ઉત્તર પ્રદેશના કાનપુરથી શરૂ થયેલા ‘આઈ લવ મુહમ્મદ’ વિવાદે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શનો અને સરઘસો કાઢવામાં આવ્યાં છે. બુધવારે રાત્રે ગાંધીનગર જિલ્લાના દહેગામના બહિયલ ગામમાં સોશ્યલ મિડિયા પર આઈ લવ મહાદેવ પોસ્ટર લગાવવામાં આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. અહેવાલો અનુસાર, ગામના એક યુવકે આઈ લવ મુહમ્મદના જવાબમાં આઈ લવ મહાદેવ પોસ્ટર લગાવ્યું હતું.
આ પછી અન્ય સમુદાયના સભ્યોએ તેની દુકાન પર હુમલો કર્યો હતો. તેઓએ કથિત રીતે લૂંટ ચલાવી હતી અને દુકાનને આગ લગાવતાં પહેલાં નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં બે પોલીસ વાહનોને પણ નુકસાન થયું હતું. બહિયલ ગામ એક મુસ્લિમ બહુમતી ધરાવતું ગામ છે જેની વસતી લગભગ દસ હજાર છે, જેમાંની ૭૦ ટકા વસતી મુસ્લિમ છે, જ્યારે બાકીની હિન્દુ છે. બુધવારે રાત્રે જે વિસ્તારમાં હિંસા અને આગચંપી થઈ હતી તે વિસ્તારમાં હિન્દુઓ વસે છે. દહેગામના બહિયલમાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી થઈ રહી છે.
ગુજરાતનાં અનેક શહેરોમાં સોશ્યલ મિડિયા પોસ્ટ દ્વારા ભડકેલી હિંસાને કારણે ગુપ્તચર એજન્સીઓએ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ગુજરાતના સૌથી મોટા તહેવાર નવરાત્રિ દરમિયાન શાંતિ કોણ ભંગ કરવા માંગે છે તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. નવરાત્રિના એક દિવસ પહેલાં ગોધરા અને વડોદરામાં પણ આવી જ ઘટનાઓ બની હતી. પ્રશ્ન એ ઊભો થાય છે કે આઈ લવ મુહમ્મદ જેવા નારાને કારણે દેશભરમાં મોટા પાયે આંદોલન અને અશાંતિ કેમ પેદા થઈ ગઈ છે? હકીકતમાં કાનપુરના રાવતપુરમાં બરાવફાતના જુલુસ દરમિયાન ૪ સપ્ટેમ્બરના રોજ વિવાદ શરૂ થયો હતો. એક જૂથે જુલુસના માર્ગ પર આઈ લવ મુહમ્મદ બેનર લગાવ્યું હતું.
આના કારણે સ્થાનિક હિન્દુ જૂથોએ વાંધો ઉઠાવ્યો હતો, જેમણે દાવો કર્યો હતો કે પરંપરાગત રીતે બરાવફાત ઉજવણી માટે ઉપયોગમાં લેવાતી જગ્યામાં નવી પરંપરા દાખલ કરવામાં આવી રહી છે. ઘટના દરમિયાન હિન્દુ અને મુસ્લિમ બંને જૂથોએ એકબીજા પર પોસ્ટરો ફાડવાનો આરોપ લગાવ્યો હતો. કાનપુરમાં એક બેનરને લઈને સ્થાનિક વિવાદ શરૂ થયો હતો, જે હવે અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધાર્મિક ભાવના અને સાંપ્રદાયિક સંવાદિતા વિશેની રાષ્ટ્રવ્યાપી ચર્ચામાં ફેરવાઈ ગયો છે. કેટલાંક સરઘસો શાંતિપૂર્ણ રહ્યાં છે, તો કેટલાકંમાં પોલીસ સાથે અથડામણ, FIR અને ધરપકડનો સમાવેશ થાય છે. કાનપુર પોલીસે બરાવફાત શોભાયાત્રા દરમિયાન એક નવો રિવાજ રજૂ કરવા અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા બદલ ૨૪ લોકો સામે કેસ નોંધ્યા હતા. આ કેસમાં પરંપરાગત તંબુ દૂર કરવા અને નવી જગ્યાએ બેનર લગાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આઈ લવ મુહમ્મદ કહેવું ગુનો નથી. તેમણે પોલીસ કાર્યવાહીની ટીકા કરી હતી અને કાનપુર પોલીસને ટેગ કરી હતી, જેનાથી વ્યાપક ચર્ચા શરૂ થઈ હતી. જો કે, કાનપુર પોલીસનો દાવો છે કે બેનર માટે કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. આ કેસ નવા સ્થળે બેનર લગાવવા અને બીજા જૂથનાં પોસ્ટરોને નુકસાન પહોંચાડવા સંબંધિત છે. કાનપુર પછી ઉન્નાવમાં યુવાનોએ આઈ લવ મુહમ્મદના બેનરો સાથે સરઘસ કાઢ્યું હતું અને ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો સહિત કેટલીક અથડામણો થઈ, જેના કારણે ૮ FIR દાખલ કરવામાં આવી અને ૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિકોએ સ્પષ્ટતા કરી કે કાનપુરમાં મૂળ FIR પોસ્ટરને નુકસાન પહોંચાડવા સંબંધિત હતી, સૂત્ર પ્રદર્શિત કરવાના કાર્ય સાથે નહીં.
