શ્રાવણ માસમાં આવતા અનેક છૂટાછવાયા તહેવારો પછી ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની શ્રેણી આરંભાય છે. તહેવારોનો મુખ્ય ખરેખર તો એકધારી ઢબે ચાલતી જીવનશૈલીમાં એકવિધતાનો ભંગ કરીને મનોરંજન માટેનો કહી શકાય, પણ હવે માહોલ એવો થતો ચાલ્યો છે કે તહેવારો જાણે કે બારે માસ ઉજવાતા રહેતા હોય એમ લાગે અને તેની એકવિધતામાંથી છૂટકારો મેળવવા માટે ઉજવણી વિનાના દિવસો દોહ્યલા જણાય. આનું મુખ્ય કારણ રાજકારણનો રોજબરોજના ઉત્સવોમાં સહેતુક પ્રવેશ અને દેખાડાની વકરતી જતી મનોવૃત્તિ.
દેખાડાની મનોવૃત્તિ વકરાવવામાં મુખ્ય પ્રદાન સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનું છે, જે વ્યક્તિના મનમાં રહેલા ઈર્ષા અને સ્પર્ધાભાવને ઉત્તેજે છે. હવે લોકો પોતાના આનંદ માટે ક્યાંય ફરવા જાય, ભોજન કરવા જાય કે કોઈને મળવા જાય ત્યારે સૌ પહેલું કામ સામાજિક નેટવર્કિંગના માધ્યમ પર તેની જાણ કરવાનું કરે છે. સતત આ માધ્યમનો ઉપયોગ કરતાં લોકો ઘણી વાર વાસ્તવિક જગતથી કપાઈને આભાસી વિશ્વમાં વિહરવા લાગે છે.
તદુપરાંત આ માધ્યમોનું અલ્ગોરિધમ (માહિતી જોવાની કે શોધવાની તરાહ અનુસાર જરૂરી વિગતો આગોતરી દર્શાવતી પ્રક્રિયા) એવું છે કે વપરાશકર્તાને તે એ ચીજોનો નિર્દેશ વધુ અને વારંવાર કરે જે વપરાશકર્તાએ આ માધ્યમો પર જોઈ કે શોધી હોય. તહેવારોની ઉજવણી સાથે નાણાં અને ખોરાકનો વેડફાટ અભિન્નપણે સંકળાયેલો છે, કેમ કે, પ્રત્યેક ઉજવણી સાથે ભોજન જોડાયેલું હોય છે. લોકો ભોજનની તૈયાર ડીશની છબીઓ મૂકે છે. આ માનસિકતા અને પ્રવૃત્તિને કારણે ભોજનમાં સ્વાદ કરતાં સજાવટનું મહત્ત્વ વધ્યું છે. આ બાબતની માનવસ્વાસ્થ્ય પર કેવી વિપરીત અસર થઈ રહી છે એ બાબતે નવેસરથી અભ્યાસ થવા લાગ્યા છે.
મોટા ભાગના દેશોમાં થયેલા અભ્યાસમાં એક હકીકત સામાન્ય જોવા મળે છે અને તે એ કે કેવળ દેખાવને કારણે ખોરાકનો ટનબંધ બગાડ થાય છે અને તેને નકામું ગણીને ફેંકી દેવામાં આવે છે. વિચિત્ર આકાર, ન ગમે એવો રંગ કે છાલ પરના ડાઘ જેવી બાબતો જે તે ખોરાકને નકામો ઠેરવવામાં મદદરૂપ બને છે. એમ પણ જણાયું છે કે પોષક તત્ત્વ અને સ્વાદમાં જરાય ઊતરતું ન હોવા છતાં માત્ર કુરૂપતાને કારણે દર પાંચમાંથી એક ફળ કચરાના ઢગને હવાલે કરાય છે.\
અમેરિકન લેખકો રિચર્ડ હોર્સી અને ટિમ વ્હાર્ટન દ્વારા લખાયેલા પુસ્તક ‘અગ્લી ફુડ: ઓવરલૂક્ડ એન્ડ અન્ડરકૂક્ડ’માં કુરૂપ હોવાને કારણે કચરામાં ફેંકાતા તમામ પ્રકારના ખોરાકનો મહિમા કરવામાં આવ્યો છે. માંસાહારનો પણ તેમાં સમાવેશ છે, કેમ કે, ભોજનપસંદગી બન્ને પ્રકારનો આહાર લેનારને સરખી રીતે લાગુ પડે છે. અલબત્ત, આપણા દેશમાં કુરૂપ દેખાતું ભોજન સીધેસીધું કચરાને હવાલે કરવાને બદલે સસ્તામાં વેચી દેવાતું હોય એમ બને છે. તેને ખરીદનારાઓમાં નબળી આર્થિક સ્થિતિવાળાં કે ઢાબા યા રેસ્તોરાંવાળાઓનો સમાવેશ થાય છે.
