રસ્તા પર ખાડા છે કે લેવલ નથી, કોઈ જવાબદારી સરકારી અધિકારીની નહીં ભલે પ્રજા ખાડામાં ઊંધી થઈ પડે. તેની વીજ કંપની ખોદે અને SMC પૂરે પણ પ્રજા જ્યાં સુધી વારંવાર ફરિયાદ ન કરે ત્યાં સુધી તેમની આંખ ન ખૂલે. કેબલ અને ઈન્ટરનેટના તાર, તેમજ ઢગલાબંધ કેબલોના ગુંચડા રસ્તામાં બટકે છે ભલે પ્રજા અકસ્માતથી મરે કે આખી જિંદગી અપાહીઝ થઈ ખાટલામાં પડે, નફફટ નપાવટ સરકારી કર્મચારીઓને કોઈ અસર ન થાય.
દિવસમાં બે ઇંચ વરસાદ પડે તો શહેર આખામાં પાણી ભરાઈ જાય. બધા રસ્તા બંધ થઈ જાય, પ્રજાની ગાડી પાણીમાં ફસાય કે પાણીમાં અદૃશ્ય ખાડામાં પ્રજા પડે પણ તંત્રને મંદિરના ઘંટ જેટલો પણ ફરક ન પડે. રસ્તામાં પ્રજા અડધોથી એક કલાક ટ્રાફિકમાં કે એક્સિડન્ટમાં ફસાઈ ગયા. મજાલ છે એક ખાખી રસ્તાનું ટ્રાફિક કલીઅર કરે! મોદી જો આવવાના હોય તો આ સરકારી- ભ્રષ્ટચારથી ગંધાતા આ કર્મચારીઓ ચોવીસ કલાક, રાત-દિવસ એક કરીને મોદીના આખા રૂટને સ્વર્ગ જેવું સ્વરૂપ આપી દેશે. રસ્તા સનમાઈકા જેવા લિસા બનાવી દેશે.
આંતરરાજ્ય બધી બસો મોદીની સેવામાં મુકાઈ જશે, ખાખી બાર કલાક પહેલાં રસ્તો બંધ કરીને મોકટેલ કરશે, ગમે ત્યારે મોદીના કહેવાથી ઈન્ટરનેટ બંધ કરી દેશે તો ગમે ત્યારે ૧૪૪ ની કલમ લગાવી દેશે. કેવી મજબૂરી આ મહાન દેશના આમ નાગરિકની, જેઓના ટેક્સના પૈસાથી પગાર લે તે સરકારી અફસરો દલાલી નેતાઓની કરે, પ્રજા ને સામાન્ય ગુનામાં દંડ અને સજા કરે. આધારકાર્ડ માટે લાઇન, સરનામું બદલવામાં લાઈન, RTO માં લાઈન, સરકારને આપવાનું હોય તો દરેક લાઇન “ઓન, પરંતુ સરકાર પાસે કઢાવવાનું હોય તો બધી લાઇન “ઓફ”. સરકારી દસ્તાવેજોમાં કર્મચારીઓની ભૂલોનો ભોગ બને, પ્રજા એવી ભૂલ સુધારવાની હોય તો જે-તે વિભાગના ધક્કા ખાતા-ખાતા પ્રજાની બેવડ વળી જાય.
પરંતુ જો કોઈ નેતા ફોન કરે તો ૨૪ કલાકમાં ઉપરોક્ત કામોનું પરિણામ આપી દે. પ્રજા જેને ચૂંટે છે તેઓએ પ્રજાના સેવક બનીને રહેવાનું હોય પરંતુ મૂર્ખતાની પરાકાષ્ઠા એવી ભારતની પ્રજાને નેતાઓ એક દિવસ બાપ બનાવશે અને પછી પાંચ વર્ષ પ્રજાને માંદાં મરઘાં બનાવી રાખશે. મોદી કહે તે દિવસે દિવાળી અને મોદી કહે તે દિવસે હોળી. પ્રજાના પૈસાના ટેકસ માંથી પગાર લઈને ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ અને વહાટ્સેપ છાપ ગટરની ગંદકી ખાઈને બનેલા અન્ધ ભક્તો શા માટે ન પૂછવું જોઈએ કે શું મોદી તમારા કોણ થાય છે?
સુરત – કિરણ સુર્યાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.