ગુરુવારની મારી કોલમમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ વિશેના વિવાદને લઈને ત્રણ મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. પહેલો એ કે કાશ્મીરમાં કેટલાક કાશ્મીરી મુસલમાનોએ હિંદુ પંડિતો સાથે અન્યાય અને અત્યાચાર કર્યા હતા તો ૨૦૦૨માં ગુજરાતમાં કેટલાક ગુજરાતી હિંદુઓએ મુસલમાનો સાથે શું પ્રેમ કર્યો હતો? એ બે ઘટનાઓ વચ્ચે તસુભાર પણ ફરક નથી. એક વાત ઉમેરવી જોઈએ કે બન્ને સ્થળે “કેટલાંક” મુસલમાનોએ અને “કેટલાંક” હિંદુઓએ શરમજનક કૃત્ય કર્યાં હતાં અને “કેટલાંક” મુસલમાનો અને “કેટલાક” હિંદુઓએ લજ્જાસ્પદ ઘટનાઓને મુક સમર્થન આપ્યું હતું. બધાએ નહીં, કેટલાકે. દેશમાં છેલ્લા આઠ વરસથી ભડવીરોની સરકાર છે અને એમાં પણ હિંદુહિતની વાત આવે ત્યારે તો કપરાં ચઢાણ હોય તો પણ ચઢી જવા તત્પર શાસકો છે. આ ઉપરાંત હિંદુહિત માટે જાન કુરબાન કરતા અચકાય નહીં એવા હિન્દુત્વવાદી સ્વયંસેવકો છે. એ પણ થોડાઘણાં નહીં, લાખોની સંખ્યામાં. આઝાદી માટેની લડત વખતે તેમણે એટલા માટે કુરબાની નહોતી આપી કે ભવિષ્યમાં વખત આવ્યે મુસલમાનોની દાદાગીરી રોકવા કુરબાની આપી શકાય. હવે વખત આવી ગયો છે. આ હું નથી કહેતો, એ લોકો જ કહે છે. તેમના દાવા મુજબ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટે કુરબાન થવાનો સમય આવી પૂગ્યો છે.
હવે એક સાધારણ પ્રશ્નનો જવાબ આપો કે દેશમાં ૫૬ ઈંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદીની સરકાર રચાયા પછી કેટલા પંડિતો કાશ્મીરની ખીણમાં પોતાના વતન પાછા ફર્યા? જવાબ છે એક પણ નહીં. અને નથી ફર્યા તો શા માટે નથી ફર્યા? શા માટે હિંદુ રાષ્ટ્રને વરેલા શાસકો પંડિતોને સમજાવી નથી શકતા કે ખીણમાં પોતાના વતન પાછા ફરો અમે બેઠા છીએ. ઉલટું જે થોડા પંડિતો ખીણમાં હતા એ પણ આ આઠ વરસ દરમ્યાન અને એમાં પણ ખાસ કરીને ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાં બંધારણીય સુધારા કર્યા પછી ખીણ છોડીને જતા રહ્યા છે. શા માટે પંડિતો ભયમુક્ત નથી અને શાસકો તેમને ભયમુક્ત કરાવી શકતા નથી?
બીજો એવો જ એક સાધારણ સવાલ. કેટલા દેશપ્રેમીઓ અથવા હિંદુ રાષ્ટ્રવાદીઓ કાશ્મીરમાં જઇને કારોબાર કરવા અને વસવા આગળ આવ્યા છે? કાશ્મીરનો ખાસ દરજ્જો છીનવી લઈને ધગધગતા હિંદુ રાષ્ટ્રવાદી હિંદુઓ માટે સરકારે વસવાટની સુવિધા કરી આપી છે. આખરે કાશ્મીરની ખીણમાં વસ્તીનું પ્રમાણ બદલાશે નહીં ત્યાં સુધી કાશ્મીર હિંદુ કાશ્મીર બનવાનું નથી. કાશ્મીર તો હિંદુ ભારતનો મુગટ છે અને મુગટ બચાવવા આગળપાછળ વિચારવાનું હોય! આ પ્રશ્નનો પણ જવાબ છે; એક પણ નહીં. જગતના ઇતિહાસનું એક ક્રૂર પ્રકરણ એમ કહે છે કે જે પ્રદેશમાં લાભ દેખાય એ પ્રદેશને કબજે કરવા શાસકો બહારથી ગરીબ-ગુરબાંઓને ત્યાં વસવાટ કરવા ધકેલે છે. પરાણે અથવા તેમની મજબુરીનો લાભ લઈને. આ દ્વારા લોકવસ્તીનું પ્રમાણ અને સંતુલન બદલાય છે અને ધીરેધીરે સ્થાનિક પ્રજા બહુમતી ગુમાવે છે. એ લાચાર લોકો ઘેટાંબકરાંની જેમ વધેરાય તો કશો ફરક પડતો નથી. ધે આર ચિલ્ડ્રન ઑફ અ લેસર ગૉડ. કાયમ આમ થતું આવ્યું છે, આ કોઈ નવી વાત નથી. કાળા ગુલામોને અને ભારતના ગિરમિટિયાઓને વહાણમાં ભરીભરીને અજાણ્યા પ્રદેશોને કબજે કરવા મોકલવામાં આવતા હતા. બાકી જે લોકો ઈતિહાસ વાગોળે છે, રડે છે, રડાવે છે, છાતી પીટે છે, લલકારે છે એ પોતે કુરબાન થવા જતા નથી.
