નવી દિલ્હી : ડિફેન્ડીંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે (GT) આજે અહીં રમાયેલી આઇપીએલમાં (IPL) પોતાની બીજી મેચમાં મહંમદ શમી, રાશિદ ખાન અને અલઝારી જોસેફની આગેવાનીમાં શિસ્તબદ્ધ બોલિંગ પ્રદર્શનથી મજબૂત બેટીંગ લાઇનઅપ ધરાવતી દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે 162 રન સુધી સિમિત રાખ્યું હતુ તે પછી ખરાબ શરૂઆત છતાં સાઇ સુદર્શનની પાવરફૂલ અર્ધસદીની મદદથી ગુજરાતે 18.1 ઓવરમાં 4 વિકેટે લક્ષ્યાંક કબજે કરીને મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
- શમી, રાશિદ અને જોસેફની સંયમિત બોલિંગ વચ્ચે અક્ષર પટેલની ઇનિંગ્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે 162ના સ્કોર સુધી પહોંચાડ્યું
- સાઇ સુદર્શને ગુજરાત ટાઇટન્સ વતી બેટીંગમાં એન્કરીંગની ભૂમિકા ભજવીને 18.1 ઓવરમાં લક્ષ્યાંક કબજે કરી ટીમને જીતાડી
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 56 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. સુદર્શન અને વિજય શંકરે તે પછી 53 રની ભાગીદારી કરી હતી. જો કે શંકર આઉટ થયાં પછી બેટીંગમાં આવેલા ડેવિડ મિલર સાથે સુદર્શને 4.5 56 રનની નોટઆઉટ ભાગીદારી કરીને પોતાની ટીમને જીતાડી હતી. સુદર્શન 48 બોલમાં 62 રન અને મિલર 16 બોલમાં 31 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
આ પહેલાગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી તેના બે ઝડપી બોલર શમી અને જોસેફે મળીને ટીમને જરૂરી શરૂઆત અપાવી હતી અને તેમની જોરદાર બોલિંગને કારણે દિલ્હી કેપિટલ્સે 67 રનના સ્કોર પર પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક પોરેલ અને સરફરાઝ ખાન મળીને બાજી સુધારી રહ્યા હતા ત્યારે રાશિદ ખાને બંનેને વારાફરતી પેવેલિયન ભેગા કરીને ફરી એકવાર તેમના પર બ્રેક લગાવી હતી. આ પછી બેટીંગમાં આવેલા અક્ષર પટેલે 22 બોલમાં 36 રનની ઇનિંગ રમીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના પહેલા કેપ્ટન ડેવિડ વોર્નરે 37 રન કર્યા હતા, જ્યારે સરફરાઝે 30 અને અભિષેક પોરેલે 20 રન કર્યા હતા. ગુજરાત વતી રાશિદ ખાને 31માં 3 જ્યારે શમીએ 41માં 3 અને જોસેફે 29માં 2 વિકેટ ઉપાડી હતી.