Columns

દુનિયાના નવ દેશો સાથે ઇરાન પરમાણુ બોમ્બની રેસમાં ઊતર્યું છે

દુનિયાના નવ દેશો પાસે આજે પરમાણુ બોમ્બ છે. ઇરાન જેવા અનેક દેશો આ પરમાણુ રેસમાં સામેલ થવા તલપાપડ થઈ રહ્યા છે. આ પરમાણુ રેસમાં સૌથી મોખરે અમેરિકા છે તો સૌથી છેલ્લે ઉત્તર કોરિયા જેવો નાનકડો દેશ છે. અમેરિકાએ પરમાણુ બોમ્બ બનાવવા માટેનો મેનહટન પ્રોજેક્ટ તો છેક ૧૯૪૨માં શરૂ કરી દીધો હતો. અમેરિકાએ પરમાણુ બોમ્બ બનાવવા માટે જર્મન વિજ્ઞાનીઓની મદદ પણ લીધી હતી. ભૌતિકશાસ્ત્રી જે. રોબર્ટ ઓપેનહેઇમર પરમાણુ બોમ્બ ડિઝાઇન કરનાર લેબોરેટરીના ડિરેક્ટર હતા.

મેનહટન પ્રોજેક્ટમાં તેની ટોચ પર લગભગ ૧.૩૦ લાખ લોકોને રોજગારી આપવામાં આવી હતી અને તેનો ખર્ચ લગભગ ૨ અબજ ડોલર હતો. આ પ્રોજેક્ટમાં પરમાણુ શસ્ત્રો માટે બળતણ તરીકે અત્યંત સમૃદ્ધ યુરેનિયમ અને પ્લુટોનિયમ બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અમેરિકાનો પરમાણુ બોમ્બ તૈયાર થઈ ગયો ત્યારે તેનું પહેલવહેલું પરીક્ષણ ૧૬ જુલાઈ, ૧૯૪૫ના કરવામાં આવ્યું હતું.

પહેલો પરમાણુ બોમ્બ ઇમ્પ્લોઝન પ્રકારનો હતો. ઓગસ્ટ ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ બોમ્બ વિસ્ફોટમાં લિટલ બોય અને ફેટ મેન નામના બોમ્બનો ઉપયોગ થયો હતો. ઓગસ્ટ ૧૯૪૫માં અમેરિકાનાં પરમાણુ શસ્ત્રો દ્વારા જાપાની શહેરો હિરોશિમા અને નાગાસાકીનાં લગભગ ૧,૫૦,૦૦૦ થી ૨,૪૬,૦૦૦ લોકો માર્યા ગયાં હતાં, જેમાંથી મોટા ભાગનાં નાગરિકો હતા. નાગાસાકી પર પરમાણુ બોમ્બ વિસ્ફોટના છ દિવસ પછી જાપાને ૧૫ ઓગસ્ટના રોજ મિત્રરાષ્ટ્રો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, જેનાથી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. 

૧૯૪૫માં અમેરિકા દ્વારા પરમાણુ બોમ્બનો ધડાકો કરવામાં આવ્યો તે પછી તરત સોવિયેત સંઘે પરમાણુ બોમ્બ બનાવવાની રેસમાં ઝંપલાવી દીધું હતું. સોવિયેત યુનિયનના તત્કાલીન રાષ્ટ્રપતિ જોસેફ સ્ટાલિનને હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ ધડાકાની જાણ થયા પછી રશિયાના જાસૂસો દ્વારા મેનહટન પ્રોજેક્ટ અને જર્મન પરમાણુ શસ્ત્ર પ્રોજેક્ટ વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરીને રશિયાના પરમાણુ કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો હતો. સોવિયેત પરમાણુ કાર્યક્રમને આગળ વધારવામાં અમેરિકન તથા જર્મન પરમાણુ વૈજ્ઞાનિકોની ભૂમિકા વિવાદનો વિષય છે, કારણ કે રશિયનોએ તેમનાં સંશોધનોને રશિયન વૈજ્ઞાનિકોને સોંપ્યાં હતાં. મે

