ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અત્યાર સુધી ઉતારચઢાવવાળુ અભિયાન ધરાવતી મુંબઇ ઇન્ડિયન્સ આવતીકાલે શનિવારે જ્યારે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) સામે મેદાને પડશે, ત્યારે તેનો ઇરાદો સીએસકેના વિજય અભિયાનને અટકાવીને પોતાના અભિયાનને જીતના માર્ગે વાળવાનો રહેશે. સીએસકેની ટીમ પોતાની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે ગુમાવ્યા પછી સતત પાંચ મેચ જીતીને ટેબલમાં ટોચના સ્થાને છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ છ મેચમાંથી ત્રણમાં જીતીને ચોથા ક્રમે છે.
બંને ટીમ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ પર પોતપોતાની છેલ્લી મેચ જીતી ચુકી છે. મુંબઇ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ સામે 7 વિકેટે જીત મેળવી હતી.
આવતીકાલની મેચનું પરિણામ જો કે મહદઅંશે બંને ટીમના ટોપ ઓર્ડરના પ્રદર્શન પર નિર્ભર રહેશે. મુંબઇ માટે ચિંતાનો વિષય રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનું ફોર્મ છે. તેઓ પોતાની કાબેલિયત અનુસારની બેટિંગ કરી શક્યા નથી. જો કે સારી વાત એ છે કે ઓપનર ક્વિન્ટોન ડિ કોક ફોર્મમાં આવી ગયો છે અને મિડલ ઓર્ડરમાં કૃણાલ પંડ્યા અને કિરોન પોલાર્ડે રિધમ મેળવી લીધી છે.
સીએસકેના મિડલ ઓર્ડરની હજુ સુધી કસોટી લેવાઇ નથી, કારણકે ટોપ ઓર્ડરમાં ડુ પ્લેસિ અને ઋતુરાજ ગાયકવાડ છેલ્લી કેટલીક મેચોથી જોરદાર શરૂઆત અપાવી રહ્યા છે. જો કે આ બંને સામે જસપ્રત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ સામે પોતાનું શ્રેષ્ઠ ફોર્મ જાળવી રાખવાનો પડકાર હશે. આ ઉપરાંત કોટલાની ધીમી પીચ પર રાહુલ ચાહરની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે.