Editorial

ચીન તાઇવાન પર હુમલાની તૈયારી કરી રહ્યું છે?

રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, કોરિયન ક્ષેત્રમાં પણ તનાવ ખૂબ વધી ગયો છે એવા સમયે ચીની પ્રમુખ ઝી જિનપિંગે એક નવું યુદ્ધ શરૂ થવાના સંકેત આપીને ચિંતાનો માહોલ ઉભો કરી દીધો છે. ઝી જિનપિંગે જણાવ્યું છે કે ચીન તેની લશ્કરી તાલીમ મજબૂત બનાવશે અને કોઇ પણ યુદ્ધ માટે તૈયાર રહેશે. જિનપિંગની આ જાહેરાત એવો ભય ઉભો કરી રહી છે કે ચીન તાઇવાન પર હુમલો કરી શકે છે.

વિશ્વમાં બીજા ક્રમનું સૌથી શક્તિશાળી લશ્કર ધરાવતું ચીન થોડા સમય પહેલા જ ધમકી આપી ચુક્યું છે કે જો જરૂર જણાશે તો તે તાઇવાનને પોતાની સાથે જોડી દેવા માટે બળનો ઉપયોગ પણ કરશે. તાઇવાન પોતાનો જ ભાગ હોવાનો દાવો ચીન કરી રહ્યું છે અને તેણે અનેકવાર કહ્યું છે કે તાઇવાનને હવે ચીનની સાથે જોડી દેવામાં આવશે. હવે ચીની પ્રમુખે યુદ્ધની તૈયારીની વાત કરતા તેને વિશ્લેષકો એ રીતે જોઇ રહ્યા છે કે ચીન હવે તાઇવાન પર હુમલાની તૈયારી કરી રહ્યું છે. જિનપિંગે જો કે કયા યુદ્ધની તૈયારી એનો ફોડ પાડ્યો નથી પણ હાલના સંજોગો જોતા તાઇવાન સાથેના યુદ્ધની અટકળો જ વધુ થઇ રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ચીની પ્રમુખ જિનપિંગ તાઇવાન અંગે આક્રમક સૂરોમાં બોલી રહ્યા હતા ત્યાં હાલ થોડા સપ્તાહો પહેલા જ અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ તાઇવાનની મુલાકાત લીધી. કોઇ પણ અમેરિકી પદાધિકારીએ તાઇવાનની મુલાકાત લેવી જોઇએ નહીં કારણ કે તે તાઇવાનને એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા સમાન ગણાશે એવા ચીનના દાવા વચ્ચે પેલોસીએ તાઇવાનની ધરાર મુલાકાત લીધી, તેના પછી તાઇવાનીઝ ક્ષેત્રમાં તનાવ ખૂબ વધી ગયો. ચીને તાઇવાનની નજીક મોટી લશ્કરી કવાયત યોજી.

તાઇવાને પણ નાના પાયે કવાયત કરી. તનાવ માંડ શાંત થયો ત્યાં ગયા મહિને ચીનના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાનું અધિવેશન મળ્યું જેમાં ઝી જિનપિંગને ચીની પ્રમુખ તરીકેની ત્રીજી ટર્મ આપવામાં આવી, અને હવે તેઓ આજીવન પ્રમુખ રહી શકે તેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. માઓ પછી તેઓ આવો વિશેષાધિકાર મેળવનાર બીજી વ્યક્તિ બન્યા છે. વધુ બળુકા બનેલા ચીની પ્રમુખે અધિવેશનમાં આક્રમક સૂર કાઢ્યા અને લશ્કરને મજબૂત કરવાની વાત કરી. હવે તેમણે પોતાના નવા નિવેદનમાં યુદ્ધની તૈયારીની પણ વાત કરી છે. ચીન સંપૂર્ણલક્ષી રીતે તેની લશ્કરી તાલીમ મજબૂત કરશે અને કોઇ પણ યુદ્ધ માટેની તૈયારી કરશે એ મુજબ ચીની પ્રમુખે જણાવ્યું હોવાનું ચીનના સરકારી પ્રસારક સીસીટીવીએ જણાવ્યું હતું.