નહટન પ્રોજેક્ટ પછી અમેરિકાએ વૈશ્વિક યુરેનિયમ બજાર પર પોતાનો એકાધિકાર પ્રસ્થાપિત કર્યો હતો. આ કારણે સોવિયેત યુનિયનનો પરમાણુ પ્રોજેક્ટ પૂર્વ જર્મનીમાં SAG વિસ્મટ અને તાજિકિસ્તાનમાં તાબોશર ખાણના વિકાસ પર આધાર રાખતો હતો. રશિયા માટે પ્લુટોનિયમ રિએક્ટર ચલાવવા માટે ઉચ્ચ શુદ્ધતા ધરાવતી ગ્રેફાઇટ ધાતુ અને યુરેનિયમ ધાતુનું મોટા પાયે ઉત્પાદન એક મોટો પડકાર હતો. સોવિયેત સંઘે ૨૯ ઓગસ્ટ ૧૯૪૯ ના રોજ કઝાકસ્તાનના પરીક્ષણ સ્થળ પર તેનું પ્રથમ પરમાણુ શસ્ત્ર પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું.

૧૯૫૨ માં અમેરિકા અને સોવિયેત યુનિયન પછી બ્રિટન પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરનાર ત્રીજો દેશ બન્યો હતો. હકીકતમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટને ટ્યુબ એલોય નામનો પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ શરૂ કર્યો હતો. ઓગસ્ટ ૧૯૪૩માં ક્વિબેક કોન્ફરન્સમાં તેને અમેરિકન મેનહટન પ્રોજેક્ટ સાથે જોડી દેવામાં આવ્યો હતો. બ્રિટિશ સરકાર પરમાણુ શસ્ત્રોને અમેરિકાની ભાગીદારી સાથેની સંયુક્ત શોધ માનતી હતી, પરંતુ ૧૯૪૬માં અમેરિકાના મેકમોહન એક્ટ દ્વારા બ્રિટન સહિત અન્ય દેશોને પરમાણુ શસ્ત્રો વિશેની માહિતી મેળવવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

અમેરિકાની ચાલબાજીથી વિચલિત થયા વિના બ્રિટને પોતાનો પરમાણુ પ્રોજેક્ટ ફરી શરૂ કર્યો, જેને હવે હાઇ એક્સપ્લોઝિવ રિસર્ચ નામ આપવામાં આવ્યું હતું. ૩ ઓક્ટોબર ૧૯૫૨ના રોજ બ્રિટને ઓપરેશન હરિકેનમાં ઓસ્ટ્રેલિયાના મોન્ટે બેલો ટાપુઓમાં પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કર્યો. પછીના દાયકામાં ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ પરમાણુ શસ્ત્રોનાં વધુ અગિયાર પરીક્ષણો કરવામાં આવ્યાં, જેમાં મારાલિંગા ખાતે સાત પરમાણુ પરીક્ષણોનો સમાવેશ થતો હતો.

પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ રાસાયણિક અને પરમાણુ શસ્ત્રો સહિત સામુહિક વિનાશનાં શસ્ત્રો વિકસાવ્યાં છે. સામ્યવાદી ચીનનાં પરમાણુ શસ્ત્રોનું પહેલું પરીક્ષણ ૧૯૬૪ માં થયું હતું અને તેનું પહેલું હાઇડ્રોજન બોમ્બ પરીક્ષણ ૧૯૬૬ માં લોપ નુર ખાતે થયું હતું. ચીનના સર્વેસર્વા માઓ ઝેડોંગે પરમાણુ શસ્ત્રોનો ઉલ્લેખ કાગળના વાઘ તરીકે કર્યો હતો, જેનો ઉપયોગ મહાન શક્તિઓ દ્વારા નાના દેશોને ડરાવવા અને ધમકાવવા માટે કરી શકાય છે. ફર્સ્ટ તાઈવાન સ્ટ્રેટ કટોકટી દરમિયાન ચીનના ફુજિયન પ્રાંતમાં લશ્કરી લક્ષ્યો સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની અમેરિકાના આઈઝનહોવર વહીવટીતંત્રની ધમકીઓને કારણે માઓ ચીનનો પરમાણુ કાર્યક્રમ શરૂ કરવા તૈયાર થયા હતા.

