Comments

ઈઝરાયેલ પર ઈરાનના હુમલાઓએ યુદ્ધની આશંકા વધારી દીધી છે

પહેલી એપ્રિલે દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલી હુમલાનો બદલો લેવા માટે ઈરાને રાતોરાત ઈઝરાયેલને સીધું નિશાન બનાવતાં સેંકડો ડ્રોન અને મિસાઈલો થકી હુમલા કર્યા. આ કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો અને લગભગ અડધી સદીની દુશ્મનાવટ પછી ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. રાજદ્વારી મિશન પરના હુમલાઓ વિયેના કન્વેન્શનના ઉલ્લંઘનનો સંકેત આપે છે અને યુએન ચાર્ટરની કલમ-૫૧ સ્વબચાવના અધિકારનો ઉલ્લેખ કરે છે. માટે ઈરાન પાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહેવા બુદ્ધિગમ્ય દલીલો હશે.

આ હુમલા અંગે નિર્ણય લેતી વખતે ઇરાને ઘણી રાજકીય, લશ્કરી અને આર્થિક વિચારણાઓ ધ્યાનમાં લીધી હોવી જોઈએ કેમ કે આના કારણે મોટા પ્રાદેશિક યુદ્ધની આશંકા વધી છે અને તેણે ગાઝા પર ઇઝરાયેલના યુદ્ધની દિશાને પણ અસર કરી છે. વિવેચકોનું કહેવું છે કે આ હુમલો કરીને ઈરાને અમેરિકા અને તેના સાથીઓ સામે મજબૂત વિરોધ નોંધાવ્યો છે. અમેરિકા અને તેના સાથી દેશો આ સમગ્ર પ્રદેશમાં સંઘર્ષાત્મક નીતિઓ અને લશ્કરી હુમલાઓ દ્વારા વધુ ને વધુ હસ્તક્ષેપ કરી રહ્યા છે.

દમાસ્કસ હુમલામાં સીરિયા અને લેબનોનમાં કામગીરી કરતાં ઈરાનના બે જનરલો અને અન્ય છ લોકો સહિત સાત IRGC સભ્યો માર્યા ગયા હતા. જાન્યુઆરી ૨૦૨૦માં ઈરાકમાં ટોચના જનરલ કાસિમ સુલેમાનીની હત્યા હોય કે ડિસેમ્બરના અંતમાં સીરિયામાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં અન્ય ટોચના IRGC કમાન્ડર, રાઝી મૌસાવીની હત્યા, આ ઘટનાઓએ ઈરાનની ધીરજની કસોટી કરી છે. નિષ્ક્રિયતા અથવા પ્રતિકારના અભાવને કારણે પ્રાદેશિક સ્તરે તેમજ વિદેશમાં ઈરાનની પ્રતિષ્ઠા ધોવાઈ જવાનું જોખમ રહેલું છે.

ઈરાનના અભૂતપૂર્વ હુમલાઓએ ગાઝા પટ્ટીમાં હજારો મહિલાઓ અને બાળકોના મૃત્યુથી વિશ્વનું ધ્યાન થોડા સમય માટે હટાવ્યું છે, પરંતુ તે લાંબા ગાળે મુસ્લિમ જગતમાં ઈરાન માટે સોફ્ટ લાગણી ઊભી કરી શકે છે. સાઉદી અરેબિયાએ ગાઝામાં હત્યાકાંડ છતાં ઇઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવાનો ઇનકાર કર્યો નથી. તુર્કીએ આ અઠવાડિયાથી ઇઝરાયેલમાં કેટલીક નિકાસ મર્યાદિત કરવાનું શરૂ કર્યું કેમ કે ઇઝરાયેલી સરકારે તેને એન્ક્લેવ પર એરડ્રોપ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો, જ્યાં બાળકો ભૂખમરાથી મરી રહ્યાં છે. સાઉદી અરેબિયા અને તુર્કી બંને ગાઝા પર ઇઝરાયેલના યુદ્ધની જોરશોરથી ટીકા કરતા રહ્યા છે.

ઈરાની અર્થવ્યવસ્થા પહેલાંથી જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. અપેક્ષા મુજબ, સ્થાનિક બજારોમાં આ હુમલાની તાત્કાલિક પ્રતિક્રિયા જોવા મળી હતી. પરિસ્થિતિ પ્રાદેશિક યુદ્ધમાં પરિણમવાની આશંકા વચ્ચે રિયાલ, ઈરાનનું ઘસાતું રાષ્ટ્રીય ચલણ, ૬,૭૦,૦૦૦ પ્રતિ યુએસ ડોલરના નવા ઓલ-ટાઇમ નીચા સ્તરે આવી ગયું હતું. આજે દરેક દેશ સમજે છે કે યુદ્ધ અનિવાર્ય નથી, યુદ્ધની અણી પરથી પાછા આવી શકાય છે. અગાઉનું શીતયુદ્ધ એક ઉપયોગી ઉદાહરણ છે. ૧૯૬૨ની ક્યુબન મિસાઈલ કટોકટીથી યુ.એસ. અને ભૂતપૂર્વ સોવિયેત યુનિયન ખતરનાક રીતે વિનાશક પરમાણુ યુદ્ધની નજીક પહોંચી ગયા હતા. બંને દેશો પછી દાયકાઓ સુધી દુશ્મનો રહ્યા હોવા છતાં, જોખમને ટાળીને તેમણે એક ઠરાવ કર્યો હતો.

આવું આજે પણ બની શકે છે. પરંતુ વર્તમાન કટોકટી નિવારવા માટેનો કોઈ પણ ઠરાવ ખાલી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે હોઈ શકે નહીં. આ ક્ષેત્ર આજે શા માટે યુદ્ધની અણી પર છે તેના મૂળ સુધી જવું પડશે. જ્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે અને જ્યાં સુધી ઇઝરાયેલ નાગરિકોની હત્યા ચાલુ રાખશે ત્યાં સુધી પરિસ્થિતિ વણસેલી રહેશે જે સમગ્ર પ્રદેશને યુદ્ધમાં ખેંચી શકે છે. ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષને હલ કરવામાં વિશ્વની અસમર્થતા પણ અસ્થિરતાનું કારણ બની રહેશે. જ્યાં સુધી આ પ્રશ્ન વણઉકેલાયેલ રહેશે ત્યાં સુધી આ પ્રદેશમાં યુદ્ધની સંભાવના રહેશે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top