Comments

“આધારકાર્ડ” પોતે જ નિરાધાર? આધાર વગરની ઓળખાણ શું કામની?

બિહારમાં વોટર વેરીફીકેશન ચાલી રહ્યું છે, ચૂંટણી પંચે નાગરિકતા ચકાસવા માટે જે પુરાવા માન્ય રાખ્યા છે તેમાં આધારકાર્ડ નથી. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું તેના જવાબમાં ચૂંટણી પંચે સત્તાવાર જવાબ આપ્યો છે કે “આધાર કાર્ડ એ નાગરિકતાનો પુરાવો નથી!” એ માત્ર ઓળખાણનો પુરાવો છે. અરે કોઈ ચૂંટણી પંચને પૂછો કે ભાઈ જે ઓળખાણ નાગરિકતા પુરવા ન કરે તે ઓળખાણ શું કરવાની?

આમ તો ચૂંટણીપંચ એટલે સરકાર. ભલે તે સ્વાયત્ત સંસ્થા હોય પણ અંતે તો કેન્દ્ર સરકારને આધીન જ ને! અને સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદા મુજબ તેને ચાલવાનું હોય છે. હવે પ્રશ્ન સરકારનો છે કે તેને વન નેશન વન કાર્ડ દ્વારા આધાર કાર્ડ જાહેર કર્યું તો તે માત્ર ઓળખાણનો પુરાવો જ ગણ્યો? વળી ઓળખાણનો આધાર શું? આપણી ઓળખાણ વિવિધ સંદર્ભથી હોય છે જેમાં જાતિ, ધર્મ, પરિવાર જોડાયેલા હોય છે. મતલબ કે તમે સ્ત્રી છો કે પુરુષ?, ગુજરાતી છો કે મરાઠી? કોના સંતાન છો? આ બધું જ તમારી ઓળખ સાથે જોડાયેલું છે. જેમાં એક છે તમે ભારતીય છો કે બ્રિટીશ કે પાકિસ્તાની? જો આધાર કાર્ડ તમારી ઓળખાણનો પુરાવો છે તો તે તમે ક્યાં દેશના છો તે પણ ઓળખ આપી જ શકવો જોઈએ ને? શું ઓળખાણના દરેક મુદ્દા માટે જુદા પુરાવા જોઈએ? જાતિ નક્કી કરવા જુદો આધાર, જ્ઞાતિ નક્કી કરવા જુદો આધાર, ધર્મ માટે જુદો જ પુરાવો, નાગરિકતા માટે જુદો, આર્થિક સ્થિતિ માટે તો જુદો પુરાવો માંગવામાં આવે જ છે.

વન નેશન વન કાર્ડના સૂત્ર સાથે દેશ ભરમાં વ્યાપક બનાવાયેલું આધાર કાર્ડ લગભગ નિરાધાર થતું જાય છે, જો કોઈ નાગરિક કે લેખકે આ વાત લખી હોત તો તેને અનેક આક્ષેપોનો સામનો કરવો પડત પણ જ્યારે ચૂંટણી પંચે પોતે જ આ વાત કોર્ટમાં કહી છે ત્યારે હવે વારો છે નાગરિકોનો કે તે આ સત્ય સમજે સરકાર જ્યારે વન નેશન વન કાર્ડનો નારો લગાવાઈ છે ત્યારે આપણે સરકારને નમ્રપણે પૂછવું છે કે જો આ એક જ કાર્ડ બધે ચાલવાનું હતું તો આધાર આઈડી, આ ખેડૂત કાર્ડ, આ મા કાર્ડ, આ આયુષ્યમાન કાર્ડ કે એવા બીજા કાર્ડ વધતા કેમ જાય છે. અંતે એક નાગરિકે કુલ કેટલા કાર્ડ સાથે રાખવાના છે? તમે માત્ર આધાર કાર્ડને આધારે શિક્ષણ આરોગ્ય ખેતીના ક્ષેત્રમાં સુવિધાઓ આપી નથી શકતા?

આટલા બધા કાર્ડ, આ બધાનું વેરીફીકેશન અને દર વર્ષે તેનું કે.વાય.સી અને થોડા સમય પછી નકલીની ભરમાર! આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? મૂળમાં આ બધું સોફ્ટવેર વેચવાનો ધંધો તો નથી ને? કે જાત જાતના કાર્ડ દાખલ કરો, કરોડો લોકો આ કાર્ડ કઢાવે તેવા ફરજ પાડતા નિયમો બનાવો, કાર્ડ બનાવવા તેની માહિતી એકત્ર કરવા આધાર લીંક કરવાના સોફ્ટવેર બનાવો અને સરકારને આ સોફ્ટવેર વેચો. કાર્ડ બનાવવાના કોન્ટ્રાક્ટ આપો તેની સ્વાયત્ત એટલે કે બીજા શબ્દોમાં ખાનગી એજન્સીઓ બનાવો, પોતાના માણસોને બિઝનેસ આપો. લાગે છે અધિકારીઓએ સ્માર્ટ ધંધો શરૂ કર્યો છે અને આ ધીનીકટના રવાડે ચડેલા નેતાઓ કશું જ સમજ્યા વગર આ યોજનાઓ સ્વીકારે જાય છે.

ભારતમાં જ્યારથી ભાજપ સત્તામાં આવ્યો છે દેશે એક સારો વિપક્ષ ગુમાયો છે. આપણને સારો શાસક મળ્યો કે નહીં તેની ખબર નથી પણ પ્રજાના પ્રશ્નોની નાની નાની વિગતો માટે વિરોધ કરતો, મજબૂત વિરોધ કરતો પક્ષ આપણે ગુમાયો છે. આજે વિપક્ષને પાયાના પ્રશ્નો થતા જ નથી, બાકી તો ચૂંટણી પંચે જેવું સુપ્રિમમાં કહ્યું કે આધાર નાગરિકતાનો પુરાવો નથી કે બીજાએ જ દિવસે વિપક્ષી નેતાઓ એ નારો આપ્યો હોટ કે “મિત્રો, જુવો આધાર પોતે જ નિરાધાર થઇ ગયું’’ એક કાર્ડથી દેશને જોડવાની વાત હતી તે કાર્ડ જ દેશ સાથે જોડાયેલું નથી, મતલબ કે નાગરિકતા પુરવાર કરતું નથી. દેશમાં મીડિયા અને વિપક્ષ બન્ને નબળા હોય, નબળા પાડી દેવાયા હોય ત્યારે પ્રજાએ ખાસતો પ્રજાના ઉચ્ચ મધ્યમ વર્ગ, લેખકો વિચારકો આગેવાન સંસ્થાઓ એ જવાબદાર બનવું પડે, સરકારને પ્રશ્નો કરવા પડે બાકી લોકશાહી એ બોક્ષ ઉપર લાગેલું સ્ટીકર બનીને રહી જાય જ્યાં બોક્ષમાં માલ કંઈક જુદો જ હોય!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top