Comments

લદાખનો ચૂંટણીઢંઢેરો એટલે અગસ્ત્યના વાયદા? ના

એક સમયે ‘વિવિધતામાં એકતા’ આપણા દેશની ઓળખ ગણાતી, જેમાં ભૌગોલિક અને તેને કારણે સામાજિક વૈવિધ્યનો સમાવેશ થતો હતો. ભૌગોલિક વૈવિધ્ય કુદરતી છે, અને તે પ્રાપ્ત કરવામાં કશા પ્રયત્નની જરૂર નથી, જ્યારે સામાજિક વૈવિધ્ય હોવા છતાં એકતા જાળવવી પ્રયત્ન માગી લેતું કામ છે. ‘વિવિધતામાં એકતા’નું સૂત્ર બોલવામાં લાગે એટલું સરળ અને આકર્ષક નથી. એક વાર રાજકારણ અને રાજકારણીઓ આ ક્ષેત્રમાં પ્રવેશ કરે એટલે વિશેષતા ગણાતી આ બાબત શૂળ બની રહે છે.

લેહમાં એકવીસ દિવસના ઉપવાસ સંપન્ન કરનાર સોનમ વાંગ્ચૂકે પાંચેક વર્ષ અગાઉ લદાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ પાડીને કેન્‍દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો ત્યારે સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. અલબત્ત, આટલા સમયમાં તેમનું ભ્રમનિરસન થઈ ગયું, અને સરકારને પોતાના વાયદા યાદ અપાવવા માટે તેમણે અત્યંત વિપરીત વાતાવરણમાં ઉપવાસ આદર્યા.

તેમની માગણી સમજવા જેવી છે. અગાઉ સરકારે લદાખમાં અનુસૂચિ 6ને અમલી બનાવવાનો વાયદો કર્યો હતો. સરકાર પોતાના આ વાયદાનો અમલ કરે એટલી જ સોનમ સહિત સૌ લદાખવાસીઓની માગણી છે. પોતે જ આપેલા વાયદાનો અમલ કરવામાં સરકાર શા માટે પાછીપાની કરી રહી છે એ સમજવા માટે અનુસૂચિ 6ની જોગવાઈ જાણવી જરૂરી છે.
બંધારણની છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત કેટલાંક રાજ્યોની જનજાતિઓના અધિકારોના રક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે. આ રાજ્યોમાં હાલ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ છે.

આ રાજ્યોમાં જનજાતીય વિસ્તારોને સ્વાયત્ત જિલ્લાનું સ્વરૂપ અપાયું છે અને પ્રત્યેક સ્વાયત્ત જિલ્લામાં એક જિલ્લા પરિષદની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ત્રીસથી વધુ સભ્ય હોતા નથી. આ જિલ્લા પરિષદોને કાનૂન બનાવવાનો અધિકાર અપાયેલો છે. ખાસ કરીને જમીન, જંગલ, નહેરનું પાણી, ખેતી, ગ્રામ પ્રશાસન, સંપત્તિનો વારસો, લગ્ન અને છૂટાછેડા, સામાજિક રીતરિવાજ વગેરે અંગેના કાનૂન તે બનાવી શકે છે. અલબત્ત, રાજ્યપાલની અનુમતિ વિના આ કાનૂન અમલી બની શકતા નથી. જિલ્લા પરિષદ અને ક્ષેત્રીય પરિષદને જિલ્લામાં પ્રાથમિક વિદ્યાલય, ઔષધાલય, બજાર, તળાવ, મત્સ્ય પાલન, સડકમાર્ગ, સડક પરિવહન તેમજ જળમાર્ગની સ્થાપના, નિર્માણ કે સારસંભાળની સત્તા પણ આપવામાં આવેલી છે.

આવી સ્વાયત્તતાની જોગવાઈ જે તે પ્રદેશની આદિજાતિ અને તેની સંસ્કૃતિની જાળવણી માટે ખાસ કરવામાં આવી છે. સમુદ્રતટથી અગિયારેક હજાર ફીટની ઊંચાઈએ વસેલો લદાખ પ્રદેશ સાવ અલાયદી સંસ્કૃતિ ધરાવે છે. આ પ્રદેશની જૈવપ્રણાલિ અતિ વિશિષ્ટ છે. સાવ સૂકા અને રેતાળ પર્વતો વચ્ચેથી ફૂંકાતો હિમપવન ગાત્રો થિજાવી દે એવો હોય છે. અહીંના પર્વતો અનેક પ્રકારનાં ખનીજોને સાચવીને સદીઓથી ઊભેલા છે. અલબત્ત, અહીંનું ભૂપૃષ્ઠ અતિ નાજુક અને સંવેદનશીલ કહી શકાય એવું છે. સ્વાભાવિકપણે જ સ્થાનિકોને મન તેનું આગવું મૂલ્ય છે, તેની જાણકારી છે, અને એટલે જ એ અંગેની ફિકર છે.