સરખામણી વિચિત્ર લાગે પણ જીવનશૈલીમાં પ્રવેશેલી ચમકદમક અને દેખાડાની વૃત્તિ ભોજનની કાચી સામગ્રીની ખરીદીમાંય પ્રતિબિંબિત થાય છે. સાથોસાથ ભોજનમાં વૈવિધ્યનું પ્રમાણ પણ ઘટતું જાય છે. આ જરા વિચિત્ર બાબત જણાય, કેમ કે, પહેલી દૃષ્ટિએ જોઈએ તો હવે પંજાબી કે ચાઈનીઝ તો ઠીક, થાઈ, મેક્સિકન, ઈટાલિયન, સ્પેનિશ કે એવી અન્ય વિદેશી વાનગીઓ લગભગ બધે સુલભ બની રહી છે. પણ આ વાનગીઓનું સ્થાનિક સ્વાદ અને જરૂરિયાત અનુસાર સહેલાઈથી પ્રાદેશિકીકરણ કરવામાં આવે છે. એક સાદા ઉદાહરણથી આ સમજવાની કોશિશ કરીએ. ઈટાલિયન મૂળની વાનગી પીત્ઝા આપણા દેશમાં ‘જન્ક ફુડ’ગણાય છે, જે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને વધારે છે.
પણ ઈટાલીમાં એ રોજિંદો સ્થાનિક આહાર (સ્ટેપલ ફુડ) છે. તો શું પીત્ઝા ખાવાથી ભારતીયોને સ્વાસ્થ્યની સમસ્યાઓ થાય એમાંથી ઈટાલિયનો બાકાત રહેતા હશે? આમ ન થવાનું કારણ એ કે ભારતમાં મળતો પીત્ઝા ઈટાલિયન નહીં, પણ સ્થાનિક બનાવટનો હોય છે. આથી તેનો સ્વાદ પણ સ્થાનિક લોકોની રુચિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. ‘જૈન પીત્ઝા’ જેવા સમુદાયવિશેષ સ્વાદની કદાચ ઈટાલિયનોએ કલ્પના સુદ્ધાં નહીં કરી હોય. ‘જંક ફુડ’માં ખાંડ, મીઠું અને ખટાશનો અતિરેક કરવાથી સ્વાદેન્દ્રિયોને તેની આદત પડતી જાય છે અને તે અન્ય સ્વાદને પારખવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. સરવાળે એ સ્વાસ્થ્યને હાનિ નોંતરે છે.
તહેવારોના દિવસોમાં, એમાંય દિવાળીના તહેવારોમાં રસોડું બંધ રાખવાનું ચલણ વધવા લાગ્યું છે. એક પ્રગતિશીલ વર્ગ આ બાબતને ‘નારીની રોજિંદી ઘટમાળમાંથી મુક્તિ’તરીકે જુએ છે. આ મુદ્દો સાચો છે, પણ સંપૂર્ણ નથી. બીજી અનેક એવી બાબતો છે કે જેમાં આ મુદ્દો લાગુ પાડવો વધુ જરૂરી છે. જેમ કે, મહિલાઓ પ્રત્યેનો સામાન્ય વ્યવહાર અને વર્તન, તેમની પર થતા અત્યાચારો, તેમના માટેની જાહેર સુવિધાઓનો અભાવ સહિત બીજા અનેક. પોતાની જીભના ચટાકા માટે, પોતાને પોસાણ છે માટે અને પોતે અમુકતમુક સ્થળે ભોજન માટે ગયા હોવાની જાણ કરવાનો હેતુ સાધવા માટે બહાર ભોજન લેવા જવાની પ્રથાને ‘નારીમુક્તિ’સાથે સાંકળીને દલીલ કરનાર સામે શી દલીલ હોઈ શકે!
આપણે એટલું યાદ રાખવાનું છે કે ખોરાકનો બગાડ એ ગેરકાનૂની ભલે ન હોય, પણ એ ગુનાહિત કૃત્ય છે. ખોરાકને પણ દેખાવ સાથે સાંકળવો એ આપણી ભેદભાવલક્ષી માનસિકતાનું સૂચક છે. વિકસિત દેશોએ ખોરાક સાથે ચેડાં કરીને જે આધુનિક ગણાતી બજારલક્ષી સંસ્કૃતિ ઊભી કરી એ ભૂલ કરવામાંથી બચી શકીએ એવી તક હજી આપણી પાસે રહી છે. એમાં સરકાર કે કાયદો કશું નહીં કરી શકે. કેમ કે, આપણું સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી આપણી જ છે. તેના માટે સ્વસ્થ બુદ્ધિએ વિચારવું જ પૂરતું છે. સ્વાસ્થ્યવર્ધક ખોરાક કદાચ સ્વસ્થ બુદ્ધિને વિકસાવી શકે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.