લખનઉ : આઇપીએલમાં (IPL) આજે શુક્રવારે અહીં રમાયેલી એક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના સ્પીનર કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા અને રવિ બિશ્નોઇએ જોરદાર બોલિંગ કરીને કાગળ પર મજબૂત બેટીંગ લાઇનઅપ ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે 121 રન સુધી સિમિત રાખ્યા પછી મળેલા 122 રનના લક્ષ્યાંકને કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યા વચ્ચેની ત્રીજી વિકેટની 55 રનની ભાગીદારીથી લખનઉ લખનઉએ 16 ઓવરમાં જ 5 વિકેટે આંબી લઇને મેચ પાંચ વિકેટે જીતવા સાથે ઘરઆંગણે બીજી જીત મેળવી હતી. હૈદરાબાદનો કેપ્ટન એડન માર્કરમ ગોલ્ડન ડક પર જ્યારે હેરી બ્રુક સતત બીજી મેચમાં ફેલ રહ્યો હતો.
- લખનઉના કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા અને રવિ બિશ્નોઇની સ્પીન કળા સામે સનરાઇઝર્સ હૈદરાબાદ માંડ 121 રન સુધી પહોંચ્યું
- લખનઉ સુપર જાયન્ટ્સે કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાની 55 રનની ભાગીદારીની મદદથી 16મી ઓવરમાં જ પાંચ લક્ષ્યાંક આબી લીધો
સનરાઇઝર્સના નવા કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે તેમની શરૂઆત જ ધીમી રહી હતી અને તેમાં તેમણે 55 રન સુધીમાં ત્રણ વિકેટ ગુમાવી દીધા પછી રાહુલ ત્રિપાઠી અને વોશિંગ્ટન સુંદર ઘણું ધીમુ રમ્યા હતા. ત્રિપાઠીએ 41 બોલમાં 34 જ્યારે સુંદરે 28 બોલમાં 16 રન કર્યા હતા. અંતિમ ઓવરોમાં બેટીંગમાં આવેલા સમદે 10 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 21 રનની નોટઆઉટ ઇનિંગ રમીને પોતાની ટીમને 121 રન સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લખનઉ સુપર જાયન્ટ્સ વતી કૃણાલે 4 ઓવરમાં 18 રન આપીને 3 જ્યારે મિશ્રાએ 4 ઓવરમાં 23 રન આપીને 2 અને બિશ્નોઇએ 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ ખેરવી હતી. એક વિકેટ યશ ઠાકુરે લીધી હતી.