અહીં ઇઝરાયેલની સ્થાપના ટાણે થયેલી ચર્ચાની યાદ આવે છે. યહૂદીઓ માટે ઇઝરાયેલની સ્થાપનાને ગાંધીજીએ ટેકો આપવો જોઈએ એવી યહૂદી નેતાઓએ માંગણી કરી હતી. ગાંધીજીએ ત્યારે કહ્યું હતું કે પેલેસ્ટાઇન યહૂદીઓનું મૂળ વતન છે એ વાત સાચી, પણ ઝૂરાપો કઈ વાતનો છે? વતન માટેનો કે ધર્મ માટેનો? ધર્મ તો તમારી પાસે છે જ અને જો વતન માટેનો ઝૂરાપો હોય તો પેલેસ્ટેનિયન બનીને પેલેસ્ટાઇનમાં જઇને વસો, ધર્મને પાછળ રાખો. અનુબંધ પેલેસ્ટેનિયન હોવાનો વિક્સાવશો તો એક દિવસ બનશે કે પેલેસ્ટેનિયન મુસ્લિમ ધીરે ધીરે પેલેસ્ટેનિયન યહૂદીને સ્વીકારશે. પણ યહૂદી નેતાઓને તો યહૂદી બની રહીને અને તેને પહેલી ઓળખ બનાવી રાખીને ઇઝરાયેલ સ્થાપવું હતું જેનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો. આજે ઇઝરાયેલ જો ટકી રહ્યું છે તો લશ્કરના ભરોસે ટકી રહ્યું છે, પ્રજાકીય પ્રયાસ દ્વારા નહીં. આને શું રાષ્ટ્ર કહેશો?
એજન્ડાનો લાભ તો એ લે છે જે એને લાગુ કરે છે. એ પોતે ક્યારેય જોખમ ઉઠાવતા નથી, શહીદી તો બહુ દૂરની વાત છે. ઇઝરાયેલ રાષ્ટ્ર અને કાશ્મીર રાજ્ય બન્ને લશ્કર દ્વારા સંભાળી રાખવામાં આવતા ગૅરિસન સ્ટેટ છે. જે સલાહ ગાંધીજીએ યહૂદી નેતાઓને આપી હતી એ કાશ્મીરના પંડિતોને પણ લાગુ પડે છે. ઝૂરાપો કઈ વાતનો છે? માદરે વતનનો કે હિંદુ હોવાનો? કાશ્મીરી મુસલમાન કાશ્મીરી હિંદુને એક દિવસ સ્વીકારશે પણ હિંદુ કાશ્મીરીને નહીં સ્વીકારે. બીજો મુદ્દો એ છે કે નિદાન તો કર્યું, ઈલાજનું શું? જો કોઈ ઈલાજ ન હોય, અથવા ઈલાજ લાગુ કરી શકાય એમ ન હોય તો રોકકળ કરવાનો અને છાતી પીટવાનો શો અર્થ? તમને ખબર છે?
હિંદુઓને જેટલું નુકસાન અંગ્રેજો અને યુરોપિયનોએ પહોંચાડ્યું છે એટલું મુસલમાનોએ નથી પહોંચાડ્યું. આક્રમણકારી મુસલમાનોએ કાયમ માટે ભારતને પોતાનાં વતન તરીકે સ્વીકાર્યું હતું, તેઓ નફો અને ભારત ઉપરના કબજાનો લાભ પોતાને વતન નહોતા મોકલતા. તેમણે ભારતની કૃષિવ્યવસ્થાને બદલીને દેશની ગ્રામવ્યવસ્થા તેમ જ સમાજવ્યવસ્થાને બદલી નાખ્યાં. જે પ્રજાએ ભારતને ક્યારેય પોતાનું વતન નહોતું માન્યું એ પ્રજાએ છેક નીચે સુધી અંતરિયાળ ભારતમાં ગામડાં અને જંગલ સુધી પહોંચીને કુઠારાઘાત કર્યો હતો. મુસલમાનોએ તો આવું કશું નહોતું કર્યું! તેમણે આપણી ભાષા બદલી નાખી, પહેરવેશ બદલી નાખ્યો, શિક્ષણ બદલી નાખ્યું, વિચાર બદલી નાખ્યાં એમ શું નથી બદલ્યું. ઉપરથી ચાર ચીજ કરી. એક પ્રજા પ્રજા વચ્ચે વિખવાદ પેદા કર્યો. બે, પ્રજાની અંદર લઘુતાગ્રંથિ પેદા કરી, ત્રણ ૧૮૫૭ના વિદ્રોહ પછી પ્રજાનો આત્મવિશ્વાસ જ ખતમ કરી નાખ્યો અને પ્રજાને ભયભીત કરી મૂકી.
