Comments

કાશ્મીરમાં મતદારોનો સંખ્યા વધારો સાચો છે?

નવરચિત જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં નવો વિવાદ જાગ્યો છે. આ રાજય ભારતનો એક ભાગ બન્યું ત્યારથી રાજકારણ, ચૂંટણી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. આ રાજયને કેન્દ્રશાસિત પ્રદેશની નીચી પાયરીએ લઇ જનાર તા. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના બંધારણીય પરિવર્તન પછી આ ત્રણ પર્યાયોનું ગઠબંધન વધુ મજબૂત બની ગયું છે અને તેને માટે મોટો ફાળો રાજકીય નેતાઓએ અને તે સમયની કેન્દ્ર તેમજ રાજયની સરકારોએ ખલનાયક તરીકે ફાળો આપ્યો છે. અલબત્ત, અમલદારોએ તેમની ભૂમિકા ભજવી હતી પણ તે વિવાદના રાજકીય રંગમાં ઢંકાઇ ગઇ હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને હિસાબે જમ્મુ-કાશ્મીર વ્યવહારુ રીતે કેન્દ્રના પ્રતિનિધિ તરીકે લેફટેનંટ ગવર્નરની આગેવાની હેઠળ કેન્દ્રના શાસન હેઠળ છે અને ચૂંટાયેલી વિધાનસભાની ગેરહાજરીમાં અમલદારોની તાકાત હેઠળ જ ચાલે છે. આ કેન્દ્રશાસિત પ્રદેશને લોકશાહી માળખામાં લઇ જવા માટે લોકો ત્રણ વર્ષથી ચૂંટણીની રાહ જુએ છે. નવો વિવાદ ચૂંટણીને આભડી ગયો છે પણ તે રાજકીય નેતાઓનું ફરજંદ નથી પણ અધિકારી વર્ગનું ફરજંદ છે. મતદાર યાદીની અત્યારે ચાલી રહેલી સુધારણા સમાપ્ત થયા પછી ૨૦ થી ૨૫ લાખ મતદારોનો ઉમેરો થશે એવો અંદાજ જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કમિશનર હિર્દેશકુમારે મૂકયો છે. તા. ૫ મી ઓગસ્ટ ૨૦૧૯ થી બની રહેલી ઘટનાઓના સંદર્ભમાં પોતે સુરંગોથી ભરપૂર સડક પર બેફામ દોડી રહ્યા હોવાનો અંદાજ તેમણે બાંધ્યો જ હશે. ૧૯૯૯ ના આઇ.એ.એસ. બેચના એક વરિષ્ઠ અધિકારી આવું વિધાન કરે તે માનવાનું મુશ્કેલ છે. પણ કેન્દ્રના શાસને અખબારોમાં પહેલે પાને જાહેરાત આપી સ્પષ્ટતા કરી છતાં ચૂંટણી કમિશનરના આ વિધાને રાજકીય તોફાન તો જગાવ્યું જ છે.

વહીવટી તંત્રને ચૂંટણી કમિશનરને ઠપકો કે રદિયો આપવાનો અધિકાર છે? કુમાર જમ્મુ-કાશ્મીર કેડરના સનદી અધિકારી છે પણ તેઓ ચૂંટણી પંચના આદેશ મુજબ કામ કરે છે. ભારતના ચૂંટણી પંચને કેમ કોઇ નથી પૂછતું? કુમારે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય રીતે રહેતા કોઇ પણ માણસ પ્રજા પ્રતિનિધિ ધારા અન્વયે આ કેન્દ્રશાસિત પ્રદેશના મતદાર બની શકે છે. બંધારણની કલમ ૩૭૦ ની નાબૂદીને પગલે એક વખતના જમ્મુ-કાશ્મીર રાજયમાં મતદાર હકકથી વંચિત રહેલાં ઘણાં લોકોને હવે મતાધિકાર મળે છે.

જમ્મુ-કાશ્મીરના નાનકડા કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૦ થી ૨૫ લાખ મતદારોના ઉમેરાથી ઘણા રાજકીય પક્ષો અને લોકોનાં ભવાં ચડશે.  ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને પૂર્વાંચલનાં રાજયોની જેમ પોતાની રોજગારી અને જમીનની રક્ષા જેવી માંગણીની કેન્દ્ર અને તેના શાસકોએ ઉપેક્ષા કરી હોય ત્યારે આ આક્રોશ વધશે જ. મતદારોની સંખ્યામાં ૨૦ થી ૨૫ લાખનો વધારો થશે એ આંકડો કયાંથી આવ્યો? કુમારના દાવાનો ચૂંટણીપંચ ખુલાસો કરશે? કે લોકોના શું પ્રત્યાઘાત આવશે તે જાણવા કોઇએ ગબ્બારો છોડયો છે?

