પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનું પોસ્ટમોર્ટમ થતું રહેશે પણ એમાં બોધપાઠ તો માત્ર કોંગ્રેસ માટે જ રહેવાનો. ૨૦૨૪ માટે ભાજપ માટે ફરી વિજય માટે રાહ આસાન બની ગયો છે પણ આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં મધ્યપ્રદેશનાં પરિણામો ગુજરાતની ૨૦૨૨ની ચૂંટણીની જેમ જ કલ્પનાતીત રહ્યાં છે. બંને રાજ્યોમાં ભાજપે કલ્પી હોય એ કરતાં વધુ બેઠકો ભાજપને મળી છે અને બંને રાજ્યોમાં ભાજપ અતિ મજબૂત બનતો જાય છે. ગુજરાતમાં ૧૯૯૦થી ભાજપ સત્તામાં રહેતો આવ્યો છે અને એ પછી એક પણ ચૂંટણી ભાજપ હાર્યો નથી અને ૨૦૨૨માં માધવસિંહ સોલંકીના કાલનો ઓલ ટાઈમ ૧૪૯ બેઠકોનો રેકર્ડ ભાજપે તોડી ૧૫૬ બેઠકો મેળવી અને સતત સાતમી ટર્મ માટે સતત મેળવી એક વિક્રમ સર્જી દીધો.
શું એવું જ મધ્યપ્રદેશમાં બનવા જઈ રહ્યું છે. ૧૮ વર્ષ ભાજપના શાસનનો સિલસિલો હવે આગળ વધી રહ્યો છે. શિવરાજસિંહ ચૌહાણ ચાર વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એમની આગેવાનીમાં ભાજપ ફરી જીત્યો છે. જો કે, એમને ભાજપે મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કર્યા નહોતા. પણ ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેટલોક તફાવત છે. ગુજરાત હિંદુત્વની લેબોરેટરી ગણાય છે. અહીં ભાજપે અનેક પ્રયોગો કર્યા છે અને મજાની વાત એ છે કે, નરેન્દ્ર મોદી અહીં લાંબો સમય શાસનમાં રહ્યા, પણ એમના કાર્યકાળમાં ભાજપની બેઠકો ઉત્તરોત્તર ઘટતી રહી હતી. પણ મોદી દિલ્હી ગયા બાદ ભાજપને વધુ ફાયદો થયો છે અને આજે ૧૫૬ બેઠકો સુધી વાત પહોંચી છે. એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ આ વેળા ભાજપને ફાયદો થયો છે.
મધ્યપ્રદેશમાં વિધાનસભામાં કુલ બેઠકોની વધઘટ થતી રહી છે. એક સમયે કોંગ્રેસે ૧૯૮૫માં ૩૨૦ બેઠકોમાંથી ૨૫૦ બેઠકો મેળવી હતી જે આજ સુધીનો રેકર્ડ છે અને ભાજપે ૧૯૯૦માં ૨૬૯માંથી ૨૨૦ બેઠકો મેળવી હતી એ ભાજપનો આજ સુધીનો રેકર્ડ છે. પણ નજીકનાં વર્ષોની વાત કરીએ તો ૨૦૧૩માં ભાજપને ૧૬૫ બેઠકો મળી હતી અને કોંગ્રેસને ૨૦૧૮માં ૧૧૪ બેઠકો મેળવી હતી. ભાજપનો વોટ શેર વધ્યો છે પણ કોંગ્રેસનો એટલો બધો ઘટ્યો નથી. અહીં ગુજરાત જુદું પડે છે. એક વેળાએ મધ્યપ્રદેશમાં કોન્ગ્રેસે ૫૦ ટકા મત મળ્યા હતા. આજે એ ઘટીને ૪૦.૪૦ ટકા થયા છે અને એ ગઈ ચૂંટણી કરતાં માત્ર અડધો તકો ઓછો છે પણ બેઠકોમાં ૪૮નો ઘટાડો થયો છે. જ્યારે ભાજપને વોટ શેર ૭.૫૩ ટકા વધ્યો છે અને બેઠકોમાં ૫૪નો વધારો થયો છે.
ગુજરાતમાં એક સમયે કોંગ્રેસને ૫૦ ટકા મત મળતા હતા. પણ આજે ભાજપનો વોટ શેર વધીને ૫૨.૫૫ ટકા થઇ ગયો છે જ્યારે કોંગ્રેસનો વોટ શેર તળિયે ગયો છે. એ ઘટીને ૨૭.૩ ટકા થઇ ગયો છે. એટલે કે ગઈ ચૂંટણી કરતાં ૧૪ ટકા ઘટ્યો છે. એનું કારણ છે,આપ. આપે ગઈ ચૂંટણીમાં ૧૩ ટકા મત મેળવ્યા હતા અને લગભગ એટલો કોંગ્રેસનો વોટ શેર એટલો જ ઘટ્યો છે અને ગુજરાતમાં લાંબા સમય બાદ કોઈ અન્ય પક્ષને ૧૩ ટકા મત મળ્યા.