સોવિયેત સંઘે વિભાજન સામગ્રીના ઉત્પાદન માટે સમર્પિત સુવિધાઓમાં મદદ કરવા માટે સલાહકારો મોકલીને શરૂઆતના ચીની પરમાણુ કાર્યક્રમમાં સહાય પૂરી પાડી હતી. ૧૯૬૦માં ચીની પરમાણુ કાર્યક્રમ સાથેની તમામ સોવિયેત સહાય અચાનક સમાપ્ત કરવામાં આવી હતી અને તમામ સોવિયેત ટેકનિશિયનોને પરમાણુ કાર્યક્રમમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તો પણ ચીને ૧૬ ઓક્ટોબર ૧૯૬૪ ના રોજ તેનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું. ૧૯૬૬માં ચીની નેતૃત્વે પરમાણુ મિસાઇલો ચલાવવા માટે પીપલ્સ લિબરેશન આર્મીની એક નવી શાખા સેકન્ડ આર્ટિલરીની સ્થાપના કરી હતી. ચીનનું પહેલું થર્મોન્યુક્લિયર હથિયાર પરીક્ષણ ૨૮ ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ થયું હતું. 

ભારતના પરમાણુ કાર્યક્રમની શરૂઆત ૧૯૪૫માં થઈ, જ્યારે ડો. હોમી ભાભાએ ટાટા ગ્રુપની મદદથી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી હતી. ભારતની સ્વતંત્રતા પછી  ૧૫ એપ્રિલ ૧૯૪૮ના રોજ પરમાણુ ઊર્જા કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેનાથી ભારતીય પરમાણુ ઊર્જા આયોગ (IAEC) ની સ્થાપના થઈ હતી. ૧૯૫૬માં ભારતનું અપ્સરા નામનું પ્રથમ પરમાણુ રિએક્ટર ટ્રોમ્બેના ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ખાતે કાર્યરત થયું હતું.

ત્યાર બાદ કેનેડા અને અમેરિકા સાથેની સમજૂતીના ભાગ રૂપે ભારતને સાયરસ રિએક્ટર આપવામાં આવ્યું હતું. ૧૯૬૨માં ભારત ચીન સાથે યુદ્ધમાં વ્યસ્ત હતું અને ચીન પોતાના પરમાણુ વિકાસ કાર્યક્રમને આગળ ધપાવી રહ્યું હતું, જેના કારણે ભારતને પરમાણુ શસ્ત્રો વિકસાવવાની જરૂરિયાત સમજાઈ હતી. ૧૯૬૧થી ૧૯૬૪ના સમયગાળા દરમિયાન પરમાણુ ઊર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે નાગરિક પરમાણુ કાર્યક્રમ અંતર્ગત પ્લુટોનિયમ પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતે પરમાણુ રિએક્ટર બનાવવામાં મદદ કરવા માટે સોવિયેત યુનિયન સાથે કરાર કર્યા હતા.

ડો. ભાભાએ પરમાણુ ઊર્જા અંગેની સંસદીય સલાહકાર સમિતિ સમક્ષ દાવો કર્યો કે ભારતનું પરમાણુ ઊર્જા સંશોધન એટલી હદ સુધી પ્રગતિ કરી ચૂક્યું છે કે તે બાહ્ય સહાય વિના પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે. ૧૯૬૦માં ડો. ભાભાએ અંદાજ લગાવ્યો હતો કે ભારતને પરમાણુ બોમ્બ બનાવવામાં લગભગ એક વર્ષ લાગશે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી  પાકિસ્તાન તરફથી મળતી ધમકીઓએ નવી ચિંતાઓ ઊભી કરી હોવાથી ભારત પર પરમાણુ શસ્ત્રો બનાવવાનું દબાણ વધુ તીવ્ર બન્યું. ડો. ભાભા ભારતને પરમાણુ બોમ્બની ભેટ આપી શકે તે પહેલાં ૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ના રોજ જીનિવા ખાતે વિમાન દુર્ઘટનામાં ડો. ભાભાનું મરણ થયું, જેને કારણે ભારતનો પરમાણુ કાર્યક્રમ વિલંબમાં પડી ગયો હતો. આ ભેદી દુર્ઘટનામાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIA નો હાથ હોવાના આક્ષેપો થયા હતા.

ડો. હોમી ભાભાને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા માનવામાં આવે છે. ડો. ભાભાના આગ્રહથી ૧૯૬૪ માં વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેમણે ભૌતિકશાસ્ત્રી વિક્રમ સારાભાઈને પરમાણુ કાર્યક્રમના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. વિક્રમ સારાભાઈની અહિંસક ગાંધીવાદી માન્યતાઓને કારણે તેમણે પરમાણુ કાર્યક્રમને લશ્કરી વિકાસને બદલે શાંતિપૂર્ણ હેતુઓ તરફ દિશામાન કર્યો. આ દરમિયાન પરમાણુ બોમ્બ પર ડિઝાઇનનું કામ ભૌતિકશાસ્ત્રી રાજા રામન્ના હેઠળ આગળ વધ્યું, જેમણે ડો. ભાભાના મૃત્યુ પછી પરમાણુ શસ્ત્રોની ટેકનોલોજીનું સંશોધન ચાલુ રાખ્યું હતું. ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યા પછી પરમાણુ બોમ્બ બનાવવાનું કામ ચાલુ રહ્યું.

