ઋત્વિક રોશનની વળી એક પ્રેમકહાણી ચર્ચામાં છે. સબા આઝાદ સાથે તે એક હોટલમાંથી બહાર નીકળતો જણાયો અને ચર્ચા શરૂ થઇ. ઋત્વિક કે સબાએ તેમના વિશેની ચર્ચાને નકારી નથી. સબાને એક પત્રકારે પૂછયું તો કહ્યું કે પછી જવાબ આપું છું અને પછી જવાબ જ ન આપ્યો. ‘દિલ કબડ્ડી’ ફિલ્મમાં પહેલી વાર આવ્યા પછી સબા જાણે દિલ બાબતે કબડ્ડી રમવા માંડી છે. સબા 32 વર્ષની છે અને ગાયિકા- અભિનેત્રી છે. સફદર હાશ્મી નામના ચળવળકાર-નાટક અભિનેતા-દિગ્દર્શકની તે ભત્રીજી છે.‘મુઝસે ફ્રેન્ડશીપ કરોગે’ ફિલ્મમાં ય તે અગિયાર વર્ષ પહેલાં આવી હતી અને પછી ‘લેડીઝ રૂમ’નામની વેબ સિરીઝમાં તે ડિન્ગોના પાત્રમાં દેખાયેલી.બેએક શોર્ટ ફિલ્મમાં હમણાં અભિનય કર્યા પછી હિન્દી-ઇંગ્લિશ સિરીઝ ‘રોકેટ પોયઝ’માં તે પરવીન ઇરાનીનું પાત્ર ભજવી રહી છે. જો કે આમાંની એક પણ ફિલ્મમાં તેની સાથે ઋત્વિક રોશન નથી. ઋત્વિક સામાન્યપણે તેના અંગત સંબંધો જાહેર થવા દેતો નથી પણ આ વખતે થયા છે તે એમ માનવું કે તે પોતે પણ સબા સાથેના સંબંધને સ્વીકારી ચૂકયો છે.
સુશાન ખાન સાથે છૂટા થયાને સાત વર્ષ થઇ ચૂકયા છે. કંગના રણૌત સાથે તેને કેવો સંબંધ હતો તેનો ખુલાસો તેણે કયારેય કર્યો નથી.બે સંતાનો હિદાન અને રિહાનનો પિતા આ 10 મી જાન્યુઆરીએ જ 48 વર્ષનો થયો છે. એટલે કે સબા તેનાથી 16 વર્ષ નાની છે. જો પ્રેમ જ હોય તો ઉંમરનો ફરક જોવાતો નથી કે ઋત્વિકને બે બાળકો છે તે પણ સબા જોશે નહીં. ફિલ્મજગતમાં સંતાનોને ઘણી વાર તેમના મા યા બાપના બીજા કે ત્રીજા લગ્ન વખતે એકલાં પડવાનું આવે જ છે. આમીર ખાન, મલાઇકા અરોરા, સૈફ અલી ખાન સહિત અનેકે લગ્નસંબંધ તોડયા ત્યારે એવું બન્યું જ છે તો ઋત્વિકના દાખલામાં ય એવું બનશે. અત્યારેય તેનાં બન્ને સંતાનો એક સાથે મા-પિતા સાથે તો નથી જ રહેતાં ને! સબા આઝાદનું નામ આમ તો સબા સીંઘ ગ્રેવાલ હતું તેમાંથી તે સબા આઝાદ થઇ છે. આઝાદ એટલે મુકત એટલે હવે તેને ઋત્વિક સાથે સંબંધ હોય તો પણ કોણ કહેવાનું? તે આ અગાઉ ઇમાદ શાહ નામના સંગીતકાર-અભિનેતા સાથે સંબંધ બાંધી ચૂકી છે.‘નૌટેકી સાલા’ માટે ‘ધક ધક કરને લગા’,‘ડિટેકટિવ વ્યોપકેશ બક્ષી’ માટે ‘કલકત્તા કિસ’,‘શાનદાર’ ફિલ્મ માટે ‘નીંદ ના મુઝકો આયે’ ગાઇ ચૂકેલી સબા હવે કદાચ ઋત્વિક માટે કહી રહી છે કે ‘નીંદ ન મુઝકો આયે!’ બધા હવે ઋત્વિકની પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યાં છે. જો કે તે એવી પ્રતિક્રિયાથી બચશે પણ હવે તેણે સ્પષ્ટ થવું જોઇએ. તેની અનિર્ણયની માનસિકતાને કારણે કંગના વિશે સ્પષ્ટ થયો નહોતો અને સુશાન પણ છૂટા થયા પછી ઋત્વિકને મળે છે.