મિડલ ઈસ્ટ ફરી એકવાર યુદ્ધની સ્થિતિમાં મુકાયું છે. ઈઝરાયલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓ પર કરેલા ભીષણ હુમલા બાદ ઈરાને હવે પલટવાર કરી બદલો લેવાનું શરૂ કર્યું છે. ઈરાને 100 થી વધુ ડ્રોન અને મિસાઈલથી ઈઝરાયલ પર હુમલો કર્યો છે.
આ હુમલો શુક્રવારે સવારે શરૂ થયો હતો, જેને ઈરાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ નામ આપ્યું હતું. સૌપ્રથમ ઈઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન હેઠળ ઈરાનના ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેમાં ઈરાનના નાતાન્ઝ અને ફોર્ડો પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે શું આ યુદ્ધ આગળ વધશે. જો આવું થશે, તો મિડલ ઈસ્ટમાં ફક્ત વિનાશ જ જોવા મળશે.

હકીકતમાં, આ હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. જેનો હવે ઈરાને બદલો લીધો છે. જોકે, ઈઝરાયલને આ હુમલાથી મર્યાદિત નુકસાન થવાની શક્યતા છે. કારણ કે તેણે પહેલાથી જ તેની ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ પર રાખી દીધી હતી. ઈઝરાયલની સેના IDF એ દાવો કર્યો હતો કે તેમની પાસે ખૂબ જ અદ્યતન આયર્ન ડોમ અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમ છે જે હવામાં ડ્રોન અને મિસાઈલોનો નાશ કરવામાં સક્ષમ છે.
ઇઝરાયલે કટોકટીની સ્થિતિ જાહેર કરી
એક અહેવાલ મુજબ 200 થી વધુ ઇઝરાયલી ફાઇટર જેટ્સે પહેલાથી જ કેટલાક ઇરાની ટાર્ગેટને નષ્ટ કરી દીધા છે. બદલામાં જો કેટલાક ડ્રોન અથવા મિસાઇલો ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમમાં પ્રવેશવામાં સફળ થાય છે, તો તેલ અવીવ અને જેરુસલેમ જેવા શહેરોમાં મર્યાદિત નુકસાન થશે. ઇઝરાયલે કટોકટી જાહેર કરી છે અને નાગરિકોને બોમ્બ આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા છે.

યુદ્ધનો ખતરો હવે વધી ગયો છે
નિષ્ણાતો માને છે કે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ હોવાથી હવે વાસ્તવિક યુદ્ધનો ખતરો વધી ગયો છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીએ કહ્યું છે કે આ હુમલા માટે ઇઝરાયલને ભારે કિંમત ચૂકવવી પડશે. આ સંઘર્ષ હવે સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ શકે છે જેમાં ઈરાન સમર્થિત જૂથો હિઝબુલ્લાહ, હમાસ અને હુતી બળવાખોરો સામેલ થઈ શકે છે. નબળા પડ્યા પછી પણ, હિઝબુલ્લાહ લેબનોનથી ઇઝરાયલ અને યમનથી હુતી બળવાખોરો પર હુમલાઓ વધુ તીવ્ર બનાવી શકે છે.

ઇઝરાયલ મિસાઈલ એટેકનો સામનો કરવા તૈયાર
જો ઈરાન મોટા પાયે તેની બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરે છે, તો ઈઝરાયલ તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ યુદ્ધમાં વૈશ્વિક શક્તિઓ સામેલ થવાની પણ શક્યતા છે, જે આ યુદ્ધને વધુ ખતરનાક બનાવી શકે છે. અમેરિકા પહેલાથી જ સ્પષ્ટ છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકતું નથી. એ પણ સ્પષ્ટ છે કે તે ઈઝરાયલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેની સેના આ ક્ષેત્રમાં તૈનાત છે.
શું અમેરિકા આ જ ઇચ્છે છે?
રશિયા અને ચીન જેવા દેશો ઈરાન સાથેના વ્યૂહાત્મક સંબંધોને કારણે તેને ટેકો આપી શકે છે. જો આ દેશો સીધા કે આડકતરી રીતે યુદ્ધમાં જોડાય છે, તો તે મોટા યુદ્ધનો સંકેત બની શકે છે. તેની તેલ પુરવઠા પર પણ ઊંડી અસર પડશે. નિષ્ણાતોનો એક મુદ્દો એ છે કે જો કોઈ ખુલ્લેઆમ ઈરાનને ટેકો નહીં આપે, તો તે નબળું પડી જશે. અમેરિકા આ જ ઇચ્છે છે. ઈરાનની સ્થિતિ પણ મિડલ ઈસ્ટના બાકીના મુસ્લિમ દેશો જેવી થઈ જશે. હવે એ જોવાનું રહેશે કે બંનેમાંથી કોની સ્થિતિ આ હશે.