પંજાબ કિંગ્સના સહ માલિક નેસ વાડિયાનું (Nes Vadia) માનવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL Introduce 2 New Team)ની બે નવી ટીમો માટે બે હજાર કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સતર્કતા દાખવીને રાખવામાં આવી છે. જેમાં બોલી દરમિયાન 50થી 100 ટકા સુધીનો વધારો થવો જોઇએ. વાડિયાએ કહ્યું હતું કે બે નવી ટીમો જોડાવાથી આઇપીએલ ઉપરાંત હાલની ફ્રેન્ચાઇઝીઓની કિંમતમાં પણ વધારો થશે. બે નવી આઇપીએલ ફ્રેન્ચાઇઝીની જાહેરાત 25 ઓક્ટોબરે થશે, જેનાથી આઇપીએલની આગામી સિઝન 10 ટીમોની ટૂર્નામેન્ટ બની જશે.
પીટીઆઇ સાથેની વાતચીતમાં વાડિયાએ કહ્યું હતું કે હાલમાં મીનીમમ બેઝ પ્રાઇસ બે હજાર કરોડ રૂપિયા છે, જેમાં ઘણો વધુ વધારો થશે. આઇપીએલના મારા પોતાના અનુભવ અને માહિતીના આધારે જણાવું તો બે હજાર કરોડ રૂપિયા સતર્કતા દાખવવા માટે રખાયેલો આંકડો છે અને જો તેમાં મીનીમમ 50થી 100 ટકાનો વધારો થશે તો મને નવાઇ નહીં લાગે. મને ઓછામાં ઓછા એક ટીમના રૂ. ત્રણ હજાર કરોડથી વધુની આશા છે. તેણે એવું કહ્યું હતું કે બધા જ આઇપીએલનો હિસ્સો બનવા માગે છે, પણ થોડા લોકો જ તેનો હિસ્સો બની શકે છે. તેને જ્યારે પુછાયું કે શું નવી ટીમો સામેલ થવાથી હાલની ટીમોને કોઇ ચિંતા છે ખરી, ત્યારે તેણે કહ્યું હતું કે કોઇ ચિંતા નથી, ઉલટાનું બે નવી ટીમો સામેલ થાય તે સારું છે. બે નવી ફ્રેન્ચાઇઝી સામેલ થવાથી અન્ય ફ્રેન્ચાઇઝીની કિંમતમાં પણ વધારો થશે.
આઇપીએલ બીસીસીઆઇના તાજનું રત્ન છે : નેસ વાડિયા
નેસ વાડિયાએ કહ્યું હતું કે આઇપીએલ એ બીસીસીઆઇના તાજનું એક રત્ન છે અને તેથી એ રત્નની યોગ્ય કિંમત થવી જોઇએ. આ એક એવી નિર્ધારિત સંપત્તિ છે જેની કિંમતમાં દર વર્ષે માત્ર વધારો જ નહીં થાય પણ નિરંતર સ્વરૂપે વાર્ષિક આવક પણ મળે છે. તેણે કહ્યું હતું કે તમને પૈસા મળી રહ્યા છે, દર વર્ષે 250થી 300 કરોડની સંપત્તિની કિંમતમાં વધારો થવાની સાથે તે પૈસા સીધા તમારા ખિસ્સામાં આવે છે.
વાડિયાના મતે 2022ની સિઝન પહેલાની મોટી હરાજી ઘણી મહત્વની થશે
નવી ટીમ પોતાના ટીમના ચહેરા માટે ભારતના સ્ટાર ખેલાડીઓને પોતાની સાથે જોડવા માગશે અને તેના કારણે 2022ની સિઝન પહેલાની મોટી હરાજી મહત્વની થઇ જશે. જેમાં ઘણાં ભારતીય અને વિદેશી ખેલાડીઓ હરાજીમાં સામેલ હશે. ખેલાડીઓને રિટેન કરવા અને રાઇટ ટૂ મેચ કાર્ડ સંદર્ભે વાડિયાએ આશા વ્યક્ત કરી હતી કે બીસીસીઆઇ તમામ સહભાગીઓ માટે બાબતોને યોગ્ય રાખશે.