હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) આજે શનિવારે અહીં રમાયેલી ડબલ હેડરની પહેલી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સે (LSG) ગુજરાતી યુવા બેટ્સમેન પ્રેરક માંકડના 45 બોલમાં નોટઆઉટ 64 રન ઉપરાંત માર્કસ સ્ટોઇનિસના 40 રન નિકોલસ પૂરનની 13 બોલમાં 44 રનની નોટઆઉ ઇનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદને (SRH) 7 વિકેટે હરાવીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. આ મેચમાં 12મી ઓવર સુધી હૈદરાબાદ જીતી રહ્યું હોય તેવું લાગતું હતું, પરંતુ માર્કસ સ્ટોઈનિસ અને યુવા પ્રેરક માંકડે મળીને 73 રનની ભાગીદારી કરીને બાજી પલટાવી હતી.
સ્ટોઈનિસ 25 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 40 રન કરીને આઉટ થયો તે પછી પૂરને ધમાલ મચાવી હતી અને ચાર બોલ બાકી રાખીને લખનઉને જીતાડ્યું હતું. આ જીત સાથે, લખનૌની ટીમ 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે હૈદરાબાદનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું 99% નિશ્ચિત છે. તેના 11 મેચમાં 8 પોઈન્ટ છે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ દાવ લઇને હેનરિચ ક્લાસેનના 47અને અબ્દુલ સમદના નોટઆઉટ 37 રન ઉપરાંત બંને વચ્ચેની છઠ્ઠી વિકેટની 40 બોલમાં 58 રનની ભાગીદારીની મદદથી છ વિકેટે 182 રનનો સ્પર્ધાત્મક સ્કોર બનાવ્યો હતો.