મધ્યપ્રદેશમાં ચિત્ર બદલાયું છે. આ વેળા ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈનો ગજ વાગ્યો નથી. બસપાને એક પણ બેઠક મળી નથી અને એને માત્ર ૩.૪૦ ટકા મત મળ્યા છે જ્યારે આપ અને સપાને તો એક ટકાથી પણ ઓછા મત મળ્યા છે. હા, ગુજરાતની જેમ જ ભાજપે મધ્યપ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં વધુ બેઠક અને વોટ શેર મેળવ્યા છે. કોંગ્રેસને આદિવાસી પક્ષ સાથે બેઠક સમજુતી ના કરવાની ભૂલ ભારે પડી છે.
એક વાત નોંધપાત્ર છે કે, નરેન્દ્ર મોદીએ વિજયનો જશ કોઈ નેતાને આપવાનું ટાળ્યું છે અને જંગી બહુમતી છે એટલે ગુજરાતની જેમ મુખ્યમંત્રી માટે નવા ચહેરાની પસંદગીનો પ્રયોગ આગળ વધવાનો છે. અને હા, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવાનો પ્રયોગ પણ ગુજરાતથી શરૂ થયો હતો. જુનાગઢ મહાપાલિકાની પહેલી ચૂંટણીમાં જુનાગઢનાં જ સાંસદ ભાવના ચીખલીયાને મહાપાલિકા ચૂંટણી લડવા કહેવામાં આવ્યું હતું અને એ જીત્યા પણ હતાં. એ પછી આ રીતે અન્ય રાજ્યોમાં પણ સાંસદોને સ્થાનિક ચૂંટણીમાં ઉતારવાનું ભાજપે શરૂ કર્યું હતું. નરેન્દ્ર મોદી હવે આવતા વર્ષે કેટલાંક રાજ્યો અને લોકસભાની ચૂંટણીમાં કેવા પ્રયોગો કરે છે એ રસપ્રદ બનશે.
‘ઇન્ડીયા’માં એક સૂર સધાશે?
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો પછી કોંગ્રેસની ઇન્ડીયા આગેવાનીની દાવેદારીમાં ઘટાડો થશે અને જે રીતે ૬ ડિસેમ્બરની બેઠક મુલતવી રાખી અને હવે આ મહિનાને અંતે એ બેઠક મળશે એ દર્શાવે છે કે, કોંગ્રેસનું મહત્ત્વ ઘટવાનું છે. જો કે, નીતીશકુમારે સંકેત આપ્યો છે કે આવતી બેઠકમાં બેઠક સમજુતી મુદે્ વાત થશે. એમની વાત સાચી છે કે, હવે લોકસભાની ચૂંટણી માટે સમય ઓછો બાકી રહ્યો છે. બહુ ઝડપથી ઇન્ડીયા દ્વારા કામગીરી કરવી પડશે. પણ જે રીતે આ મોરચામાં અલગ અલગ સૂર જોવા મળી રહ્યો છે એનાથી લાગે છે કે, બેઠક સમજુતીમાં ઘણા પેચ પડવાના છે. ઇન્ડીયા એકજુટ ના બને તો શું ત્રીજો મોરચો ઊભો થશે? એવા પ્રશ્નો પણ પૂછવા લાગ્યા છે. અત્યારની સ્થિતિએ તો લાગે છે કે, આ સંઘ કાશીએ પહોંચે એવું જણાતું નથી. હા, કોંગ્રેસ મોટું હ્રદય રાખી આગળ વધે તો વાત જુદી છે. ઇન્ડીયાનો ચહેરો કોણ બને એ ય હજુ નક્કી થયું નથી. આ વિમાસણ ચાલતી રહેવાની અને એટલો ફાયદો ભાજપને થવાનો. કારણ કે એમની પાસે નરેન્દ્ર મોદી છે.
ગુજરાતમાં વાયબ્રન્ટ સમીટ સફળ થશે?
ગુજરાતમાં રાજકીય હલચલ ઘટી છે, પણ આવતા વર્ષના પ્રારંભે વાયબ્રન્ટ સમીટ યોજાઈ રહી છે એની તડામાર તૈયારી શરૂ થઇ છે. ૨૦૦૩થી નરેન્દ્ર મોદીએ એની શરૂઆત કરી અને આ ૧૦મી સમીટ છે. સમીટનાં ૨૦ વર્ષ થયાં છે. આ સમીટથી ગુજરાતને ફાયદો થયો છે. ઘણા મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતમાં રોકાણ વધ્યું છે. પણ આ દસમી સમીટ કેટલી સફળ થશે એ અંગે ચર્ચા છે. આ વેળા ૧૬ રાજ્યો પાર્ટનર બન્યાં છે અને એમાં યુકે , જાપાન , ઓસ્ટ્રેલિયા , યુએઈ જેવા દેશો પણ છે.
અને ૧૪ દેશોનાં વ્યાપારી સંગઠનો પણ જોડાયાં છે. પણ આ સમીટ માટે અગાઉ જેટલો ઉત્સાહ જોવા મળતો નથી. ભાગીદાર દેશો ઘટ્યા છે અને ભાગીદારી માટે ગુજરાતે બહુ પ્રયત્ન કરવા પડ્યા છે. સંગઠનોને સામેથી આમંત્રણ આપી મનાવાયાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ અન્ય રાજ્યો અને વિદેશોમાં જઈ પ્રચાર તો કર્યો છે પણ અગાઉ જેવો પ્રતિભાવ મળ્યો નથી. એટલે આ વેળા કેવી સફળતા મળે એ પ્રશ્ન પુછાઈ રહ્યો છે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.