વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના દિવસે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવવાના છે. તે માટે ડોમ અને ડેકોરેશન પાછળ સુરત મહાનગરપાલિકા ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વધુ પડતું અને વાંધાજનક છે. પ્રજાએ ભરેલા વેરામાંથી આ પ્રકારનો ખર્ચ કોઇ રીતે વ્યાજબી ગણાવી શકાય નહીં. આ પ્રજા સાથે દ્રોહ કર્યા બરાબર ગણાવું જોઈએ. બીજી બાજુ એવા સમાચાર પણ પ્રકાશિત થયા છે કે પાંચ લાખ લોકોને ખાડીપુરમાં ધકેલનારા સ્થાયી ચેરમેને ૧ કરોડ ૧૫ લાખ રૂપિયાના વધારા સાથેનું ડ્રેજીંગનું ટેન્ડર મંજૂર કર્યું. આટલો ખર્ચ શા માટે એમ કહીને મે મહિનામાં ૧૦ કરોડ ૩૨ લાખ રૂપિયાનું ટેન્ડર દફતરે કરવામાં આવ્યું હતું. એ જ કંપનીને ૧૧ કરોડ ૪૮ લાખનું કામ સોંપાશે. હવે પ્રશ્ન એ થાય કે લોકોને અસર કરતું કામ કરવામાં ગલ્લાંતલ્લાં થાય અને એક વ્યર્થ કામ પાછળ અધધધ એવો ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ? વડા પ્રધાનની સુરક્ષા માટેની કાળજી ચોક્કસ લેવાવી જોઇએ અને તે માટે સિક્યુરિટી વ્યવસ્થા થવી જોઈએ પણ તે સિવાય ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ ઘણો વધારે કહેવાય જેનો ઉપયોગ પ્રજાકીય કામો પાછળ થવો જોઈએ.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
એની એ જ ફિલ્મો અને ગીતો?
ટી.વી. ઉપર જી.ટી.પી.એલ. જુદી જુદી ચેનલો પ્રસારિત કરે છે. 39 નંબરની ચેનલ ઉપર ફિલ્મી ગીતો આવે છે. કયારેક બધાં ગીતો કલરવાળી ફિલ્મોનાં લાગે છે. તો કયારેક શ્વેત-શ્યામ ફિલ્મોનાં ગીતો વાગે છે. એમાં પણ નકકી કરેલાં થોડાંક ગીતો જ વાગ્યા કરે છે. એનાં એ જ રીપીટ થયેલાં ગીતો વગાડવામાં આવે છે. 77 નંબરની ચેનલ ઉપર ચોવીસે કલાક ફિલ્મો આવે છે. એમાં પણ જે વીસ -પચ્ચીસ ફિલ્મો એમની પાસે છે. એ જ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ સુધી દર્શકને માથે મારવામાં આવે છે. 327 નંબરની ચેનલ કે જેનું નામ ‘MASTI’ છે એ ચેનલ, પૂરી દર્શકથી પણ વધારે જાહેરાતો દર્શાવ્યા બાદ માંડ એક ફિલ્મી ગીત મૂકે છે.
અને તે પણ એકનાં એક ગીતોમાંનું જ. વચ્ચે ‘MASTI’ માં અનુ કપૂર વળી કંઇક નવી ફિલ્મી જગતની વાતો લઇને આવતા રહે છે. 335 નંબરની ‘Refro’ GTPL ચેનલ, ચોવીસે કલાક ફિલ્મી ગીતો રજૂ કરે છે. આ ચેનલવાળા પણ એમની પાસે જે ૨૦ કે ૩૦ ગીતો છે, એ જ ગીતો ચોવીસે કલાક રજૂ કરતા હોય છે. અહીં સવાલ એ છે કે, હિન્દી ફિલ્મોનો ખજાનો આપણે ત્યાં ભર્યો પડયો છે એક – એકથી ચઢિયાતી ફિલ્મો આપણી પાસે છે. તો એકની એક ફિલ્મો દર્શાવનાર ચેનલ નંબર 77 ને અમારે વિનંતી એ કરવાની રહે છે કે, જુદી જુદી અને પૂરી લંબાઇ સાથેની ફિલ્મો બતાવો તો કેવું સારું!
એ જ રીતે હિન્દી ફિલ્મોનાં સુમધુર ગીતોનો આપણે ત્યાં ‘ઉદધિ’ છલકે છે. તો એ ગીતો, તમે ચેનલવાળા લોકો શા માટે રજૂ કરતા નથી? તમારી પાસે જે ગીતો છે, એ તો એકનાં એક ગીતો સાંભળી-જોઇને અમે રીતસરના કંટાળી ગયા છીએ. માટે આપણા ખજાનામાં હજારો ફિલ્મો અને એટલાં જ કર્ણપ્રિય ગીતો ભર્યાં પડયાં છે માટે ‘નો રીપીટીશન’ની થિયરી અમલમાં મૂકીને, અલગ – અલગ ફિલ્મો તથા જુદાં જુદાં ગીતો તમારી ચેનલો ઉપર દર્શાવો તો, ટી.વી. દર્શક ખરે જ રાજી થશે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.