સોનમ વાંગ્ચૂક સહિત અનેક સ્થાનિકોને ડર છે કે આ પ્રદેશમાં એક વાર ખાનગી ઉદ્યોગસાહસિકો પ્રવેશ કરશે એટલે તેમનું એક માત્ર લક્ષ્ય માત્ર ને માત્ર નાણાં ઉસેટવાનું હશે. હાલ આમ પણ વધુ પડતા પ્રવાસનને કારણે લદાખ પ્રદેશ પર, ખાસ કરીને તેના લેહ જેવા મુખ્ય શહેર પર વિપરીત અસર થઈ રહી છે. તેને લઈને આર્થિક તકો ઊભી થઈ છે, પણ સામે પર્યાવરણનો ભોગ લેવાઈ રહ્યો છે, જે કોઈ પણ રીતે ભરપાઈ થઈ શકે એમ નથી. વાંગ્ચૂકે એમ પણ કહ્યું છે કે લદાખને કેન્‍દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરીને અહીંના પર્વતોને ઔદ્યોગિક લૉબી અને ખનન કંપનીઓને વેચી મારવાની ચાલ હતી એમ લદાખવાસીઓને લાગી રહ્યું છે.

‘વિકલ્પ સંગમ’ નામના હિમાલયના પર્યાવરણને સમર્પિત જૂથના જણાવ્યા અનુસાર કોર્પોરેટ દૈત્યોએ વ્યાવસાયિક તકો માટે આ વિસ્તારને ખૂંદવાનું શરૂ કરી દીધું છે, જેમાં ખનીજો અને અન્ય પ્રાકૃતિક સ્રોતના ખનન ઉપરાંત પ્રવાસનનો સમાવેશ પણ થાય છે. કેટલાક રોડ તેમજ અન્ય આવશ્યક માળખાકીય સવલતો જરૂરી છે, પણ જે રીતે વિશાળ સ્તરે આ કાર્યવાહી થઈ રહી છે એ જોતાં જાણાય છે કે તે લદાખના લોકોના લાભ માટે ઓછું, અને વ્યાવસાયિકોના લાભાર્થે વધુ છે. જેમ કે, અહીં વીસ લાખ મુલાકાતીઓની ક્ષમતા ધરાવતું હવાઈમથક નિર્માણાધીન છે. લદાખની વસતિ કરતાં આ સંખ્યા છએક ગણી છે. એક મહાકાય સૌર ઉર્જા પ્રકલ્પ અતિ સંવેદનશીલ ગણાતા ચંગથાંગનાં ગોચરની વીસ હજાર જમીનને હડપી જશે. આ વિસ્તાર ભૌગોલિક રીતે એટલે કે અહીંની જૈવપ્રણાલિની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ છે. આ રીતે સૌ કોઈ વ્યાવસાયિકો માટે લદાખના દરવાજા ખુલ્લા મૂકી દેવાયા તો લદાખને જે નુકસાન થશે એ કદી ભરપાઈ નહીં થઈ શકે.

આ તમામ ઘટનાઓથી કેટલીક બાબતો નીચેની લીટી વધુ ગાઢ થાય છે. એક તો એ કે ચૂંટણીઢંઢેરામાં અપાયેલા વચનનું કશું મૂલ્ય નથી. એને ‘અગસ્ત્યનો વાયદો’ ગણાવી શકાય. અલબત્ત, અગસ્ત્યે પોતાનો વાયદો ન પાળવાનું કારણ તેમના હૈયે વસેલી જનહિતની વ્યાપક ભાવના હતી. પોતે જ અનેક વાર આપેલા વાયદાનું પોતે જ પાલન ન કરવું, એટલું જ નહીં, તેના વિશે હરફ સુદ્ધાં ન ઉચ્ચારવો એ સૂચવે છે કે દાળમાં કંઈ કાળું નથી, પણ આખેઆખી દાળ જ કાળી છે. દેશના વિવિધ ભાગને કેવળ ‘મતબૅન્‍ક’ તરીકે જોવામાં આવે છે, અને ત્યાં પોતાના પક્ષની સરકાર રચાય એ જ મુખ્ય હેતુ હોય છે.

નક્કર કામ કરવાનો દેખાડો કરવામાં આવે ત્યાં કામ થતું દેખાય છે ખરું, પણ તે કોના હિતાર્થે થઈ રહ્યું છે એ સત્ય ઢંકાઈ જાય છે. આથી જ વ્યાપક દેશહિતની વાત સત્તાપક્ષ દ્વારા કરવામાં આવે ત્યારે એમ જ લાગે છે કે એ લોકોનું ધ્યાન બીજી તરફ આકર્ષી રાખવાની પુરવાર થયેલી પદ્ધતિ છે. લદાખમાં યોગ્ય પગલાં વેળાસર લેવામાં નહીં આવે તો એ કદી સુધારી ન શકાય એવી માનવસર્જિત ભૂલ બની રહેશે, જેનાં માઠાં પરિણામ ભોગવવાનાં આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top