હિંદુ અને મુસલમાન બન્નેને એમ લાગવા માંડ્યું હતું કે અંગ્રેજો અને યુરોપિયનો અસાધારણ શક્તિશાળી અજેય પ્રજા છે. યાવદચન્દ્ર દીવાકરો આપણે અંગ્રેજોને માલિક તરીકે સ્વીકારી લીધા હતા. અને ચાર, ભારતને આર્થિક રીતે એટલું કંગાળ કરી મુક્યું હતું કે ભાગ્યે જ કોઈ દાયકો ભૂખમરા (ફ્રેમા) વિના જતો હતો. આ સિવાય મિશનરીઓએ મોટા પ્રમાણમાં ધર્માંતરણ કરાવ્યાં. લગભગ આખું ઇશાન ભારત અને જંગલોમાં વસતી પ્રજા ખ્રિસ્તી છે. આની સામે મુસલમાનોએ હિંદુઓનું કરેલું કહેવાતું અહિત કોઈ વિસાતમાં નથી. પણ તમે કોઈ હિંદુ રાષ્ટ્રવાદીને જોયો જે ખ્રિસ્તી યુરોપિયનોના અત્યાચાર અને અન્યાયને યાદ કરીને રડતો હોય કે છાતી પીટતો હોય! જેણે હિંદુઓને વધારે નુકસાન પહોંચાડ્યું એના વિષે વાત પણ કરવામાં નથી આવતી અને જેમણે તુલનામાં હિંદુઓનું ખાસ બગાડ્યું એના વિષે ચોવીસે કલાક પ્રજાને ડરાવવા અને રડાવવામાં આવે છે.
કારણ બહુ સ્પષ્ટ છે. પાડોશમાં મુસલમાન વસે છે, અંગ્રેજ કે યુરોપિયન નહીં. જો અંગ્રેજોએ ભારતને વતન તરીકે સ્વીકાર્યું હોત અને પાડોશમાં રહેતો હોત તો તેનો મુસલમાનની જેમ જ ઉપયોગ કરત, પણ એ તો જતો રહ્યો તો શું કામનો? પાડોશીનો ડર બતાવી શકાય, પાડોશીના કુકર્મો યાદ કરીને અને ન જડે તો પેદા કરીને રડાવી શકાય, છાતી કુટી અને કુટાવી શકાય, પણ જે જતો રહ્યો એ શું કામનો? તો ખપ પાડોશીનો છે, ધર્મનો નથી. પણ મોહનદાસ ગાંધી એક નોખી માટીનો નીકળ્યો. તેમણે ભારતની પ્રજાને અંગ્રેજોના કુકર્મો યાદ કરાવી કરાવીને ડરાવવા અને રડાવવાની જ્ગ્યાએ ઈલાજ શોધ્યા. પ્રજાની અંદર આત્મવિશ્વાસ પેદા કર્યો. તેમની અંદરનો ભય દૂર કર્યો.
ભારતના વિભાજન વખતે જ્યારે કત્લેઆમ ચાલતી હતી ત્યારે મૃદુલા સારાભાઈ, કમળાબહેન પટેલ, સુશીલા નાયર જેવી મહિલાઓને હોમાઈ જવા અત્યારના પાકિસ્તાનના પંજાબમાં મોકલી હતી. જ્યારે ભદ્રવર્ગના લોકો પોતાનાને છોડીને નાસી જતા હતા, વિશ્વાસઘાત કરતા હતા ત્યારે આ બહાદુર મહિલાઓએ ડગ્યા વિના મોરચો સંભાળ્યો હતો. તેમણે રડતા નહોતું શીખવ્યું, ખપી જતાં શીખવ્યું હતું. અંગ્રેજો ભારતની પ્રજાને અંદરોઅંદર લડાવતા હતા તો તેના ઈલાજરૂપે ગાંધીજીએ પ્રજાકીય એકતા સ્થાપવા પ્રયાસ કર્યા હતા. અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને ખતમ કરી નાખ્યું તો ગાંધીજીએ તેનો ઈલાજ બતાવતા ખાદી, ગ્રામોદ્યોગ, સ્વદેશીભાવના અને વિદેશી માલના બહિષ્કારના કાર્યક્રમો લાગુ કર્યા હતા. ગાંધીજીએ અંગ્રેજી સામે ભારતીય ભાષાઓનું ગૌરવ વધાર્યું હતું. ગાંધીજીનું સમગ્ર જીવન જોઈ જાઓ, એમાં ઈલાજ વિનાનો ઊહાપોહ જોવા નહીં મળે. ઈલાજ કોઈ વાતનો નહીં અને સતત પ્રજાને ડરાવતા રહેવું અને રડાવતા રહેવું એ પુરુષાર્થ છે? ગાંધીજીએ પુરુષાર્થી ભારતીય પેદા કર્યો હતો અને માટે ગાંધી મરતો નથી અને મરવાનો નથી. હાય હાય આપણી સાથે કેવું થયું એમ કહીને છાતી કૂટનારો એ માણસ નહોતો.