મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPl)ની આગામી સિઝન માટે તમામ 8 ફ્રેન્ચાઇઝીએ પોતપોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના (Players) નામ નક્કી કરી લીધા છે. લીગના (League) સત્તાવાર ઓફિશિયલ (Official) બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસ (Star Sports) પર મંગળવારે રાત્રે પોત પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. રિટેન્શનની આ પ્રક્રિયા પછી રોહિત શર્મા (Rohit Sharma) હવે વિરાટ કોહલીથી (Virat Kohli) જ્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) મહેન્દ્ર સિંહ ધોનીથી (Mahendra Sinh Dhoni) મોંઘો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત અબ્દુલ સમદ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ જેવા અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કરાતાં તેમની કિમંત 20થી 50 લાખની રેન્જ પરથી વધીને સીધી 4-4 કરોડ રૂપિયા થઇ ગઇ છે. પંજાબ કિંગ્સે માત્ર મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને રિટેન રાખ્યા છે.
જે મોટા નામોને તેમની ફ્રેન્ચાઇઝી દ્વારા રિટેન નથી કરાયા તેમાં સૌથી પહેલું નામ પંજાબ કિંગ્સને (Punjab Kings) છોડવાની જાહેરાત કરનાર કેએલ રાહુલનું (KL Rahul) છે, તે પછી મુંબઇ ઇન્ડિયન્સનો (Mumbai Indians) હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન (Ishan Kishan) પણ તેમાં સામેલ છે, સનરાઇઝર્સે તો રાશિદ ખાન અને ડેવિડ વોર્નર જેવા બે મોટા ખેલાડીને રિલીઝ કર્યા છે. તો આરસીબીએ (RCB) લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલ અને પર્પલ કેપ હોલ્ડર હર્ષલ પટેલને રિલિઝ કરી દીધા છે. ચેન્નાઇ સુપર કિંગ્સે આશ્ચર્યજનક રીતે ફાફ ડુ પ્લેસિસને રિલિઝ કરી દીધો છે. દિલ્હી કેપિટલ્સમાંથી શ્રેયસ ઐય્યર અને શિખર ધવનને રિલીઝ કરી દેવાયા છે.
મુંબઈ ઈન્ડિયન્સે 16 કરોડ રૂપિયામાં કેપ્ટન રોહિત શર્મા, 12 કરોડ રૂપિયામાં જસપ્રીત બુમરાહ, 8 કરોડ રૂપિયામાં સૂર્યકુમાર યાદવ અને 6 કરોડ રૂપિયામાં કિરોન પોલાર્ડને રિટેન કર્યા છે. કોહલીને ગત સીઝન સુધી 17 કરોડ રૂપિયા મળતા હતા. હવે આ સીઝનમાં તેને RCB 15 કરોડ રૂપિયા જ આપશે. એટલે કે તેના પગારમાંથી બે કરોડ રૂપિયા કાપવામાં આવ્યા છે. પંજાબ ફ્રેન્ચાઇઝીએ મયંક અગ્રવાલને 14 કરોડ રૂપિયાની ફી સાથે પ્રથમ સ્થાન પર જાળવી રાખ્યો છે. SRHએ કેન વિલિયમ્સન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ) અને ઉમરાન મલિક(4 કરોડ)ને રિટેન કર્યા છે. ચેન્નઈ સુપરકિંગ્સે આ ટર્મમાં ધોનીને 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. એવામાં ગત વર્ષની સેલરી કરતાં આ સીઝનમાં ધોનીના પગારમાંથી 3 કરોડ રૂપિયા કપાયા છે. રિટેન્શનમાં CSKએ રવીન્દ્ર જાડેજા (16 કરોડ), ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ) અને ઋતુરાજ ગાયકવાડને(6 કરોડ) રિટેન કર્યા છે. કોલકાતા બે વિદેશી ખેલાડીઓને રિટેન કરનારી પ્રથમ ટીમ છે. તેમે રસેલ (12 કરોડ), વરુણ (8 કરોડ રૂપિયા), વેંકટેશ (8 કરોડ) અને નરેનને (6 કરોડ) જાળવી રાખવામાં આવ્યા હતા.
આઇપીએલની 8 ફ્રેન્ચાઇઝીઓ દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓ
- ચેન્નાઇ સુપર કિંગ્સ : રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી
- કોલકાતા નાઇટ રાઇડર્સ : સુનિલ નરેન, આન્દ્રે રસેલ, વરૂણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર
- સનરાઇઝર્સ હૈદરાબાદ : કેન વિલિયમ્સન, અબ્દુલ સમદ, ઉમરાન મલિક
- મુંબઇ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કિરોન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મહંમદ સિરાજ
- દિલ્હી કેપિટલ્સ : ઋષભ પંત, પૃથ્વી શો, અક્ષર પટેલ, એનરિક નોર્કિયા
- રાજસ્થાન રોયલ્સ : સંજૂ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ
- પંજાબ કિંગ્સ : મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ
ખેલાડી રિટેન કર્યા પછી ફ્રેન્ચાઇઝીઓનું બાકી રહેલું પર્સ
- ચેન્નાઇ સુપર કિંગ્સ : તમામ ચાર ખેલાડી રિટેન, ઓક્શન માટે રૂ. 48 કરોડ રહ્યા
- કોલકાતા નાઇટ રાઇડર્સ : તમામ ચાર ખેલાડી રિટેન, ઓક્શન માટે રૂ. 48 કરોડ રહ્યા
- દિલ્હી કેપિટલ્સ : તમામ ચાર ખેલાડી રિટેન, ઓક્શન માટે રૂ. 48 કરોડ બાકી રહ્યા
- મુંબઇ ઇન્ડિયન્સ : તમામ ચાર ખેલાડી રિટેન, ઓક્શન માટે રૂ. 48 કરોડ બાકી રહ્યા
- સનરાઇઝર્સ હૈદરાબાદ : ત્રણ ખેલાડી રિટેન, ઓક્શન માટે રૂ. 68 કરોડ બાકી રહ્યા
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ત્રણ ખેલાડી રિટેન, ઓક્શન માટે રૂ. 57 કરોડ બાકી રહ્યા
- રાજસ્થાન રોયલ્સ : ત્રણ ખેલાડી રિટેન, ઓક્શન માટે રૂ. 62 કરોડ બાકી રહ્યા
- પંજાબ કિંગ્સ : બે ખેલાડી રિટેન, ઓક્શન માટે રૂ. 72 કરોડ બાકી રહ્યા