નવી દિલ્હી: ઇઝરાયેલ-હમાસ યુદ્ધના (Israel-Hamas War) આશરે બે મહિના પછી પણ યુદ્ધ વિરામની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. હવે ઇઝરાયલી દળોએ ગાઝાની(Gaza) અલ-શિફા હોસ્પિટલમાં (Al- Shifa Hospital) પ્રવેશ કર્યો છે, જે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે. અલ-શિફાની અંદર કેટલાક સ્થળોએ સૈનિકો અને હમાસના આતંકવાદીઓ વચ્ચે લડાઈ ચાલુ છે. ઈઝરાયેલે હમાસને આત્મસમર્પણ કરવા કહ્યું છે, જ્યારે આતંકવાદીઓ તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો હોવાના અહેવાલો છે. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે હમાસનું મુખ્યાલય આ હોસ્પિટલની નીચે છે અને તેણે અહીં MRI સેન્ટર પર કબજો કરી લીધો છે. હોસ્પિટલમાં સર્ચ દરમિયાન ઇઝરાયલી દળોને મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. આતંકવાદીઓએ એમઆરઆઈ મશીનની પાછળ બેગમાં હથિયારો પણ છુપાવી દીધા હતા.
ઇઝરાયલી સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિકસ દ્વારા બનાવવામાં આવેલ વિડિયોમાં સમગ્ર કેન્દ્રમાં વિવિધ સ્થળોએ બેગમાં છુપાયેલા હથિયારો સ્પષ્ટપણે જોવા મળે છે. આ હથિયારો દવાઓ અને તબીબી સાધનોથી ઢંકાયેલા હતા. તેમજ ગાઝાના અન્ય વિસ્તારોમાં ઇઝરાયેલી સૈનિકો અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ધમાસાન યુદ્ધ ચાલુ છે. હમાસના હજારો લડવૈયાઓ ભૂગર્ભ સુરંગોમાં છુપાયેલા છે, જો કે ગાઝા પટ્ટીને સંપૂર્ણપણે કબજે કર્યા પછી, ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે તે સુરંગોની ઓળખ કરી લીધી છે.
Watch as LTC (res.) Jonathan Conricus exposes the countless Hamas weapons IDF troops have uncovered in the Shifa Hospital's MRI building: pic.twitter.com/5qssP8z1XQ
— Israel Defense Forces (@IDF) November 15, 2023
ઈઝરાયલી સૈનિકો દ્વારા શૂટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે અલ શિફા હોસ્પિટલના એમઆરઆઈ સેન્ટરમાં સારવારના નામે માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં MRI મશીનની પાછળ એકે 47, મેગેઝિન, ગ્રેનેડ અને ડ્રેસ છુપાવીને રાખવામાં આવ્યા હતા. આટલું જ નહીં કેન્દ્રમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ હમાસના આતંકવાદીઓએ ટેપ વડે બંધ કરી દીધા હતા. આતંકવાદીઓએ સમગ્ર MRI સેન્ટરમાં વિવિધ સ્થળોએ હથિયારો છૂપાવી રાખ્યા હતા. અહીં લગાવવામાં આવેલા મશીનોની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે તેનો ભાગ્યે જ ઉપયોગ થયો છે.
અલ શિફા હોસ્પિટલમાં હથિયારો તેમજ કોમ્યુનિકેશન રેડિયો, સીડી અને લેપટોપ પણ મળી આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા બાદ ઇઝરાયલી દળો હમાસના ઠેકાણાઓને શોધી રહ્યા છે. ઈઝરાયલી દળોનો દાવો છે કે આ 6 માળની હોસ્પિટલની નીચે હમાસનો સૌથી મોટો અડ્ડો છે. તેમનું કહેવું છે કે આ હોસ્પિટલની નીચે હમાસનું મિલિટરી હેડક્વાર્ટર છે અને તેનું ઈન્ટેલિજન્સ નેટવર્ક અહીંથી કામ કરે છે. ઇઝરાયલના જણાવ્યા અનુસાર, હમાસનું એર ડિફેન્સ હેડક્વાર્ટર, પોલિટિકલ બ્યુરો ઓફિસ, વેપન્સ ફેક્ટરી અને કમાન્ડર્સની ઓફિસ પણ અહીં આવેલી છે.