દુબઈ: (Dubai) છેવટે બીસીસીઆઈ (BCCI)એ આઈપીએલ (IPL)ની બે નવી ટીમોની જાહેરાત કરી દીધી છે. સોમવારે સવારથી જ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ દુબઈમાં ભેગા થયા હતા. તેઓ સતત ચર્ચામાં રોકાયેલા હતા. આખરે સાંજ સુધીમાં જાહેર થઈ ગયું કે 2022 માં અમદાવાદ અને લખનૌની બે નવી ટીમો આઈપીએલમાં પોતાની તાકાત બતાવશે. સંજીવ ગોએન્કાની માલિકીના RPSG ગ્રૂપે 7,000 કરોડ રૂપિયાની સૌથી વધુ બોલી લગાવીને લખનૌ (Lucknow) ફ્રેન્ચાઇઝી ખરીદી છે. જ્યારે CVC કેપિટલ્સ ગ્રૂપે અમદાવાદની (Ahmedabad) ફ્રેન્ચાઈઝી 5 હજાર 166 કરોડમાં ખરીદી છે.
આગામી વર્ષથી હવે આઈપીએલમાં 10 ટીમ જોવા મળશે. આ પહેલા પણ 2011ની સીઝનમાં 10 ટીમ રમી ચુકી છે. હવે આઈપીએલમાં મેચોની સંખ્યા પણ વધવાની છે. બીસીસીઆઈ આગામી દિવસોમાં હરાજીની જાહેરાત કરશે. આ સાથે કઈ ટીમ કેટલા ખેલાડીઓ રિટેન કરી શકે તેની પણ જાહેરાત થવાની છે. IPLમાં મેચની સંખ્યા પણ 60થી વધી 74 થઈ જશે. ખેલાડીઓની દ્રષ્ટીએ વાત કરીએ ટીમ વધવાથી ઓછામાં ઓછા 45થી 50 નવા ખેલાડીઓને IPLમાં રમવાની તક મળશે. જેમાં પણ 30થી 35 યંગ ઈન્ડિયન પ્લેયર્સ હશે.
જણાવી દઈએ કે આરપીએસજી ગ્રુપ પહેલા આઈપીએલમાં પુણે સુપરજાયન્ટ્સનું સંચાલન કરી ચુક્યું છે તેણે લખનઉની ટીમ ખરીદી છે. બીસીસીઆઈએ અરુણ પાંડેની બિડને ફગાવી દીધી છે. તે બિડ કરવા માટે થોડો મોડો પહોંચ્યો હતો અને બોલી લગાવવાનું ચૂકી ગયો હતો. તે રીતી સ્પોર્ટ્સ માટે બોલી લગાવવા આવ્યો હતો. ગોએન્કા ગ્રૂપે લખનૌની ફ્રેન્ચાઇઝી લગભગ 7000 કરોડ રૂપિયામાં ખરીદી છે. લખનૌનું હોમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમ હશે. જ્યારે અમદાવાદનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હશે.
- 22 પક્ષોએ ટેન્ડર જમા કરાવ્યા હતા, પરંતુ આ છ પક્ષો મોખરે હતા
- અદાણી ગ્રુપ
- ટોરેન્ટ ફાર્મા
- સંજીવ ગોએન્કા, RPSG ગ્રુપ
- નવીન જિંદાલ (કટક ફ્રેન્ચાઇઝી)
- ગ્લેઝર્સ ફેમિલી (માન્ચેસ્ટર યુનાઈટેડના માલિકો)
- સીવીસી વેન્ચર્સ
- કેપરી ગ્લોબલ