2002 ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એકસપ્રેસને આગ ચાંપી દેવામાં આવી, જેમાં 56 કારસેવકો જીવતાં ભુંજાઈ ગયા હતા. હું બપોરના ત્રણ વાગ્યે ગોધરા સ્ટેશન ઉપર પહોંચ્યો. વર્ષોથી ક્રાઈમ રીપોર્ટીંગ કર્યું હોવાને કારણે લાશો-લોહી વગેરે જોવું મારા માટે આમ વાત હતી, પણ તે દિવસે આટલી બધી લાશો જોઈ હું અંદરથી હચમચી ગયો હતો. મારો અનુભવ આવનાર તોફાનનાં એંધાણને સૂંઘી શકતો હતો. મેં તરત ત્યાંથી અમદાવાદ મારા મિત્ર પ્રોફેસર ડૉ રીઝવાન કાદરીને ફોન જોડયો. મેં કહ્યું, રીઝવાન હું ગોધરા છું. મને લાગે છે આવતી કાલે ગુજરાતની દશા સારી નહીં હોય. મને લાગે છે કે આ આખી ઘટનાને ગુજરાતના વિવિધ મુસ્લિમ આગેવાનોએ આ ઘટનાને લેખિતમાં વખોડવી જોઈએ. રીઝવાન મારી વાત તરત સમજી ગયો. તેણે કહ્યું, સારું હું તરત આગેવાનોને મળવા નીકળું છું. મોડી સાંજે રીઝવાનનો ફોન આવ્યો, તેના સૂરમાં નિરાશા હતી. તે જેમને પણ મળ્યો, બધા જ આગેવાનું કહેવું હતું જે થયું તે બરાબર થયું નથી. પણ ઘટનાના આરોપીઓ મુસ્લિમ હોવાને કારણે મુસ્લિમ આગેવાનો જાહેરમાં તેમની ટીકા કરવા તૈયાર ન્હોતા. આ અહિંયા વાત હિન્દુ-મુસ્લિમના પરિપ્રેક્ષ્યમાં હું જોતો નથી. હું તમામ ઘટનાઓનું મૂલ્યાંકન તેના મેરીટ પ્રમાણે થાય તે જરૂરી છે તે સમજાવવા માગું છું. આરોપી અને ભોગ બનનાર કયા ધર્મના છે તેને ધ્યાનમાં લઈ ઘટનાનું મૂલ્યાંકન થાય તે યોગ્ય નથી.
ગોધરા સ્ટેશનની ઘટના પછી બીજા દિવસથી આખા ગુજરાતમાં જે પ્રત્યાઘાત પડયા તેનાથી આપણે બધા જ સારી રીતે વાકેફ છીએ, જેમાં મોટી સંખ્યામાં ભોગ બનનાર મુસ્લિમો હતા, પણ તેની સામે બહુ મોટી સંખ્યામાં એવા હિન્દુઓ પણ હતા, જેમણે હિન્દુઓ દ્વારા આચરવામાં આવેલી હિંસાનો જાહેરમાં વિરોધ કર્યો. ગોધરાનો બદલો અમદાવાદના નરોડા-ગુલબર્ગ અને મહેસાણાના સરદારપુરા મુસ્લિમોને મારી લઈ શકાય નહીં જેવો મત વ્યકત કર્યો. ભોગ બનેલાં મુસ્લિમોને કાનૂની સહાય આપવા મુકુલસિન્હા જેવા હિન્દુ વકીલો ખડેપગે તૈયાર હતા. આમ જયારે હિન્દુઓએ કાયદો હાથમાં લીધો ત્યારે તેનો વિરોધ કરનાર હિન્દુઓનો મોટો સમુદાય હતો, એટલું જ નહીં, હિંસા રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે તેવું કહેનાર પણ હિન્દુઓ જ હતા, પણ રંજ તે વાતનો છે કે જયારે કોઈ એક મુસ્લિમ અથવા મુસ્લિમોનું કોઈ જૂથ ધર્મના નામે જયારે કાયદો તોડે ત્યારે સૌથી પહેલો વિરોધ ખુદ મુસ્લિમોમાંથી ઊઠવો જોઈએ,પણ તેવું જાહેરમાં થતું નથી. મારા અનેક મુસ્લિમ મિત્રો છે, જેઓ વ્યકિતગત રીતે હિંસા આચરનાર મુસ્લિમોની ખાનગીમાં ટીકા કરે છે, પણ જાહેરમાં તેઓ મૌન બની જાય છે.