જિનપિંગની આ ચેતવણી એના પછી આવી છે જ્યારે તેમણે ગયા મહિને ઝડપી લશ્કરી વિકાસ માટે હાકલ કરી હતી અને ટેકનોલોજીમાં આત્મનિર્ભર અને મજબૂત બનવા હાકલ કરી હતી. નિષ્ણાતો કહે છે કે ચીની પ્રમુખની ટિપ્પણીઓ ખૂબ ચિંતાજનક છે અને પશ્ચિમી જગતે તેમના શબ્દોને ગંભીરતાથી લેવા જોઇએ અને ચીની નેતાને તાઇવાન પર હુમલો કરતા અટકાવવા માટે તમામ જરૂરી સાધનોનો ઉપયોગ કરવો જોઇએ. એક પશ્ચિમી ઉચ્ચ લશ્કરી અધિકારીએ અંદાજ મૂક્યો છે કે ચીન આ વર્ષના અંતે કે ૨૦૨૩માં તાઇવાન પર હુમલો કરી શકે છે.

અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને પણ ગયા મહિને આવી અટકળોને ટેકો આપ્યો હતો જ્યારે તેમણે કહ્યું હતું કે તાઇવાનને પાછુ લેવા માટેની ટાઇમલાઇન ચીન ઝડપી બનાવી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી જ રહ્યું છે અને તેની ગંભીર અસરો પશ્ચિમી દેશોને થઇ રહી છે ત્યારે ચીન-તાઇવાન યુદ્ધ અંગે પશ્ચિમી દેશોને વધુ ચિંતા થાય તે સ્વાભાવિક છે. પશ્ચિમી દેશો ખાસ કરીને ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓ કે તેમના કાચા માલ માટે તાઇવાન અને ચીન પર ઘણો આધાર રાખે છે તેથી પણ તેમને આ સંભવિત યુદ્ધ અંગે વધુ ચિંતા થાય તે સ્વાભાવિક છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આખી દુનિયાને તેની અસર થઇ છે. પશ્ચિમી દેશોને આ યુદ્ધની અસર સખત રીતે થઇ છે પરંતુ ભારત સહિતના અન્ય દેશો પણ મોંઘવારીનો માર વેઠી જ રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધમાંથી મોટો ભડકો થાય અને અણુ યુદ્ધ કે ત્રીજા વિશ્વ યુદ્ધ સુધી વાત જાય તેવા ભયના તબક્કા પણ તેમાં આવી ગયા છે. હજી પણ આ યુદ્ધ વધુ વકરે તેવી શક્યતા નકારી શકાતી નથી.

આ યુદ્ધ ઓછું હોય તેમ કોરિયન ક્ષેત્રમાં પણ તનાવ વધી ગયો છે. ઉત્તર કોરિયાના ભેજાગેપ નેતા કિમ જોંગ ઉનના હાકોટ-પડકારા અને તેની સામે દક્ષિણ કોરિયા સાથે અમેરિકાએ યોજેલી સંયુક્ત કવાયતે તનાવ વધારી દીધો છે અને આવા સંજોગોમાં હવે ચીન તાઇવાનને ચીનમાં ભેળવી દેવા માટે સળવળવા માંડ્યું છે. રશિયાએ પૂર્વીય યુક્રેનના ચાર પ્રદેશોને પોતાની સાથે ધરાર જોડી દીધા છે અને કદાચ તેના પરથી જ પ્રેરણા લઇને ચીન પણ તાઇવાનને બળપૂર્વક પોતાની સાથે જોડી દેવા તત્પર બન્યું હોય તેવું હોઇ શકે. જો ચીન તાઇવાન પર હુમલો કરે તો વિશ્વમાં યુદ્ધનું એક નવું તાપણુ સળગી ઉઠે. અને પોતાના નિવેદન મુજબ અમેરિકા તાઇવાનના બચાવમાં કૂદી પડે તો મોટો ભડકો પણ થઇ શકે.

Most Popular

To Top