આજે અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધનો આઠમો દિવસ છે. દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને કહ્યું છે કે જ્યાં સુધી પડોશી દેશો તેમની ધરતીથી ઈરાન પર હુમલો નહીં કરે ત્યાં સુધી તેમના પર હવે કોઈ હુમલો નહીં થાય. બીજી તરફ યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે શનિવારે ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો આજે રાત્રે કરવામાં આવશે.
પેઝેશ્કિઆને તાજેતરના દિવસોમાં પડોશી દેશો પર થયેલા હુમલાઓ માટે પણ માફી માંગી. તેમણે કહ્યું કે ઈરાન આ દેશો સાથે તણાવ વધારવા માંગતો નથી અને ભવિષ્યમાં આવા હુમલાઓ ટાળવાનો પ્રયાસ કરશે. જોકે થોડા સમય પછી કતારની રાજધાની દોહામાં એક વિસ્ફોટ થયો.
૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી ઈરાને મધ્ય પૂર્વના ૧૩ દેશોને નિશાન બનાવ્યા છે જેમાં ઈઝરાયલનો પણ સમાવેશ થાય છે. દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે શનિવારે ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો આજે રાત્રે કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ હુમલાનો ઉદ્દેશ્ય ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને મિસાઈલ બનાવતી ફેક્ટરીઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડવાનો છે.
યુએસ બી-૧ બોમ્બર બ્રિટિશ એરબેઝ પર ઉતર્યું
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ કે હવે ઈરાન સામે મિસાઈલોનો ઝડપી હુમલો કરવામાં આવશે, ખતરનાક યુએસ રોકવેલ બી-૧ લેન્સર બ્રિટિશ એરબેઝ પર ઉતર્યું છે. બ્રિટિશ પીએમ કીર સ્ટારમરની પરવાનગી મળ્યા બાદ યુએસ સુપરસોનિક બોમ્બર અહીં પહોંચ્યો હતો. ગુરુવારે યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું હતું કે ઈરાન પર હુમલાઓ હવે વધુ તીવ્ર બનશે.
ઈરાની યુદ્ધ જહાજ ભારતમાં પહોંચ્યું
ઈરાની યુદ્ધ જહાજ IRIS Lavan, ભારતના કોચી બંદર પર ડોક કરવામાં આવ્યું છે. ANI એ સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈરાને 28 ફેબ્રુઆરીએ ટેકનિકલ સમસ્યાનો અનુભવ કર્યા બાદ ભારતની મદદ માંગી હતી. ભારતે 1 માર્ચે કોચીમાં ડોક કરવા માટે જહાજને પરવાનગી આપી હતી અને તે 4 માર્ચે બંદર પર પહોંચ્યું હતું. જહાજના 183 ક્રૂ સભ્યો હાલમાં કોચીમાં ભારતીય નૌકાદળના સ્થળોએ રોકાઈ રહ્યા છે.
IRIS Lavan એ તાજેતરમાં 15 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં આયોજિત ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ (IFR) 2026 અને મિલાન 2026 નૌકાદળ કવાયતમાં ભાગ લીધો હતો. અગાઉ અમેરિકાએ ભારતથી પરત ફરતી વખતે શ્રીલંકા નજીક ઈરાની યુદ્ધ જહાજ IRIS દેના પર હુમલો કરીને તેને ડૂબાડી દીધી હતી. આ હુમલામાં 87 ઈરાની ખલાસીઓ માર્યા ગયા હતા.