હિન્દુ ધર્મગુરુઓ માને છે કે હિન્દુત્વને ખતરો છે તેવું ઈસ્લામ ઉપર ભરોસો કરનાર માને છે કે ઈસ્લામ ખતરામાં છે, ખરેખર કોઈ પણ ધર્મને પોતાના વિરોધી મતથી ખતરો હોતો જ નથી, ખતરો તો પોતાના લોકોથી જ હોય છે. હિન્દુ ધર્મમાં ચાલતી આભડછેટ અને સ્ત્રીઓના શિક્ષણના મુદ્દો હોય કે પતિના મૃત્યુ પછી પત્નીએ સતી થવું તેમાં કોઈ વિધર્મી તરફથી હિન્દુઓને ખતરો ન્હોતો, ખતરો હિન્દુની કટ્ટર વિચારધારાથી હતો, પણ હિન્દુઓના સદ્દનસીબે જયોતિબા ફુલે અને રાજા રામમોહનરાય જેવા સુધારકો મળ્યા, જેમણે હિન્દુ ધર્મને કોરી ખાતી વ્યવસ્થાને પડકારી અને એક આદર્શ વ્યવસ્થાનું નિર્માણ કર્યું. ભારતના મુસ્લિમોની કમનસીબી છે કે ઈસ્લામને નામે જે લોકો પોતાની દુકાન ચલાવી રહ્યા છે તેમનો વિરોધ કરવાનું અથવા તેમને ઉઘાડા પાડવાની હિંમત કરનાર મુસ્લિમ આગેવાનો બહુ ઓછા છે. બધા જ મુસ્લિમોએ મૌન રહેવાનું પસંદ કર્યું તેવું પણ નથી. વિદ્યાબહેન શેઠ જેવી મહિલા સાથે લગ્ન કરનાર અને અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેનાર કોંગ્રેસી નેતા રઉફવલી ઉલ્લાએ અમદાવાદના ડૉન લતીફના ગેરકાયદે ધંધા સામે બંડ પોકાર્યું અને તેમાં તેમણે પોતાનો જીવ પણ ગુમાવ્યો. આવા અનેક રઉફની મુસ્લિમ સમાજને જરૂર છે કારણ રઉફ ઈસ્લામની ઓળખ છે અને ઈસ્લામને બચાવશે.
હું મૂળ વાત ઉપર આવું. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કિશનની હત્યા થાય છે, કિશન નામ હોવાને કારણે કિશન કોણ છે તે કહેવાની જરૂર નથી, પણ હવે મામલો માત્ર ગુજરાત સુધી સીમિત રહ્યો નથી, કારણ કંગના રણાવત મેદાનમાં છે. કિશનની હત્યાના મામલે અમદાવાદ-મુંબઈ-દિલ્હી અને પાકિસ્તાન સુધી વાત પહોંચી છે એટલે હું તેની અહિંયા ચર્ચા કરતો નથી, અહિંયા કિશન કયા ધર્મનો હતો અને તેને મારનાર શબ્બીર કયા ધર્મનો હતો તેની વાત નથી, પણ શબ્બીરે જે કર્યું તે યોગ્ય નથી. તે મુદ્દા ઉપર વાત થવી જોઈએ પણ તેવું થતું નથી. મેં આ અંગે અનેક ટી.વી. ડીબેટ સાંભળી, જેમાં અનેક મુસ્લિમ આગેવાનોને સાંભળ્યા. તેમના સૂરમાં કિશનની હત્યા અંગે દુ:ખ હતું, પણ તેના કરતાં વધારે ભારતમાં મુસ્લિમોને થઈ રહેલા અન્યાયની વાત હતી. હું વ્યકિતગત રીતે માનું છું કે માત્ર મુસ્લિમો સાથે સાથે નહીં પણ દેશની હિન્દુ પછાત જાતિ સાથે આટલા વર્ષ પછી પણ અન્યાય થઈ રહ્યો છે, પણ તેના કારણે તમે કિશનની હત્યા કરનારની ટીકા કરો નહીં તે વાજબી નથી.
કિશનની હત્યા શબ્બીરે કોઈ વ્યકિતગત કારણસર કરી હોત અને મુસ્લિમો મૌન રહ્યા હોત તો વાંધો ન્હોતો. કિશને ઈસ્લામની વિરુધ્ધમાં કોઈ પોસ્ટ કરી અને ઈસ્લામમાં ભરોસો કરનાર નારાજ થઈ તેની હત્યા કરી તે વખતે ઈસ્લામમાં ભરોસો કરનાર લોકોએ કિશનના પરિવાર સાથે ઊભા રહેવાની જરૂર હતી. જો તેવું થયું હોત તો કિશનની દીકરીના માથે હાથ મૂકી રેલીઓનું આયોજન કરનારના હાથ અને મનસુબા હેઠા પડતા, ખરેખર ઈસ્લામને ખતરો હિન્દુઓથી નથી, પણ ઈસ્લામના નામે બંદૂક ઉપાડનાર ઈસ્લામ સામે ખતરો બની રહ્યા છે તે એક મુસ્લિમને સમજાય તો જ ઈસ્લામ બચશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.