ઈરાનના રાષ્ટ્રપતિ (Iran President) ઈબ્રાહિમ રઈસીને લઈ જતું હેલિકોપ્ટર (Helicopter) દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઈરાની ટીવીએ રવિવારે અહેવાલ આપ્યો હતો. સ્ટેટ ટીવીએ હજુ સુધી આ ઘટના અંગે વધુ માહિતી આપી નથી. ઈરાની સમાચાર એજન્સી IRNA અનુસાર રઈસીએ આજે સવારે તેમના અઝરબૈજાની સમકક્ષ ઈલ્હામ અલીયેવ સાથે મુલાકાત કરી હતી અને બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે બાંધવામાં આવેલા કિઝ કલાસી ડેમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈરાનના ગૃહમંત્રીએ એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સાથે કોઈ સંપર્ક થયો નથી.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર પૂર્વ અઝરબૈજાનમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશ (હાર્ડ લેન્ડિંગ)નું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટના અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની સાથે ઈરાનના નાણા મંત્રી આમિર અબ્દોલ્હિયન પણ કાફલાના હેલિકોપ્ટરમાં સવાર હતા. ઈરાની મીડિયા અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા અને તેમાંથી બે હેલિકોપ્ટર તેમના ગંતવ્ય સ્થાન પર સુરક્ષિત રીતે ઉતરી ગયા છે.
આ પછી રાષ્ટ્રપતિ રઈસી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. સ્ટેટ ટીવીએ જણાવ્યું કે આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાનની સરહદ પર આવેલા શહેર જોલ્ફા પાસે બની હતી. આ ઘટના વિશે કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાન તેનું કારણ હોઈ શકે છે. હવામાનના કારણે બચાવ કામગીરીમાં પણ અડચણ આવી રહી છે. સ્ટેટ ટીવીએ જણાવ્યું હતું કે બચાવ કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ વિસ્તારમાં ખરાબ હવામાનના કારણે તેમને અવરોધ આવી રહ્યો હતો. પવન સાથે ભારે વરસાદના અહેવાલ છે.
કોણ છે ઇબ્રાહિમ રઈસી?
63 વર્ષીય ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી એક કટ્ટરપંથી છે જેમણે દેશની ન્યાયતંત્રનું નેતૃત્વ કર્યું હતું. તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના શિષ્ય તરીકે જોવામાં આવે છે અને કેટલાક વિશ્લેષકો માને છે કે જો તેઓ મૃત્યુ પામે અથવા રાજીનામું આપે તો તેઓ 85 વર્ષીય નેતાનું સ્થાન લઈ શકે છે.