ વાત કહી છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર ચીન પોતાનું પત્તું ખોલી રહ્યું નથી. ચીનના મૌનથી અમેરિકા નિરાશ છે. વાસ્તવમાં અમેરિકન અધિકારીઓનું માનવું છે કે ઈરાન પર ચીનનો ઘણો પ્રભાવ છે. ઇરાન હવે હમાસ-ઇઝરાયેલ યુદ્ધ બાબતે ખુલીને સામે આવ્યું છે અને તેણે ઇઝરાયેલને ચેતવણી પણ આપી છે.