એક રીતે જુઓ તો કુમાર ખોટા નથી. ૧૯૫૦ નો પ્રજા પ્રતિનિધિધારો કલમ ૩૭૦ ની નાબૂદી પછી જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ પડતા તેમની વાત સાચી છે અને ૨૦૧૯ પછી ૨૦ થી ૨૫ લાખ નવાં મતદારોનો ઉમેરો આખી વાતને રસપ્રદ બનાવે છે. આધારના આંકડાને આધારે જણાયેલા વસ્તીવધારાને કારણે આ આંકડો શકય દેખાય છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ જમ્મુ-કાશ્મીરની વસ્તી ૧,૨૫,૯૨૬ હતી તે આધારના આંકડા મુજબ ૨૦૨૧-૨૨ માં ૮.૬૫% વધીને ૧,૩૬,૩૫,૦૧૦ પર પહોંચી છે.

૨૦૧૧ માં જમ્મુ-કાશ્મીર પ્રદેશના સ્પેશ્યલ સીટી રિવીઝન મુજબ મતદારોની સંખ્યા ૬૬,૦૦,૯૨૧ હતી, જે આજે ૭૬,૦૨,૩૯૭  મતદારોની છે અને તે ૧૦ લાખનો વધારો બતાવે છે. આ બાહ્ય પરિબળોની સક્રિયતા વગર મતદારોની સંખ્યામાં ૨૦ થી ૨૫ મતદારોનો વધારો સમજી શકાય છે. પણ વહીવટી તંત્રે ૧૮ વર્ષની વયે પહોંચેલાં દસ લાખ મતદારોનો ઉમેરો થાય પણ રાજકીય પક્ષો અને લોકોને ગળે આ વાત ઉતરતી નથી. પણ લડાખના વિભાજનને કારણે મતદારોની સંખ્યા કપાઇ તેનું શું?

કુમારે કહ્યું હતું કે ૨૦૧૯ ના જૂનમાં જયારે મતદાર યાદીની સુધારણા થઇ હતી ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ૭૬ લાખ મતદારો હતા. ૧૮ વર્ષની વયે પહોંચેલાં નવા મતદારોને ગણતરીમાં લો તો હવે ૯૮ લાખ પર આંકડો પહોંચે. આ અંદાજોનો બચાવ કરનારા કહે છે કે ૫ મી ઓગસ્ટ, ૨૦૧૯ બંધારણીય સુધારા પછી મતાધિકાર મેળવનાર પશ્ચિમ પાકિસ્તાનના નિરાશ્રિતો, વાલ્મિકીઓ, ગુરખાઓને કારણે આ શકય બન્યું છે. ૧.૫ લાખથી બે લાખ પશ્ચિમ પાકિસ્તાની નિરાશ્રિતોને નવો મતાધિકાર મળશે. પંજાબથી સાફ સફાઇ માટે લાવેલા ૬૦% વાલ્મિકીઓને મતાધિકાર મળે તો તેમની સંખ્યા ૬૦૦૦ ની થાય.

બંધારણની કલમ ૩૭૦ ની નાબૂદી સહિત જમ્મુ-કાશ્મીરના જુદા જુદા મામલે મતભેદ હોય તોય મતદારોના મામલે રાજકીય પક્ષો એક મેજ પર ભેગા થઇ શકે છે અને તેનો નમૂનો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરંસના વડા ડો. ફારૂખ અબ્દુલ્લાએ શ્રીનગરમાં બોલાવેલી સર્વપક્ષી બેઠકમાં જોવા મળે છે. શિવસેના (ઉધ્ધવ ઠાકરે) કાશ્મીરકેન્દ્રી રાજકીય પક્ષો અને ડાબેરી જૂથો સાથે બેઠી તે આશ્ચર્યનજક હતું. ડો. ફારૂખ અબ્દુલ્લા કહે છે કે આવી હજી બેઠકો મળશે. જોઇએ હવે શું થાય છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top