૧૮ મે ૧૯૭૪ ના રોજ ભારતીય સમય મુજબ સવારે ૮.૦૫ વાગ્યે ભારતે પોકરણમાં પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ ચોંકી ગઈ હતી. ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી પર પરમાણુ પરીક્ષણ ન કરવાનું પ્રચંડ દબાણ હતું, પણ તેમણે મહાસત્તાઓની પરવા કર્યા વિના ભારતને પરમાણુ બોમ્બ બનાવવાની દિશામાં આગળ મૂકી દીધું હતું. ભારતે બીજું પરમાણુ પરીક્ષણ ૧૯૯૮માં કર્યું હતું, જ્યારે અટલબિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન હતા. આ પરીક્ષણના પ્રતાપે ભારતના અણુ વીજળી મથકો પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.

ભારત દ્વારા કરવામાં આવેલાં પરમાણુ પરીક્ષણોના જવાબમાં પાકિસ્તાને મે ૧૯૯૮ માં પ્રથમ વખત પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમની સફળતા પાછળ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના પિતામહ વિજ્ઞાની અબ્દુલ કાદિર ખાનના ગુપ્ત આંતરરાષ્ટ્રીય પરમાણુ દાણચોરી નેટવર્કનો ફાળો હતો. પાકિસ્તાને એપ્રિલ ૧૯૭૮ સુધીમાં સમૃદ્ધ યુરેનિયમનું ઉત્પાદન કરી લીધું હતું અને ચાર વર્ષ પછી તેની પાસે હથિયાર ગ્રેડનું યુરેનિયમ હતું. ૧૯૮૦ના દાયકાના મધ્ય સુધીમાં હજારો સેન્ટ્રીફ્યુજમાંથી દર વર્ષે અનેક પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ ઉત્પન્ન થઈ ગયું હતું અને ૧૯૮૮ સુધીમાં પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા હતી. અબ્દુલ કાદિર ખાને ચીન પાસેથી પરમાણુ બોમ્બની ડિઝાઇન મેળવી લીધી હતી.

ઉત્તર કોરિયાએ ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં જ પરમાણુ શસ્ત્રો વિકસાવવામાં રસ દાખવ્યો હતો. ૧૯૬૩માં ઉત્તર કોરિયાએ સોવિયેત યુનિયન પાસે પરમાણુ શસ્ત્રો વિકસાવવામાં મદદ માંગી, પરંતુ તેનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જો કે, સોવિયેત યુનિયને ઉત્તર કોરિયાને શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જા કાર્યક્રમ વિકસાવવામાં મદદ કરવામાં સંમતિ આપી હતી, જેમાં પરમાણુ વૈજ્ઞાનિકોની તાલીમનો સમાવેશ થતો હતો. પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે ઉત્તર કોરિયાએ ૧૯૯૦ના દાયકાના અંતમાં પાકિસ્તાનની પરમાણુ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.

૯ ઓક્ટોબર, ૨૦૦૬ ના ઉત્તર કોરિયાએ જાહેરાત કરી કે તેણે પ્રથમ પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે. ૬ જાન્યુઆરી, ૨૦૦૭ ના રોજ ઉત્તર કોરિયાની સરકારે જાહેરાત કરી કે તેની પાસે પરમાણુ શસ્ત્રો છે. ઉત્તર કોરિયા પાસે ૯૦ જેટલા પરમાણુ બોમ્બ માટે પૂરતી સામગ્રી હોવાનો અંદાજ છે અને તેમાંથી તેણે ૫૦ પરમાણુ બોમ્બ બનાવી લીધા છે. તાજેતરમાં ઉત્તર કોરિયાએ ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જો તે ઈરાન પર પરમાણુ બોમ્બનો પ્રયોગ કરશે તો તે ઈરાનની મદદ કરવા આવી જશે. ઇઝરાયેલ પાસે ૯૦ થી ૪૦૦ પરમાણુ શસ્ત્રોનો ભંડાર હોવાનો અંદાજ છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top