કૌશામ્બીમાં એક વાયરલ વિડિયોમાં યુવાનો ‘સર તન સે જુડા…’ જેવા અપમાનજનક સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યાં હતાં. આ વિડિયોને કારણે હિન્દુ જૂથોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પોલીસે મુસ્લિમ સગીરો સહિત ડઝનબંધ વ્યક્તિઓની અટકાયત કરી હતી. લખનૌમાં મુસ્લિમ મહિલાઓએ વિધાન ભવનના ગેટ ૪ પર શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું, જેમાં પયગંબર મુહમ્મદના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર્તા સુમૈયા રાણાએ FIRની ટીકા કરી હતી અને તેને બંધારણીય સ્વતંત્રતાઓ વ્યક્ત કરવા બદલ લોકોને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આઈ લવ મુહમ્મદના જવાબમાં હિન્દુ સંગઠનોએ આઈ લવ મહાદેવની ઝુંબેશ શરૂ કરી છે.
મુંબઈ, વારાણસી, ગુજરાત અને આસામ જેવાં રાજ્યોમાં શેરીઓ, થાંભલાઓ અને ઘરો પર આઈ લવ મહાદેવનાં પોસ્ટરો લગાવવામાં આવી રહ્યાં છે. હિન્દુ સંગઠનોએ શુક્રવારે ગરબા પંડાલોમાં ભવ્ય આરતીનું આયોજન કરવાનું પણ આયોજન કર્યું છે. મુંબઈમાં ગરબા કાર્યક્રમોમાં આઈ લવ મહાદેવનાં પોસ્ટરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાશીમાં સંતો પણ આઈ લવ મહાદેવના નારા લગાવતા રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. સુમેરુ પીઠના શંકરાચાર્ય નરેન્દ્રાનંદની આગેવાની હેઠળ સંતોએ ઉદ્યાનો અને ઘરોમાં આઈ લવ મહાદેવનાં પોસ્ટર લગાવ્યાં હતાં. શંકરાચાર્યે આરોપ લગાવ્યો હતો કે આ વિવાદ ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ એક ષડ્યંત્ર છે.
આના જવાબમાં ઉજ્જૈનના યુવાનોએ ગરબા મહોત્સવ દરમિયાન ‘હું મહાકાલને પ્રેમ કરું છું’નાં પોસ્ટરો પ્રદર્શિત કરવાનું અને ‘હું મહાકાલને પ્રેમ કરું છું’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે કે જેમ અમે ઉજ્જૈનને પ્રેમ કરીએ છીએ, તેમ અમે બાબા મહાકાલને પણ પ્રેમ કરીએ છીએ, તેથી જ આ પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. દરમિયાન, મહારાષ્ટ્રના બીડમાં આયોજિત આઈ લવ મોહમ્મદ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સ્ટેજ પરથી ધમકી આપી હતી કે જો યોગી આદિત્યનાથમાં હિંમત હોય તો તેમણે બીડ આવવું જોઈએ અને દાવો કર્યો હતો કે જો તેઓ ત્યાં આવશે તો તેઓ તેમને મારી નાખશે. દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળેલી ધમકી બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
આઈ લવ મુહમ્મદના વિવાદ વચ્ચે પીડીપીનાં વડા મહેબૂબા મુફ્તીએ ભારતીય જનતા પાર્ટી પર છૂપો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ફક્ત હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમીને મત મેળવે છે. મહેબૂબા મુફ્તીના કહેવા મુજબ તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં એક મુસ્લિમ મૌલવીને પકડવામાં આવ્યો, માર મારવામાં આવ્યો, તેની દાઢી કાઢી નાખવામાં આવી, તેને ખરાબ રીતે ઘાયલ કરવામાં આવ્યો અને પછી તેને જય શ્રી રામના નારા લગાવવાનું કહેવામાં આવ્યું હતું. જો આ ગુનો નથી, તો પછી આઈ લવ મુહમ્મદને ગુનો કેમ માનવામાં આવ્યો? તેઓ ફક્ત હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમીને મત મેળવે છે. નહીં તો તેમને મતચોરી કરવાની કે શ્રી રામનો આશરો લેવાની જરૂર ન પડી હોત. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત જેવા દેશમાં આ પ્રકારનું ઝેર ફેલાવવું એ એક જાતની ચેતવણી છે.
આઈ લવ મોહમ્મદ વિવાદને કારણે ગુજરાતના ગોધરામાં વિરોધ પ્રદર્શનો, FIR અને ધરપકડો થઈ છે. ગોધરામાં પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન અને તોડફોડ બાદ ૮૭ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ૧૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશ્યલ મિડિયા પર સક્રિય રહેલા સ્થાનિક યુવક ઝાકીર જબાએ આઈ લવ મોહમ્મદ વિવાદ વિશે સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરી હતી. ત્યાર બાદ પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર યુવકને જવા દેવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશન છોડ્યા પછી તેણે પોલીસ પર ઉત્પીડન અને દુર્વ્યવહારનો આરોપ લગાવતો બીજો વિડિયો શેર કર્યો, જેનાથી સ્થાનિકોમાં ગુસ્સો ફેલાયો હતો. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતે જણાવ્યું હતું કે ટોળાએ ચોકી નંબર ચાર પર તોડફોડ કરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ યુવક સતત સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરી રહ્યો છે. નવરાત્રિ તહેવારને ધ્યાનમાં રાખીને અમે તેને ફોન કરીને વાંધાજનક સામગ્રી પોસ્ટ ન કરવા કહ્યું હતું, પરંતુ આનાથી ગેરસમજ ઊભી થઈ કે પોલીસે ઝાકીરને માર માર્યો છે. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.